(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ વરસાદે બ્રેક લીધો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને ૮૮ ટકા થઈ ગયો છે. હાલનો પાણીનો જથ્થો છેલ્લા બે વર્ષમાં સમાન સમયગાળા દરમ્યાન નોંધાયેલા સ્તર કરતાં ઓછો છે, જેના કારણે શહેરમાં પાણી કાપ પાછો ખેંચાવા બાબતે હાલ પૂરતું ફરી વિરામચિહ્ન લાગી ગચું છે.
આ વર્ષે ચોમાસાનું આગમન લંબાઈ ગયું હતું અને ૨૩ જૂને નૈર્ઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ જુલાઈમાં પડેલા મુશળધાર વરસાદને પગલે જળાશયો ભરાઈ ગયાં હતાં. જુલાઈના અંત સુધીમાં તમામ જળાશયોમાં પાણીનું સ્તર લગભગ ૯૦ ટકા સુધી પહોંચી ગયું હતું, જેમાં મોડક સાગર, તાનસા, વિહાર અને તુલસી તળાવો છલકાઈ ગયાં હતાં. જોકે, તાજેતરમાં વરસાદની ગેરહાજરીને પગલે તળાવોનું સ્તર સતત ઘટી રહ્યું છે.
હવામાન નિષ્ણાતોએ લાંબા સમય સુધી વરસાદની ગેરહાજરીને અલ નીનો સ્થિતિ સાથે જોડી છે અને ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમ્યાન સામાન્યથી ઓછા વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા અંગે અનિશ્ર્ચિતતા વધી રહી છે. સાત ઓગસ્ટ સુધીમાં સાત જળાશયોમાં ૧૨.૮૦ લાખ મિલ્યન લિટર એટલે કે ૮૮ ટકા પાણીનો જથ્થો હતો, જે ૨૦૨૫માં ૧૨.૯૦ લાખ મિલ્યન લિટર (૮૯ ટકા) અને ૨૦૨૪માં ૧૩.૦૫ લાખ મિલ્યન લિટર (૯૦ ટકા) હતું.
જળાશયોમાં ઘટતી સપાટી વચ્ચે કૉંગ્રેસના નગરસેવક ટ્યૂલિપ મિરાન્ડાએ સ્થાયી સમિતિમાં ૧૫ મેથી લાદવામાં આવેલા ૧૦ ટકા પાણી કાપ તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી તેમના વોર્ડમાં પાણીની સતત અછત અને દૂષિત પુરવઠા બાબતે ફરિયાદ કરી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ પાલિકા પ્રશાસનને પાણીકાપ ચાલુ રાખવાની જરૂરિયાત સમજાવતો અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પાણીનો વર્તમાન સ્ટોક આગામી ૩૧૨ દિવસ માટે પૂરતો છે, પરંતુ પાલિકા અલ નીનોના ડર વચ્ચે પાણી બચાવવા માટે રાજ્યના સિંચાઈ વિભાગના નિર્દેશોનું પાલન કરી રહી છે. મુંબઈને વાર્ષિક ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર પાણીની આવશ્યકતા હોય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં તળાવનો સંગ્રહ આ સ્તર સુધી પહોંચ્યા પછી જ પાણી કાપ પાછો ખેંચવો શક્ય છે.