Fri Jun 19 2026

Logo

વીવીએસ લક્ષ્મણની 281 રનની શાનદાર ઇનિંગ્સ યાદ છેને? એની સિલ્વર જ્યુબિલી ચાલી રહી છે! એની સિલ્વર જ્યુબિલી ચાલી રહી છે!

2026-03-12 18:23:56
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા


ક્રિકેટ જગતને ભારતે 1932થી માંડીને 2026 સુધીમાં અનેક લેજન્ડ આપ્યા છે અને તેઓ અસંખ્ય યાદગાર ઇનિંગ્સ રમ્યા છે, પરંતુ ભારતીય ક્રિકેટની ચર્ચા થતી હોય ત્યારે કપિલ દેવની 1983 વર્લ્ડ કપના 175 રનની ઇનિંગ્સની સાથે વીવીએસ લક્ષ્મણની ઑસ્ટ્રેલિયા સામેની 281 રનની ઇનિંગ્સનો ઉલ્લેખ અચૂક થાય છે.

સુનીલ ગાવસકર, ગુંડપ્પા વિશ્વનાથ, દિલીપ વેન્ગસરકર, સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દર સેહવાગ, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન, યુવરાજ સિંહ, વિરાટ કોહલી, એમએસ ધોની વગેરે દિગ્ગજ બૅટ્સમેનો તેમ જ બિશનસિંહ બેદી, એરાપલ્લી પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર, શ્રીનિવાસ વેન્કટરાઘવન, અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ વગેરે ટોચના બોલર્સની એક એકથી ચડિયાતી કહી શકાય એવી ઇનિંગ્સની વારંવાર ચર્ચા થતી હોય છે.

જોકે આજે આપણે વીવીએસ લક્ષ્મણની 2001ના વર્ષની 281 રનની ઇનિંગ્સની જ વાત કરવાની છે. એનું એક ખાસ કારણ છે. લક્ષ્મણના એ ઐતિહાસિક દાવને પચીસ વર્ષ પૂરા થયા છે અને એની રજત જયંતી ચાલે છે.

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વાર સાંભળી ગયા છીએ...`બીસ સાલ પહેલે કી યે બાત હૈ.' અહીં આપણે લક્ષ્મણ માટે એમાં થોડો ફેરફાર કરીને કહેવું પડશે કે `પચીસ સાલ પહેલે કી યે બાત હૈ.'

2001ની 11-15 માર્ચ દરમ્યાન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સિરીઝની બીજી ટેસ્ટ મૅચ રમાઈ હતી. પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાએ કૅપ્ટન સ્ટીવ વૉના 110 રન અને મૅથ્યૂ હેડનના 97 રનની મદદથી 445 રન ખડકી દીધા હતા. હરભજન સિંહે સાત વિકેટ લીધી હતી, પણ ભારતીય ટીમ ગ્લેન મૅકગ્રાની ચાર વિકેટ તેમ જ શેન વૉર્ન સહિત બીજા ત્રણ બોલર્સના તરખાટને લીધે માત્ર 171 રનમાં ઑલઆઉટ થઈ જતાં મોટા ભાગના લોકો માનતા હતા કે સૌરવ ગાંગુલીની ટીમ એક દાવથી હારી જ ગઈ સમજો. ભારતે ફૉલો-ઑન પણ થવું પડ્યું હતું અને સદગોપન રમેશ તથા શિવ સુંદર દાસે શરૂઆત પણ સારી નહોતી કરી એટલે ભારત પર પરાજય તોળાતો હતો.

જોકે ત્યારે કોણે ધાર્યું હશે કે વનડાઉનમાં મોકલવામાં આવેલો લક્ષ્મણ એવી ઇનિંગ્સ રમશે કે જેનો ઉલ્લેખ ક્રિકેટની દુનિયાની શ્રેષ્ઠ ઇનિંગ્સોમાં ગણાવા લાગશે. બાવન રનના કુલ સ્કોર પર ઓપનર રમેશ આઉટ થતાં લક્ષ્મણ ક્રીઝમાં આવ્યો હતો. તેણે 631 મિનિટની મૅરથન ઇનિંગ્સમાં 452 બૉલનો સામનો કર્યો હતો જેમાં એકેય છગ્ગો નહોતો, પરંતુ 44 ચોગ્ગા હતા.

તેણે ઑસ્ટ્રેલિયન બોલર્સને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડર્સને દોડાવીને થકવી નાખ્યા હતા. સચિન 10 રન અને ગાંગુલી 48 રન કરીને આઉટ થઈ ગયો હતો, પણ 17મી ઓવરમાં રમવા આવેલો લક્ષ્મણ છેક 171મી ઓવરમાં આઉટ થયો હતો. રાહુલ દ્રવિડે 180 રન બનાવ્યા હતા અને લક્ષ્મણે તેની સાથે પાંચમી વિકેટ માટે 376 રનની વિક્રમજનક ભાગીદારી કરી હતી.

લક્ષ્મણ-દ્રવિડની જોડીએ ભારતને 274 રનની સરસાઈ ઉતારી આપી હતી. ભારતીય ટીમે વટથી બીજો દાવ સાત વિકેટે 657ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને કાંગારુઓને 384 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.

સ્ટીવ વૉની ટીમે તો શું, ઑસ્ટ્રેલિયન ટીમના કરોડો ચાહકોએ તો શું સમગ્ર ક્રિકેટ જગતમાં કોઈએ નહીં ધાર્યું હોય કે લક્ષ્મણ અને દ્રવિડ ભારત માટે બાજી સાવ પલટાવી નાખશે અને ઑસ્ટ્રેલિયાને પરાજયની દિશામાં ધકેલી દેશે. આવો મોકો મળે તો હરભજન સિંહ કંઈ છોડે? તેણે બીજા દાવમાં પણ કાંગારુઓની ખબર લઈ નાખી અને છ વિકેટ લીધી.

આખી મૅચમાં તેના નામે કુલ 13 વિકેટ લખાઈ હતી. અધૂરામાં પૂરું, સચિન તેન્ડુલકરે ત્રણ વિકેટ લીધી હતી અને એક વિકેટ સ્પિનર વેન્કટપથી રાજુને મળી હતી. ઑસ્ટ્રેલિયા બીજા દાવમાં પાયમાલ થઈ ગયું હતું. માર્ક વૉ, રિકી પૉન્ટિંગ, ઍડમ ગિલ્ક્રિસ્ટ અને શેન વૉર્ન જેવા દિગ્ગજો ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા. પાંચમા દિવસે આખી ટીમનો દાવ 212 રનના ટોટલ પર સમેટાઈ ગયો હતો અને ભારતે 171 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો હતો.

તમે વિચાર કરો કે ભારતની જે ટીમ પ્રથમ દાવમાં 171 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી એણે છેવટે 171 રનથી વિજય મેળવ્યો. કેવો યોગાનુયોગ હતો એ! ઇતિહાસમાં આ મૅચ સુવર્ણ અક્ષરે લખાઈ છે અને લક્ષ્મણ, દ્રવિડ, હરભજન, સચિનના વખાણ કરીએ એટલા ઓછા છે. ત્યારે ઑસ્ટ્રેલિયાનું ક્રિકેટ જગત પર સંપૂર્ણ પ્રભુત્ત્વ હતું અને ત્યારે ભારતીયોએ (ખાસ કરીને લક્ષ્મણે) તેમનું એ ઘમંડ ઉતારી દીધું હતું.