અમદાવાદ: દેશમાં એક તરફ પેપર લીકની ઘટના અને સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલો કાયદાની ચર્ચા છે, ત્યારે પશ્ચિમ રેલવેની એક ખાતાકીય પ્રમોશન પરીક્ષામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. સ્ટાફ વેલફેર ઇન્સ્પેક્ટર (SWI) પદ માટે લેવાયેલી વિભાગીય પ્રમોશન પરીક્ષાની (SWI) સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે ઉમેદવારોને પાસ કરાવવા માટે ખાસ કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હતા. આ ક્લાસમાં માત્ર સિલેબસ જ નહીં, પરંતુ લાંચ આપવા માટે ફંડ કેવી રીતે ભેગું કરવું અને જો વિજિલન્સની તપાસ થાય તો તેનો સામનો કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવતું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ ક્લાસીસ એક વરિષ્ઠ રેલવે અધિકારીની પત્ની દ્વારા ભાડે લેવામાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટીમાંથી ચલાવવામાં આવી રહ્યા હતા.
તપાસમાં એવું પણ ખૂલ્યું હતું કે SWI પદ પર પ્રમોશન પાકું કરવા માટે ઉમેદવારો પાસેથી 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હતી. ચોંકાવનારી વાત એ છે કે ઉમેદવારોને પરીક્ષાની બરાબર પહેલાં લાંચની રકમ ચૂકવવા માટે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાંથી લોન લેવાની તાલીમ પણ આપવામાં આવી હતી. આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાની તારીખોની આસપાસ જ લોન લેનારા ઉમેદવારોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો, અને ATMમાંથી શંકાસ્પદ ઉપાડ તેમજ સગા-સંબંધીઓ દ્વારા નાણાકીય લેવડદેવડના પુરાવા પણ મળ્યા હતા.
જો કે આ ઉપરાંત 16 માર્ચ 2024ના રોજ લેવાયેલી કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ખૂબ મોટાપાયે તકનીકી ખામીઓ પણ આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પરીક્ષા તેના નિર્ધારિત સમય કરતાં લગભગ બે કલાક મોડી શરૂ થઈ હતી તેમજ પૂર્ણ થયા બાદ તરત જ બંધ થઈ જવાને બે દિવસ સુધી સર્વર પર એક્ટિવ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વર પર એનીડેસ્ક જેવી રીમોટ એક્સેસ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી, જેનાથી પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ સર્વર સુધી તેની પહોંચને જાળવી શકાય.
આ તમામ બાબતોનો ખુલાસો તે સમયે થયો કે જ્યારે પશ્ચિમ રેલવેનાં વિજિલન્સ ડીપાર્ટમેન્ટે પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની ફરિયાદની તપાસ CBIને સોંપી. પરીક્ષામાં કુલ 100 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ચાર રેલવે કર્મચારીઓએ 87.67% થી 90.33% વચ્ચે અસાધારણ રીતે ઉચ્ચ ગુણ મેળવ્યા હતા. સીબીઆઈના મતે, આ ચારેય જણાએ પરીક્ષા પહેલા જ લોન લીધી હતી. હાલમાં સીબીઆઈએ આ કેસમાં ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વરિષ્ઠ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, ક્લાર્ક અને ચાર પ્રમોટેડ ઇન્સ્પેક્ટરો સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.