કોલકાતા : પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી દીધા સ્થિત જગન્નાથ મંદિરના નામમાં ધામ શબ્દના ઉપયોગને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે ઓડિસા સરકારે પણ જણાવ્યું હતું કે આ નામ ધાર્મિક પરંપરા મુજબ નથી. જેના પગલે હવે પશ્ચિમ બંગાળ સરકારે દીધા સ્થિત જગન્નાથ મંદિરમાંથી ધામ શબ્દ દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે આ મંદિર "શ્રી જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્ર" નામથી ઓળખાશે.
હિન્દુ ધર્મમાં, 'ચારધામ'નું વિશેષ મહત્વ
આ ઉપરાંત હિન્દુ ધર્મમાં, 'ચારધામ'નું વિશેષ મહત્વ છે. ચાર ધામનું મહત્વ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમાં બદ્રીનાથ, દ્વારકા, પુરીમાં જગન્નાથ ધામ અને રામેશ્વરમનો સમાવેશ થાય છે. પુરીમાં જગન્નાથ મંદિર પરંપરાગત રીતે આ દરજ્જો ધરાવે છે તે જોતાં દીઘામાં નવા જગન્નાથ મંદિરને 'ધામ' તરીકેના નામ અંગે લાંબા સમયથી વિવાદ ઊભો થયો હતો. જે અંગે ઓડિસા સરકારે વાંધો ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે આ શબ્દનો ઉપયોગ ધાર્મિક પરંપરા સાથે અસંગત છે.
અન્ય સ્થળો માટે આ શબ્દનો ઉપયોગ મૂંઝવણ પેદા કરી શકે
દીઘા મંદિરને 'ધામ' તરીકે નામ આપવાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારો વચ્ચે રાજકીય અને ધાર્મિક ચર્ચા શરૂ થઈ. પુરીમાં પરંપરાગત જગન્નાથ મંદિર સાથે સરખામણી કરવા અંગે પણ વિરોધ થયો. પુરીના ગજપતિ મહારાજાએ પણ આ મુદ્દા પર અસંતોષ વ્યક્ત કર્યો. ઓડિશાનું વલણ એવું હતું કે ફક્ત પુરી સ્થળને જગન્નાથ ધામ તરીકે માન્યતા આપવામાં આવે છે.તેમજ અન્ય સ્થળો માટે આ શબ્દનો ઉપયોગ મૂંઝવણ પેદા કરી શકે છે.
જગન્નાથ મંદિરને પ્રવાસન અને ધાર્મિક કેન્દ્ર બંને તરીકે વિકસાવવામાં આવ્યું
દીઘામાં આવેલ જગન્નાથ મંદિરને પ્રવાસન અને ધાર્મિક કેન્દ્ર બંને તરીકે વિકસાવવામાં આવ્યું છે. તેનું નિર્માણ દરિયા કિનારાના શહેર દીઘાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ભક્તોને પુરી જેવો ધાર્મિક અનુભવ પૂરો પાડવાનો હતો. જોકે આ મંદિર પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિર જેટલું પ્રાચીન નથી તેમ છતાં તેને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.