Wed Jun 17 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી, માર્ચથી કેન્દ્રીય સશસ્ત્ર દળોની 480 કંપનીઓ તૈનાત કરાશે

2026-02-21 19:00:41
Author: Chandrakant Kanojia
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ માટે  ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ચૂંટણી પંચ  એક તરફ SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવી રહ્યું છે. તો બીજી તરફ રાજયમાં શાંતિપૂર્ણ મતદાન માટે પણ તૈયારી આરંભી દીધી છે. જેના ભાગરૂપે 1 માર્ચથી જ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 480 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

ચૂંટણી પંચની શાંતિપૂર્ણ મતદાન માટે કવાયત 

આ અંગે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં યોજાનારા મતદાનના પગલે  1 માર્ચથી વિસ્તાર પર  નિયંત્રણ અને   લોકોમાં શાંતિપૂર્ણ મતદાન માટે આત્મવિશ્વાસ વધારવાના પગલાંના ભાગરૂપે કેન્દ્રીય સશસ્ત્ર  દળોની કંપનીઓ  ચૂંટણી સંબંધિત ફરજો માટે તૈનાત કરવામાં આવશે.  તેમણે કહ્યું કે સશસ્ત્ર પોલીસ દળોની કંપનીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ્ટ્રોંગ રૂમ અને ગણતરી કેન્દ્રોમાં EVM ની સુરક્ષા પણ કરશે. 

10 માર્ચ સુધીમા કંપનીઓની તૈનાતીઓ પૂર્ણ કરવામાં આવશે

ચૂંટણી પંચના અધિકારીએ  જણાવ્યું હતું કે આશરે 240  કંપનીઓની પહેલી બેચ 1 માર્ચ સુધીમાં સામેલ કરવામાં આવશે. તેમજ 10 માર્ચ સુધીમા કંપનીઓની તૈનાતીઓ પૂર્ણ કરવામાં આવશે. આ ટુકડીઓમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બળના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાવાની શક્યતા 

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા SIR પછીની અંતિમ મતદાર યાદી  28 ફેબ્રુઆરીએ પ્રકાશિત થવાની છે. જ્યારે ચૂંટણીનું સમયપત્રક માર્ચમાં જાહેર થવાની સંભાવના  છે.તેમજ પ્રકાશમાં આવેલા અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચ માર્ચના બીજા અઠવાડિયામાં ચૂંટણીનું સમયપત્રક જાહેર કરે તેવી અપેક્ષા છે. આ વખતે આસામમાં ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાય તેવી શક્યતા છે.