Fri Sep 04 2026

Logo

હાર્દિક પંડ્યાના ભત્રીજાને તેડીને ઝૂમ્યો કોહલી, અનુષ્કા રહી ગઈ જોતી

2026-06-01 10:38:00
Author: Mayur Patel
હાર્દિક પંડ્યાના ભત્રીજાને તેડીને ઝૂમ્યો કોહલી, અનુષ્કા રહી ગઈ જોતી

અમદાવાદઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુએ રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સને તેના ઘર આંગણે 5 વિકેટથી હાર આપીને સતત બીજી વખત આઈપીએલ ખિતાબ જીત્યો હતો. આરસીબીની ઐતિહાસિક જીતનો જશ્ન વિરાટ કોહલીએ હંમેશાની જેમ તેની લેડી લવ અનુષ્કા શર્મા સાથે મનાવ્યો હતો. વિરાટ-અનુષ્કાની કેમિસ્ટ્રીએ ફેંસનું દિલ જીતી લીધું હતું.

આરસીબીની સતત બીજી જીતથી અનુષ્કા શર્મા પણ ખુશ થઈ હતી. આરસીબીની વિનિંગ મોમેંટ પર અનુષ્કા ખુશીથી નાચતી જોવા મળી હતી. વિરાટનો અનુષ્કા સાથે જીતના જશ્નનો સહિત કૃણાલ પંડ્યાના પુત્ર સાથે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે. કૃણાલના દીકરા અને હાર્દિકના ભત્રીજાને તેડીને તે લાડ લડાવતો નજરે પડ્યો હતો. આ દરમિયાન અનુષ્કા શર્મા પણ ત્યાં હાજર હતી. કૃણાલ પંડ્યાના દિકરા સાથે વિરાટને રમતો જોઈ અનુષ્કા પણ ખડખડાટ હસી પડી હતી. 

 

વિરાટને કૃણાલ પંડ્યાના પુત્ર સાથે રમતો જોઈને ફેન્સને તેના પોતાના બાળકો વામિકા અને અકાયની યાદ આવી રહી છે. ફેન્સ આ કપલના બાળકોની એક ઝલક જોવા માટે આતુર હોય છે. વિરાટ અને અનુષ્કા પોતાના પુત્ર અને પુત્રીને લાઈમલાઈટથી દૂર જ રાખે છે.

વિરાટ કોહલીનો કેવો હતો દેખાવ

ફાઈનલ મેચમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ શાનદાર દેખાવ કર્યો હતો. તે 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 75 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. તેના આ પ્રદર્શન બદલ પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.