આજે જાહેર થઈ રહેલાં પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોને પગલે રાજકીય ઈતિહાસમાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અને વલણો એ તરફ ઈશારો કરી રહ્યા છે કે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવી શકે છે અને ભાજપ પહેલી જ વખત રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. જો આ વલણો પરિણામમાં બદલાશે, તો આ બંગાળના ઈતિહાસમાં સાતમું મોટું રાજકીય પરિવર્તન ગણાશે. ચાલો નજર કરીએ અત્યાર સુધીના બંગાળમાં આવેલા મોટા રાજકીય પરિવર્તન પર...
મુસ્લિમ શાસનની શરૂઆત
બંગાળમાં આવેલા સૌપ્રથમ મોટા રાજકીય પરિવર્તનની વાત કરીએ તો 1204માં આવ્યું જ્યારે બખ્તિયાર ખિલજીએ સેન વંશના રાજા લક્ષ્મણ સેનને હરાવીને તુર્કી શાસનનો પાયો નાખ્યો. આ ઘટના સાથે જ બંગાળમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ થયો હતો.
રાજમહેલનું યુદ્ધ
12મી જુલાઈ, 1576ના રોજ બંગાળમાં થયેલું રાજમહેલનું યુદ્ધ નિર્ણાયક સાબિત થયું હતું અને એને બંગાળના ઈતિહાસમાં આવેલા બીજા રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવે છે. અકબરના સેનાપતિ ખાન જહાંએ બંગાળના છેલ્લા સ્વતંત્ર સુલતાન દાઉદ ખાન કર્રાનીને હરાવીને મારી નાખ્યો, જેનાથી અફઘાન શાસનનો અંત આવ્યો અને બંગાળ મુગલ સામ્રાજ્યનો ભાગ બન્યું.
પ્લાસીનું યુદ્ધ
1757માં રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળના છેલ્લા નવાબ સિરાજ-ઉદ-દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો હતો. આ જીત સાથે બંગાળ અને ભારતમાં બ્રિટિશ શાસનની વિધિવત શરૂઆત થઈ હતી અને આ જીતની ગણતરી પણ બંગાળના રાજકીય ઈતિહાસમાં આવેલા નોંધપાત્ર પરિવર્તન તરીકે કરવામાં આવે છે.
બક્સરનું યુદ્ધ
વર્ષ 1764માં બક્સરના યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુગલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય, બંગાળના નવાબ મીર કાસિમ અને અવધના નવાબની સંયુક્ત સેનાને પરાજિત કરી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની આ જીતને કારણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા.
લેફ્ટ ફ્રન્ટનો ઉદય
ભારતને આઝાદી મળ્યાના લાંબા સમય સુધી બંગાળમાં કોંગ્રેસનું શાસન રહ્યા બાદ આખરે 1977માં મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. જ્યોતિ બસુના નેતૃત્વમાં વામ મોરચા (Left Front)ની સરકાર બની હતી અને આ સરકારે બંગાળ પર સતત 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.
મમતા બેનર્જીનું આગમન
વર્ષ 2011માં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે (TMC) 34 વર્ષ જૂના ડાબેરી શાસનને ઉખેડી ફેંક્યું. 184 બેઠકો જીતીને મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા અને બંગાળની રાજનીતિમાં એક નવો યુગ શરૂ થયો.
શું 4 મે, 2026 ઇતિહાસ રચશે?
વાત કરીએ બંગાળમાં આજે જાહેર થઈ રહેલા પરિણામોની તો આજે ચોથી મે, 2026ના રોજ સામે આવી રહેલા ચૂંટણી પરિણામોમાં તો ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. જો બંગાળમાં ભાજપ સરકાર બનાવશે, તો બંગાળના ઇતિહાસમાં આ સાતમું મોટું રાજકીય પરિવર્તન તરીકે નોંધાશે.