દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ માત્ર એક કેલેન્ડરની તારીથ નથી, પરંતુ દેશના અગણિત સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ, બલિદાન અને સમર્પણની અમર ગાથા છે. જ્યારે ભારત બ્રિટિશ ગુલામીની સાંકળોમાં જકડાયેલું હતું, ત્યારે દરેક ભારતીયની આંખોમાં સ્વતંત્રતાનું એક સ્વપ્ન હતું. લાંબા સંઘર્ષ બાદ આખરે એ ઐતિહાસિક સવાર આવી જેણે સમગ્ર રાષ્ટ્રને નવજીવન આપ્યું. પરંતુ ઈતિહાસના પાનાઓમાં આ સવાલ હંમેશા પૂછાય છે કે આઝાદી માટે 15મી ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી?
જ્યારે બ્રિટિશ સરકારે પહેલાં જૂન 1948માં આઝાદી આપવાનું નક્કી કર્યું હતું, તો એવું તે શું બન્યું કે 10 મહિના પહેલાં જ આઝાદી આપવી પડી? આવો જાણીએ આ પાછળનું સાચું કારણ અને ઈતિહાસ.
પહેલાં કઈ તારીખ નક્કી થઈ હતી?
20મી ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ બ્રિટિશ સંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે અધિકૃત રીતે જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર 30મી જૂન, 1948 સુધીમાં ભારતીયોના હાથમાં સત્તા સોંપીને દેશ છોડી દેશે. એટલે કે મૂળ યોજના મુજબ ભારતને 1948ના મધ્યમાં આઝાદી મળવાની હતી.
10 મહિના પહેલાં કેમ આપવી પડી આઝાદી?
ભારતમાં આઝાદીનો સંગ્રામ ચરમસીમા પર હતો. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નાયકોના નેતૃત્વમાં દેશ એકજૂથ થયો હતો. 1942ના 'ભારત છોડો આંદોલન' અને બીજા વિશ્વયુદ્ધ બાદ નૌસેના વિદ્રોહ તથા સૈનિકોમાં વધતા અસંતોષે અંગ્રેજોને સમજાવી દીધું હતું કે હવે ભારત પર શાસન કરવું અશક્ય છે.
માર્ચ 1947માં લૉર્ડ માઉન્ટબેટન ભારતના અંતિમ વાઈસરોય બનીને આવ્યા. એ સમયે દેશમાં કોમી રમખાણો અને હિંસા વધી રહી હતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સત્તાના વિભાજન પર અસંમતિ હતી. માઉન્ટબેટનને લાગ્યું કે જો જૂન 1948 સુધી રાહ જોવામાં આવશે તો દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની જશે. આથી ત્રીજી જૂન, 1947 ના રોજ 'માઉન્ટબેટન પ્લાન' અંતર્ગત ભારત અને પાકિસ્તાનના ભાગલા સાથે 15મી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી આપવાનો કાયદો પસાર કરાયો.
15મી ઓગસ્ટની તારીખ લૉર્ડ માઉન્ટબેટને કેમ પસંદ કરી?
15મી ઓગસ્ટની તારીખ પસંદ કરવાનો સંપૂર્ણ નિર્ણય લૉર્ડ માઉન્ટબેટનનો હતો. આ તારીખ પાછળ બીજા વિશ્વયુદ્ધનું કનેક્શન છે. 15મી ઓગસ્ટ, 1945ના રોજ જાપાનની સેનાએ મિત્ર દેશો સામે શરણાગતિ સ્વીકારી હતી, જેને વિશ્વભરમાં 'Victory over Japan Day' (V-J Day) તરીકે ઉજવવામાં આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માઉન્ટબેટન સાઉથ-ઈસ્ટ એશિયામાં મિત્ર દેશોના સુપ્રીમ કમાન્ડર હતા. જાપાનનું આત્મસમર્પણ તેમના લશ્કરી કરિયરની સૌથી મોટી સફળતા અને યાદગાર ક્ષણ હતી. માઉન્ટબેટન 15 ઓગસ્ટની તારીખને પોતાના માટે 'લકી' માનતા હતા. આથી તેમણે જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠના દિવસે જ ભારતને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો હતો.
ઉતાવળમાં લીધેલા નિર્ણયનું દર્દનાક પરિણામ:
માઉન્ટબેટને 10 મહિના પહેલાં ઉતાવળમાં આઝાદી આપવાનો જે નિર્ણય લીધો, તેનું પરિણામ દેશને ભોગવવું પડ્યું. સીમારેખાની જાહેરાત મોડી થઈ, જેના કારણે રાતોરાત લાખો લોકો બેઘર બન્યા અને કોમી હિંસામાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા.
અડધી રાતે મળેલી આઝાદી...
14મી અને 15મી ઓગસ્ટ 1947ની મધરાતે એટલે કે બરાબર રાતે 12 વાગ્યે બંધારણ સભામાં આઝાદીનો મુખ્ય સમારોહ યોજાયો. આ જ ઐતિહાસિક ક્ષણે પંડિત જવાહરલાલ નેહરુએ પોતાનું પ્રખ્યાત ભાષણ 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' આપ્યું હતું.