Sat Jun 27 2026

Logo

ટી-20 ટીમમાં વૉશિંગ્ટન સુંદરનો શું રોલ છે એ પ્રશ્ન સૌને મૂંઝવે છે

2026-06-27 18:53:59
Author: Ajay Motiwala
Article Image

અશ્વિન કહે છે, `વૉશિંગ્ટનને પૂરી બોલિંગ તો કરવા દો...તે મૅચ-ફિનિશર છે જ નહીં'

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (Sundar) એવો બૅટ્સમૅન છે જે સારા ઑફ સ્પિન પણ કરી શકે છે? કે પછી તે સ્પેશિયાલિસ્ટ ઑફ-બ્રેક બોલર છે જે બૅટિંગમાં થોડો ઉપયોગી થઈ શકે છે? થોડા સમયથી આ પ્રશ્ન ઘણા ક્રિકેટપ્રેમીઓને મૂંઝવી રહ્યો છે, પરંતુ ટીમ મૅનેજમેન્ટે આ 26 વર્ષીય ખેલાડીનો જે રીતે ઉપયોગ કર્યો છે એ જોતાં સુંદર વિશેનો મુદ્દો જાહેરમાં આવી ગયો છે. શુક્રવારના આયરલૅન્ડ સામેના તેના ફ્લૉપ-શૉને કારણે તે વધુ ચર્ચાસ્પદ થયો છે.

પીટીઆઇના અહેવાલમાં પૂછવામાં આવ્યું છે કે ટીમમાં વૉશિંગ્ટન સુંદરનો શું રોલ છે એ વિશે હેડ-કોચ ગૌતમ ગંભીર અને તેના કોચિંગ સ્ટાફ પાસે કોઈ સ્પષ્ટતા છે? કરીઅરની 61 ટી-20 ઇન્ટરનૅશનલમાં વૉશિંગ્ટન સુંદર ક્યારેય મૅચ ફિનિશર જેવો નથી લાગ્યો. તેની બોલિંગ પણ ભાગ્યે જ કોઈ મૅચમાં દમદાર રહી છે. સરખામણી કરીએ તો તે રવીન્દ્ર જાડેજાની નજીક પણ ન આવી શકે.

શુક્રવારે આયરલૅન્ડ સામે તેને એકમાત્ર ઓવર મળી હતી જેમાં 19 રન બન્યા હતા. પછીથી તે 18 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 12 બૉલમાં માત્ર નવ રન બનાવી શક્યો હતો જેમાં  છગ્ગો કે ચોગ્ગો નહોતો. ભારત આ મૅચ 34 રનથી હારી ગયું હતું. આયરલૅન્ડ સામે ભારત પહેલી જ વખત હાર્યું. આ જીત આયરલૅન્ડની ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાશે.

વૉશિંગ્ટન સુંદર 18મા બર્થ-ડેને દિવસે પ્રથમ મૅચ રમ્યો હતો અને લગભગ 10 વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલો છે. જોકે તે મૅચ ફિનિશર તો કહેવાય જ નહીં, કારણકે 61 ટી-20માંથી તેને માત્ર 26 ઇનિંગ્સમાં બૅટિંગ કરવા મળી છે અને તેનો સ્ટ્રાઇક-રેટ (જે ટી-20માં સામાન્ય રીતે 200.00 જેટલો હોવો જોઈએ) ફક્ત 130.00થી પણ ઓછો છે. તેણે ભારત વતી 57 ટી-20 ઇનિંગ્સમાં 51 વિકેટ લીધી છે અને 7.05 તેનો ઇકોનોમી-રેટ છે. મોટા ભાગની મૅચોમાં (પચીસ ઇનિંગ્સમાં) તેને ચાર ઓવરનો ફુલ ક્વૉટા પૂરો નથી કરવા મળ્યો.

શુક્રવારે આયરલૅન્ડ સામે તેને છેક 16મી ઓવરમાં મોરચા પર લાવવામાં આવ્યો હતો અને તેની એ પહેલી જ ઓવરમાં 19 રન બન્યા હતા. તેને માત્ર એ એક ઓવર મળી હતી. છેલ્લી 10 મૅચમાં તેને જેટલી ઓવર બોલિંગ કરવા મળી છે એનું લિસ્ટ આ મુજબ છેઃ 1, 2, 4, 4, 1.2, 1, 1, 1, 1, 2. સુંદરને પાંચ મૅચમાં ફક્ત એક ઓવર બોલિંગ મળી હતી.

અશ્વિન શું કહે છે સુંદર વિશે?

સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિન (Ashwin) યુટ્યૂબ ચૅનલ પર `ઍશ કી બાત' નામના શૉમાં કહે છે, `વૉશિંગ્ટનને ટીમ મૅનેજમેન્ટનું મજબૂત પીઠબળ છે. લાઇન-અપમાં તેનો આપોઆપ સમાવેશ થતો જોવા મળ્યો છે. તેઓ ભલે તેને રમાડે છે, પણ મારી દૃષ્ટિએ વૉશિંગ્ટન માટે કોઈ ખાસ રોલ છે જ નહીં. ઘણી વાર તે આખી મૅચ રમ્યો હોય, પણ તેને એક જ ઓવર અપાઈ હોય છે.

ક્યારેક તો તેને એક ઓવર પણ ન અપાઈ હોય એવું પણ બન્યું છે. ટી-20 વર્લ્ડ કપ યાદ છે? એમાં એક વાર અક્ષર પટેલને ડ્રૉપ કરીને વૉશિંગ્ટનને રમાડવામાં આવ્યો હતો. વૉશિંગ્ટનને પાવરપ્લેની (છ) ઓવર્સ પછી બોલિંગનો મોકો આપવો જોઈએ અને તેને પૂરી ચાર ઓવર કરવા દેવી જોઈએ. એવું ન કરો તો તેની અગત્યતા શું છે એ કેવી રીતે ખબર પડશે? બૅટિંગમાં વૉશિંગ્ટનને મૅચ-ફિનિશર તરીકે રમાડવામાં આવે છે, પણ હકીકતમાં તે ફિનિશર છે જ નહીં. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ જેમ અક્ષર પટેલને ક્યારેક રમાડતા હતા એવું વૉશિંગ્ટનની બાબતમાં હોવું જોઈએ.