Sun Oct 11 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો

2026-10-11 08:14:00
Author: Anil Rawal
વ્હેંત છેટો મોતનો ઓછાયો

 

 



 

ઝૈનાબના હાથમાંથી બાજી સરકી ગઈ... મુઠ્ઠીમાંથી રેતી સરકી જાય એમ.    

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

‘દેખ લેના ભરોસે કા સૂર કહીં ખતરે કી ઘંટી ન બન જાયે...’ અમરબાબુ બોલીને બૅગમાંથી અજમલને મશીનગન આપી. અજમલેે પૅન્ટની પાછળ ભરાવેલી રિવૉલ્વર કાઢીને બતાવતાં કહ્યું : ‘યે કાફી હૈ.’ અમરબાબુએ બીજી એક રિવૉલ્વર આપી. એણે લઈ લીધી. બંનેએ નમાઝ પઢી. બંને કુરાન વાંચવામાં તલ્લીન થઈ ગયા.

******************** 

‘મૈં અભી આયા’ અજમલ બોલ્યો. કુરાન બંધ કર્યું. નીચે ઊતરીને આજુબાજુ જોયું. એક હાથગાડીવાળાને બોલાવીને એની પાસે સામાન ઉતરાવીને હાથગાડીમાં મુકાવ્યો. ‘તુમ ઇધર ઠહરો.’ કહીને એ ઉપર ગયો. અમરબાબુ અને અજમલ ભેટ્યા...‘અલ્લા હાફીઝ.’ અજમલ પાછો આવ્યો.

 

‘મુઝે કુછ ખરીદના હૈ... થોડી દેર મેં ચલતે હૈ...’ કહીને એણે હાથગાડીવાળાને થોડા વધુ રૂપિયા આપ્યા. હાથગાડીવાળો ઊભો રહ્યો. એ દરમિયાન અજમલ બજારમાં ગયો. એ ઝૈનાબને શોધી રહ્યો હતો અને ઝૈનાબ ખુદ સામે ચાલીને એની પાસે આવી રહી હતી. બંને સામસામે થયા ને બાજી બદલાઈ ગઈ.

‘ચૂપચાપ મેરે સાથ ચલો...’ અજમલે કહ્યું. ઝૈનાબને કંઈક ગરબડ લાગી. 

 

‘પ્લાન ક્યા હૈ...?’ એણે સાથે ચાલતાં પૂછ્યું.

 

‘ચલતી રહો...’ અજમલે હાથગાડીવાળાને ઇશારો કર્યો. ઝૈનાબ કાંઈ સમજી નહીં.  

 

‘યે સામાન તુમ્હે અભી રસોઈઘર કે દરવાજે પર ખડે સેવક કો દેના હૈ...’

 

‘પ્લાન ક્યા હૈ...?’ ઝૈનાબે ફરી પૂછ્યું. 

 

‘તુમ્હે બતાયા જાયે ઉતના હી કરો...’ અજમલે કહ્યું. શૂન્યમનસ્ક ઝૈનાબ ત્યાં જ ઊભી રહી... એ અજમલનો ગેમપ્લાન સમજી શકે એ પહેલાં અજમલ એની પાસે પોતાનો ગેમપ્લાન અમલમાં મુકાવી રહ્યો હતો. રાધાને કૉલ કરવાની તક પણ એની પાસે ન રહી. ઝૈનાબના હાથમાંથી બાજી સરકી ગઈ... મુઠ્ઠીમાંથી રેતી સરકી જાય એમ...

 

‘આગે ચલ, મૈં તુમ પર નઝર રખે હુએ હું... કોઈ ચલાકી નહીં... વર્ના પહેલી ગોલી...’ ઝૈનાબ પાસે બીજો કોઈ રસ્તો નહતો. એ ચારેબાજુ નજર દોડાવતી... રાધા, રાઘવ જગદીશને શોધતી ધીમા પગલે ચાલવા લાગી. 

********************

અમરબાબુ જે લૉજમાં ઊતર્યો હતો એ દામોદર લૉજના મૅનેજરને અમરબાબુ અને સીધાસામાનની હિલચાલ શંકાસ્પદ લાગી. એણે જગદીશને કૉલ કરીને વાત કરી.

 

‘યાર, મને કંઈક ગરબડ લાગે છે,’ મૅનેજરે કહ્યું.

 

‘કેવી ગરબડ...?’ જગદીશે પૂછ્યું.

 

‘કોઈ પણ ભક્ત સીધુસામાન ખરીદીને સીધો રસોઈઘરમાં આપે, પણ એ લોકો સામાન રૂમમાં કેમ લાવ્યા... સમજાતું નથી...?’ એણે કહ્યું.

 

છેલ્લા થોડા સમયથી રાધા અને રાઘવની સાથે રહીને જાસૂસી દિમાગ ધરાવતો થઈ ગયેલો જગદીશ સતર્ક થઈ ગયો. 

 

‘કોણ લોકો? કોની વાત કરે છે તું...?’ એણે પૂછ્યું.

 

‘એ લોકો અમારી લૉજમાં ઊતર્યા છે...’

 

 ‘નામ શું છે એનું?’ એણે પૂછ્યું.

 

‘અમરબાબુ... એનો એક ફ્રેન્ડ પણ છે... એ હમણાં આવ્યો...’ મૅનેજરે કહ્યું અને જગદીશનું દિમાગ સહી દિશામાં દોડતું થઈ ગયું.

 

‘એનું નામ શું છે?’ 

 

‘એનું નામ એણે નથી લખાવ્યું...’ મૅનેજરે કહ્યું.

 

‘અરે... તારે એનું પણ નામ નોંધવું જોઈએને...’

 

‘મને એમ કે સાથે છે એટલે ચાલે...’ મૅનેજરે કહ્યું.

 

‘રૂમ નંબર બોલ...’ જગદીશે કહ્યું.

મૅનેજરે રૂમ નંબર કહ્યો. ‘જો આ વાત પોલીસ અને મારા માલિક સુધી પહોંચશે તો મારી નોકરી જશે,’ મૅનેજર પોતે કરેલી ભૂલથી ગભરાઈ ગયો હતો.

‘તું ચિંતા નહીં કર... તારી નોકરી નહીં જાય.’  

******************

લૉજના મૅનેજર સાથેની વાત પતાવીને જગદીશે તરત જ રાધાને કૉલ લગાડ્યો, પણ લાગ્યો નહીં... એણે બેચારવાર ટ્રાય કરી જોઈ, પણ કૉલ ન લાગ્યો. અંતે એણે રાઘવને કૉલ કર્યો.

 

‘રાઘવ ભૈયા, રાધાનો ફોન નથી લાગતો... દામોદર લૉજમાં...’ જગદીશે રાઘવને ટૂંકમાં બધી વાત કરી.  

 

‘હું આવું છું...’ જગદીશ સાથેની વાત ટૂંકાવીને એણે ફોન કટ કરીને રણછોડને કૉલ લગાડ્યો. 

 

‘જી ભૈયા, હાંજી ભૈયા...’ કહીને રણછોડે કૉલ કટ કર્યો. 

***********************

ઝૈનાબ રસોઈઘરના મુખ્ય દરવાજે પહોંચી. સેવકે જય ગોપાલા કહીને મોટું સ્માઇલ આપ્યું. રેકડીવાળો સામાનના થેલા દરવાજા પાસે મૂકીને નીકળી ગયો.

 

‘મૈં સબ સામાન અંદર રખવા દુંગા...’ સેવક બોલ્યો.

 

‘કાઈ બાત નહીં... મૈં રુકતી હું...’ ઝૈનાબ નહીં, જાણે ઝૈનાબના દિલના ધબકારા બોલી રહ્યા હતા. સામાનમાં શું હશે કાંઈ કળી શકાતું નહતું. સેવક એક પછી એક થેલા અંદર મૂકતો હતો. એણે થેલા તપાસતાં પહેલાં પાછળ ફરીને જોયું. અજમલ નીચેના પગથિયે ઊભો રહીને હિલચાલ પર નજર રાખતો ઊભો હતો. ઝૈનાબના ધબકારા તેજ થઈ ગયા... સામાન ચેક કરવાનો મોકો ન મળ્યો... એ કોઇ ચમત્કારની રાહ જોતી ઊભી રહી. 

 

‘સેવકી...’ બોલીને સેવકે હાથ લંબાવ્યો. ઝૈનાબ એના હાથમાં રૂપિયા મૂકીને દાદર ઊતરી ગઈ. ઝૈનાબને અજમલનો પ્લાન રાધાને નહીં જણાવી શકવાનો અફસોસ હતો જ સાથે હવે શું થશે એની ચિંતા પણ હતી.

 

‘મુઝે ખુશી હોતી અગર તુમને બતાયા હોતા, ક્યું કી મૈં ભી તુમ્હારે ગેમપ્લાન કા હિસ્સા હું...’

 

‘ગેમપ્લાન કિસી કા ભી હો કામ તો તુમને કિયા હૈ...’ અજમલ બોલીને રવાનો થયો. ઝૈનાબની ચાલમાં રાધાને બધું કહી દેવાની ઉતાવળ હતી. 

*********************

રાઘવ અને જગદીશ અમરબાબુની રૂમ પર ગયા. મૅનેજરે બેલ મારી. બૅગમાં કુરાન મૂકી રહેલા અમરબાબુએ કાતિલ નજર દરવાજા પર નાખી. બેલ બીજીવાર વાગી. એણે અડધો દરવાજો ખોલ્યો. 

 

‘સા’બ, સીધાસામાન કે લિયે ઠેલાગાડી ચાહિયે...’ મૅનેજરે પૂછ્યું. 

 

‘નહીં ચાહિયે...’ કહીને અમરબાબુ દરવાજો બંધ કરવા ગયો ત્યાં પાછળ ઊભેલા રાઘવે દરવાજાને લાત મારી... દરવાજો અમરબાબુના મોં પર લાગ્યો... રાઘવે અંદર ધસી જઈને એની ગરદનમાં ઇન્જેક્શન ભોંકી દીધું. થોડી ક્ષણોમાં અમરબાબુની આંખોનાં પોપચાં ઢળવા લાગ્યાં... એ બેશુદ્ધ બની ગયો. લૉજની બહાર ઍમ્બ્યુલન્સનો અવાજ આવ્યો... રાઘવ, જગદીશ અને મૅનેજર અમરબાબુને લઈને નીચે ઊતર્યા...

 

‘અટેક આયા હૈ...’ ‘હટો રાસ્તા દો..’ના અવાજ વચ્ચે ત્રણેયે અમરબાબુને ઍમ્બ્યુલન્સમાં ધકેલ્યો....

 

‘તું ચિંતા નહીં કરતો...’ રાઘવે મૅનેજરને કહ્યું. 

 

‘ડ્રાઇવર બડી હૉસ્પિટલ લે લો...’ રાઘવ બોલ્યો.

 

‘જી સા’બ. રણછોડે કહ્યું ને ઍમ્બ્યુલન્સ પૂરપાટ બાબુજીના ફાર્મના રસ્તે દોડવા લાગી.

*********************

રસોઈ ઘરમાં મોટી કડાઈઓમાં પ્રસાદ રંધાઈ રહ્યો હતો. પ્રસાદ બનાવતી વખતે થૂંક ન ઊડે એની સાવચેતીરૂપે મોં પર બુકાની બાંધીને રસોઈ કરતા સેવક રસોઈયાઓ મોટા તાવડાઓમાં લાંબા તવેથાઓ ફેરવતા હતા. દરેક સેવક રસોડાના ધુમાડાથી લાલાશ પડેલી માત્ર લાલ આંખો દેખાતી હતી. વિશાળ રસોઇઘરમાં ગોપાલેશ્ર્વરને ચડાવતા ભોગની તમામ વાનગીઓ રંધાતી હતી. વિવિધ વાનગીઓની મિશ્ર ગંધ પ્રસરતી હતી ને ધુમાડો ચીમની વાટે આપમેળે બહાર ધકેલાતો હતો.   

 

મુખ્ય સેવકે નવા આવેલા સીધાસામાનના થેલાઓ એક ખૂણામાં મુકાવ્યા. બુકાની કાઢીને બીજા બે સેવકોની સામે જોયું... બીજા બે જણે પણ બુકાનીઓ કાઢી. દેવીપ્રસાદજી, ધરમપાલજી અને વિશ્ર્વનાથજી ત્રણેયે ખૂણામાં પડેલા મોતના સામાન પર એકીસાથે નજર નાખી.

******************** 

મેરે તો ગીરધર ગોપાલ ગાઈ રહેલી રાધાનું ધ્યાન અજમલ પર પડ્યું... એ ઊભી થઈને એની તરફ જવા લાગી... એટલામાં એણે પાછળ આવી રહેલી ઝૈનાબને જોઈ. એને શંકા ગઈ. એના પગ ત્યાં જ ખોડાઈ ગયા. અજમલ એની તરફ આવી રહ્યો હતો. 

 

અજમલનો પ્લાન નહીં, પણ ખુદ અજમલ સામેથી આવી રહ્યો હતો. રાધા અને અજમલ બંને આમનેસામને થઈ ગયાં. અજમલે ઝીણી નજર કરીને રાધાને જોઈ... ઓળખી લીધી હોય એમ મૂછમાં હસ્યો...

 

‘મિત્સુ આનંદ... ઉર્ફ રાધા... ફ્રૉમ રો...હં...મને હતું જ કે આપણી મુલાકાત થશે, પણ આ રીતે થશે એનો અંદાજ નહતો.’ 

 

‘મોત લખાયેલું હશે તારું મારા હાથે... એટલે જ સામે આવીને ઊભો રહી ગયો...’ રાધાએ કહ્યું. રાધા બોલી કે તરત જ અજમલ પાછળ ભરાવેલી રિવૉલ્વર કાઢવા ગયો... ત્યાં અચાનક એકતારાનો એક તાર તૂટ્યો... તાર તૂટવાનો તીણો અવાજ આવ્યો... અજમલે છાતી પર હાથ મૂક્યો. એ ઢળી પડ્યો... રાધાએ ઝટ દઈને એની છાતીમાં ભોંકાયેલી ઝીણી સોય કાઢી નાખી...

 

‘અરે. અરે ક્યા હુઆ આપકો....? કોઈ હૈ...?’ રાધાએ બૂમાબૂમ શરૂૂ કરી... ઝૈનાબ મામલો પામી ગઈ... કોલાહલ મચી ગયો... લોકો એકઠા થવા લાગ્યા... એવામાં એક કાર આવીને ઊભી રહી, અંદરથી દેવીપ્રસાદજી બહાર આવ્યા...

 

‘ક્યા હુઆ... મૈં જાનતા હું ઇનકો....’ એ બોલ્યા.

 

‘લગતા હૈ... હાર્ટ અટેક આયા હૈ...’ ઝૈનાબે રાધાની સામે જોતાં કહ્યું.

 

‘જલદી હૉસ્પિટલ લે ચલો...’ રાધા બોલી. બેત્રણ જણે અજમલને કારમાં ધકેલવામાં મદદ કરી... રાધા અને ઝૈનાબ પણ કારમાં બેઠી... કાર પુરપાટ દોડવા લાગી...બાબુજીના ફાર્મ તરફ.....  

 

  (ક્રમશ:)