Sun Apr 19 2026

Logo

સારા જમાના.... તમાશા કા દીવાના!

2026-04-19 17:09:00
Author: Abhimanyu Modi
Article Image

કેનવાસ - અભિમન્યુ મોદી

જ્યારે રાજાને એવું લાગે ને કે બધા દરબારીઓ ને પ્રજા મારી વિરુદ્ધ જઇ રહી છે કે બળવો પોકારવાની છે ત્યારે એ રાજા બીજા કોઈ રાજ્ય ઉપર આક્રમણ કરે! આ વિધાન નથી પણ સ્થાનિકથી લઈને વૈશ્વિક રાજકારણ સુધીના આટાપાટાનો એક્સ-રે છે. વર્તમાન જીઓપોલિટિક્સની બધી સમજ આ એક સત્યમાં રહેલી છે. 

આપણી આસપાસ અત્યારે જે પણ કંઈ ચાલી રહ્યું છે એ બધું સરકસ છે, કારણ કે મહાસત્તાના તખ્તા ઉપર વિદૂષક બિરાજમાન છે. ખોટું કે અસત્ય કે અર્ધસત્ય પત્રકારિતા એટલે કે યેલો જર્નાલીઝમે દાયકાઓ દરમિયાન દુનિયાને અત્યંત નુકસાન પહોચાડ્યું છે. હવે આ યેલો-હેર-હોટેલિયર એ નુકસાનીનો રેકોર્ડ તોડવા માગે છે.

એક જમાનો હતો જ્યારે સત્તાનું વજન પડતું, કારણ કે સત્તાધીશના માથે જવાબદારી રહેતી. સારા રાજા-મહારાજાઓને એ અનુભૂતિ રહેતી કે ભવિષ્યનો સમય આ ઇતિહાસને તપાસશે. નેતાઓ એ રીતે બોલતા જાણે એ શબ્દો પથ્થરની લકીર હોય. આવી હસ્તીઓથી ભૂલ થઈ જતી તો એ ભૂલ પણ આજે માનનીય ગણાય એવી રહેતી. શરમ આવે એવા કાંડ પણ ભાગ્યે થતા. અને આજે? આજે સત્તામાં વજન રહ્યું નથી. જવાબદેહી નથી એટલે જવાબદારીની તો વાત જ ક્યાં કરવી? ટ્વિટ ડ પરથી દેશના પ્રમુખો ઘોષણા કરે છે ને યુદ્ધોની જાહેરાત કરે છે. દેશના વડાઓ ડાયલોગબાજી કરે છે ને બીજા દેશ વિરુદ્ધ ફતવાઓ બહાર પાડે છે. આટલાં વર્ષોમાં ફરક એ આવ્યો કે નેતૃત્વ જવાબદારીને બદલે પ્રદર્શન બની ગયું. લોકશાહીમાં પરફોર્મન્સ ઘૂસી ગયું. જંગલનો રાજા જોકરની ટોપી પહેરીને નાચવા લાગ્યો. વધુ શરમજનક વાત એ છે કે એ બેશરમ વિદૂષકને જોઈને જંગલના બીજા જીવો તાળીઓ પાડી રહ્યા છે. પરફોર્મન્સ આપી રહેલા માણસો દેશના પ્રેસિડેન્ટ બની જાય તો પણ પબ્લિક તમાશો જુએ રાખે છે અને મીમ બનાવીને શેર કરે છે. દુનિયાની વાટ લાગી ગઈ છે પણ ‘મેરે કો ક્યા?’

ડોનલ્ડ ટ્રમ્પ એ વિલન નથી. એ કોઈ દુર્ઘટના નથી. એ વિશ્વની જનતાની માનસિકતાનો અરીસો છે. રોજ વોર અને યુદ્ધવિરામ ને ફરીથી હુમલાઓના ત્રણ મહિનાથી સમાચાર વાંચીને આપણે સૌ એક ખોટો સવાલ પૂછી રહ્યા છીએ - ફક્ત એક માણસ દુનિયાની પથારી કઈ રીતે ફેરવી શકે? સાચો સવાલ એ છે કે- દુનિયા એટલી કમજોર બની ગઈ કે એક માણસ તેને હલાવી નાખે? જંગલમાં ગમે તેટલા કલાઉન આવે જંગલ સરકસ નહીં બને. પણ જ્યારે જંગલનાં પ્રાણીઓ એક કલાઉનને વધાવી લે ત્યારે એ જંગલ કાયમી સરકસ બની જશે. આવું વર્ષો પહેલા વાંચેલું. આજે વર્ષો પછી આખી દુનિયાને સરકસ બનતી જોવાની તક મળી રહી છે. વાહ, શું આ છે મેનીફેસ્ટેશનનું પીક ડિટેલિંગ?

ફરિયાદ કરવાનો આપણને હક્ક છે? આ વર્તમાન તો આપણી જ ઊપજ છે ને? સૌથી મોટેથી ચીસાચીસી કરાનારાને આપણે બળવાન સમજવા માંડયા છીએ. સૌથી પહેલા રિએક્શન આપનારાને આપણે બુદ્ધિશાળી ગણવા લાગ્યા છીએ. સૌથી ગંદા અપમાનને આપણે યોગ્યતમ સમજીએ છીએ. બ્રેક્રિંગ ન્યૂઝના ટ્રેન્ડથી શરૂ થયેલું મીડિયા અત્યારે સોશ્યલ મીડિયાની વલ્ગારિટી સુધી પહોંચ્યું છે. સદવિચારને બદલે ઘોંઘાટના ગુણગાન ગવાય છે. આવી સ્થિતિએ પહોંચાડનાર કોણ છે ? યુ, મી ઔર હમ!

ખોવાયો છે ખોવાયો છે ચાળણો ખોવાયો છે. પહેલા બહુ બધા ચાળણા- હતા. એક બોરિંગ સારા માણસ બનવા માટે પણ સમાજના ઘણા બધા ચાળણામાંથી પસાર થવું પડતું. હવે ચાળણા (કે ચાળણી) રહ્યા નહીં. માણસ સારો છે? સંસ્કારી છે? ડાહ્યો છે ? આ બધા સવાલો હવે અસ્થાને છે. એક જ સવાલ હવે આ ધર્મ પૂછે છે - આ જણસ (સારા કે ખરાબ) રિએક્શન મેળવી આપશે? જો હા, તો બેસાડો એને ખભે. આપણી આ પદ્ધતિમાં આપણાં ખભા ભાંગી રહ્યા છે.

આપણે હવે નેતાઓ નથી ચૂંટી રહ્યા. આપણે હવે કસ્ટમાઇઝડ મરજી મુજબ હીરો બનાવી રહ્યા છીએ. એ હીરો સત્તા પર બેઠેલો હોય કે પછી કોઈ સિરીઝ કે સ્થાનિક ફિલ્મોમાં આવતો. એને પસંદ કરવાનો કે તોડી પાડવાનો અધિકાર આપણે એન્જોય કરી રહ્યા છીએ. શાંત, સ્થિર, વિચારશીલ હવે બોરિંગ અને જુનવાણી લાગે છે. પણ કોઈ ગાંડા કાઢતો હોય, અપમાનો કરતો હોય તો એને જોવાની મજા આવે છે. એ જ આપણો હીરો છે.

પ્રજાએ સત્તા ઉપરથી કાબૂ નથી ગુમાવ્યો. પ્રજાએ સત્તાની ધુરી બદલાવી નાખી છે. અહીં સત્તા એટલે સરકારથી લઈને દરેક ક્ષેત્રના પદાધિકારીઓની વાત થાય છે. આજે પાવર એટલે ફોલોઅર્સની સંખ્યા. પાવર એટલે મીમ મટિરીયલ બનવાની ક્ષમતા. ક્ષણિક ડોપામાઇન ઉત્તેજના વધારી આપે એ હીરો. પાવર એટલે પરફોર્મન્સ.

ત્રીસ સેક્ધડ જેટલો આપણો એટેન્શન સ્પાન છે. બધું સ્પીડમાં થાય છે. ઝડપ પાસે ઊંડાણ ન હોય. માટે એક ટ્વિટ, એક સ્ટેટમેન્ટ, એક માણસ દુનિયા ઊંધી ચતી કરી શકે છે, માર્કેટ હલાવી શકે છે કારણ કે આપણે બટકણાં થઇ ગયા છીએ. આપણે કેવા વિશ્વ અને ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ તેના વિશે આપણને ખુદ અંદાજ પણ નથી, કારણ કે આપણને શું જોઈએ છે એના વિશે આપણને જ ખબર નથી. બસ, એક વાત સ્પષ્ટ છે કે મજા આવવી જોઈએ. મજા આવે છે ને તો ભલે સિંહાસન પર વાંદરો બેઠો. વાંદરાના હાથમાં તલવાર આપવાનું કામ આપણે સૌ મળીને કરી રહ્યા છીએ. 

આ બધા વચ્ચે ભારત હજુ સુધી બહુ સુરક્ષિત રહ્યું છે એ આપણાં નસીબ. દુનિયાની હાલતની ખાસ દયા ખાવા જેવી એટલા માટે નથી કે પબ્લિકને આ જ તમાશો જોઈતો હતો. રોમના નીરો બનવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દેવું જોઈએ?