ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખ પૂર્ણ થયા બાદ હવે જે કરદાતાઓએ સમયસર પોતાનું રિટર્ન ફાઈલ કરીને ઈ-વેરિફાઈ કરી દીધું છે, તેઓ પોતાના ટેક્સ રિફંડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકો એ જાણતા નથી કે આઈટીઆર સબમિટ કર્યા પછી રિફંડની પ્રક્રિયા કેવી રીતે થાય છે, રિફન્ડ બેંક ખાતામાં જમા થતાં કેટલા દિવસો લાગે છે અને કયા કારણોસર રિફંડ અટકી પણ શકે છે. ચાલો જાણીએ કઈ રીતે તમે તમારા આઈટીઆરનું સ્ટેટસ ચેક તકી શકો છો...
ITR ફાઈલ કર્યા પછી રિફંડ આવવામાં કેટલો સમય લાગે છે?
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર આઈટીઆર ફાઈલ કરવાથી રિફંડ જારી કરવામાં આવતું નથી. રિટર્ન ફાઈલ કર્યા બાદ તેનું ઈ-વેરિફિકેશન (e-Verification) થવું અત્યંત ફરજિયાત છે. સામાન્ય રીતે, સફળતાપૂર્વક ઈ-વેરિફાઈ થયાના 7થી 30 દિવસ (કે પછી બેથી ચાર અઠવાડિયા)ની અંદર સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા રિટર્ન પ્રોસેસ કરીને રિફંડની રકમ કરદાતાના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. જો રિટર્નમાં કોઈ ભૂલ ન હોય કે ટેક્સ ડિમાન્ડ ન નીકળે, તો વિભાગ ઝડપથી રિફંડ જારી કરી દે છે.

કયા કારણોસર અટકી કે ફેલ થઈ શકે છે તમારું રિફંડ?
જો તમને 30 દિવસથી વધુ સમય થવા છતાં રિફંડ મળ્યું નથી, તો તેની પાછળ નીચે મુજબના મુખ્ય ટેકનિકલ કે વહીવટી કારણો હોઈ શકે છે-
બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટ ન હોવું: ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારું જે બેંક ખાતું ઉમેરેલું છે તે પ્રી-વેલિડેટ હોવું ફરજિયાત છે.
પાન કાર્ડ અને બેંક ડિટેલ્સમાં નામનો તફાવત: પાન કાર્ડ (PAN) અને બેંક ખાતાના નામમાં સ્પેલિંગની ભૂલ કે અસમાનતા હોય તો પણ રિફંડ ફેલ થાય છે.
ખોટો IFSC કોડ અથવા બંધ ખાતું: જો તમે દર્શાવેલો IFSC કોડ ખોટો હોય કે ખાતું બંધ થઈ ગયું હોય.
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન હોવું: જો પાન કાર્ડ આધાર સાથે લિંક ન હોય અને નિષ્ક્રિય થઈ ગયું હોય, તો સિસ્ટમ રિફંડ પ્રોસેસ કરતી નથી.
ITR નું ઈ-વેરિફિકેશન ન થવું: રિટર્ન ફાઈલ કર્યાના ૩૦ દિવસમાં ઈ-વેરિફિકેશન ન કરવામાં આવે તો ITR જ રદબાતલ ગણાય છે.
ઓનલાઈન ITR રિફંડ સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
તમે ઈનકમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને સરળતાથી તમારા રિફંડની વર્તમાન સ્થિતિ જાણી શકો છો અને એ માટે અહીં જણાવવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરો-
સૌપ્રથમ ઈ-ફાઈલિંગ પોર્ટલ (incometax.gov.in) પર જાઓ અને User ID (PAN) તથા પિન વડે લોગિન કરો.
હવે ઈ-ફાઈલ ટેબમાં જઈને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ વ્યુ ફાઈલ્ડ રિપોર્ટનો વિકલ્પપસંદ કરો.
સંબંધિત એસેસમેન્ટ યર પસંદ કરી વ્યુ ડિટેઈલ્સ પર ક્લિક કરો.
અહીં તમને રિટર્ન પ્રોસેસિંગની સ્થિતિ, ઇન્ટિમેશન નોટિસ યુ/એસ 143(1) અને રિફન્ડ ઈશ્યુ થયું છે કે નહીં તે દેખાશે.
---