Sat Aug 29 2026

Logo

જુઓ...વિલ જેક્સે કેવો કૅચ ઝીલ્યો, થાકી જશો એટલા વખાણ કરશો

London   2026-08-07 12:45:00
Author: Ajay Motiwala
જુઓ...વિલ જેક્સે કેવો કૅચ ઝીલ્યો, થાકી જશો એટલા વખાણ કરશો

લંડન: ઇંગ્લૅન્ડમાં 100-100 બૉલવાળી ‘ધ હન્ડ્રેડ' નામની જે ટૂર્નામેન્ટ ચાલી રહી છે એમાં ગુરુવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડના જ ઑલરાઉન્ડર વિલ જૅકસ (WILL JACKS)એ કમાલનો કૅચ ઝીલ્યો હતો. તેણે ઝીલેલા એ કૅચનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે અને જૅક્સની વાહ-વાહ થઈ રહી છે.

લંડન સ્પિરીટ નામની ટીમ સામેની મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સના ફ્રેન્ચાઇઝીની એમઆઈ લંડન (MI LONDON) નામની ટીમે વિલ જૅક્સના આ સેન્સેશનલ કૅચની મદદથી જ મૅચ જીતી લીધી હતી.

27 વર્ષના વિલ જૅક્સનો આ માનવામાં ન આવે એવો અદભુત કૅચ જોઈને સાઉથ આફ્રિકાના ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટી રહોડ્સની ચપળ અને કલાત્મક ફીલ્ડિંગ યાદ આવી ગઈ હતી.

યોગાનુયોગ, વિલ જૅકસે બાઉન્ડરી લાઈન નજીક સાઉથ આફ્રિકાના જ ખેલાડી લુઆન-ડ્રે પ્રીટોરિયસનો આ કૅચ ઝીલ્યો હતો. આ કૅચને લીધે જ એમઆઈ લંડન ટીમે લંડન સ્પિરિટ ટીમને 160 રન સુધી સીમિત રાખી હતી અને પછી 161 રનનો લક્ષ્યાંક છ વિકેટના ભોગે મેળવી લીધો હતો.

લંડન સ્પિરીટ વતી પ્રીટોરિયસ ખૂબ સારું રમી રહ્યો હતો. તેણે 28 બૉલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જોકે સ્પિનર નૅથન સૉટરના એક ઓવરપિચ ફ્લાઇટેડ બૉલમાં પ્રીટોરિયસે લૉફટેડ શૉટ માર્યો હતો જેમાં ઊંચો બૉલ બાઉન્ડરી લાઈન તરફ ગયો હતો. બાઉન્ડરી લાઈન પરના દોરડાની નજીક જ ઊભેલા વિલ જૅકસે બૉલ ઝીલી તો લીધો, પરંતુ પોતે લાઈનની બહાર જતો રહેશે એવા ડરથી તેણે બૉલને હવામાં ઉછાળ્યો હતો. બાઉન્ડરી લાઇનની બહાર પગ મૂક્યા પછી તે પળવારમાં પાછો અંદર આવીને ફુલ સ્ટ્રેચ ડાઈવ મારીને તેણે ડાબા હાથે કૅચ આબાદ ઝીલી લીધો હતો.