Sun Apr 12 2026

Logo

ઈરાનમાં અલી ખામેનેઈના નિધન બાદ પુત્રએ સંભાળી સત્તાઃ રશિયા અને અમેરિકા વચ્ચે ઈરાન મુદ્દે વધ્યું ઘર્ષણ...

tehran   2026-03-09 17:39:33
Author: Tejas Soni
Article Image

Reuters


તહેરાન/મોસ્કોઃ મધ્ય પૂર્વના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના નિધન બાદ, હવે તેમના પુત્ર મોઝતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવી નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વના મોટા ભાગના દેશો જ્યારે મૌન સેવી રહ્યા છે, ત્યારે રશિયાએ ઈરાન સાથેની પોતાની મિત્રતા વધુ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુનિયાના એ ગણ્યા-ગાંઠ્યા નેતાઓમાં સામેલ છે જેમણે સૌથી પહેલા મોઝતબા ખામેનેઈને અભિનંદન પાઠવ્યા છે. ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મોઝતબા તેમના પિતાના વારસાને સન્માન સાથે આગળ ધપાવશે. પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રશિયા આ મુશ્કેલ સમયમાં ઈરાનની જનતા અને તેમના નવા નેતૃત્વની પડખે અડીખમ ઊભું રહેશે. પુતિનનું આ પગલું અમેરિકાના દબાણ સામે રશિયાના સ્પષ્ટ વલણને દર્શાવે છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિમણૂક પર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે વોશિંગ્ટનની મંજૂરી વગર ઈરાનના નવા નેતા લાંબો સમય ટકી શકશે નહીં. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે જો તેમની શરતો માનવામાં નહીં આવે, તો આગામી હુમલાઓમાં નવા નેતાનું ભાગ્ય પણ તેમના પિતા જેવું જ હશે. અમેરિકા ઈરાન પર દબાણ બનાવી રાખવા માંગે છે કે ત્યાંનું નેતૃત્વ તેમની મરજી મુજબ ચાલે.

અમેરિકી ધમકીઓ છતાં પુતિને મોઝતબાને પત્ર લખીને 'એક્સેલન્સી' તરીકે સંબોધ્યા છે અને તેહરાન માટે પૂરતા સમર્થનની ખાતરી આપી છે. રશિયાએ પુષ્ટિ કરી છે કે તેઓ ઈરાની મિત્રો સાથે એકતા જાળવી રાખશે. પુતિનના આ સમર્થનથી ઈરાનના નવા નેતૃત્વને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત ટેકો મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પના આકરા વલણ અને રશિયાના ખુલ્લા સમર્થન વચ્ચે આગામી દિવસોમાં મધ્ય પૂર્વના સમીકરણો કેવું રૂપ ધારણ કરે છે.