Mon Aug 17 2026

Logo

રેલવેની નવી ક્રાંતિ: વિરાર-દહાણુ 4-ટ્રેકિંગ પ્રોજેક્ટમાં પહેલીવાર રૉ-રૉ ટ્રોલી સિસ્ટમનો ઉપયોગ, શું થયો ફાયદો?

2026-08-13 20:23:07
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: વિરાર-દહાણુ રોડ વચ્ચે રેલવેની ચાર લેનના નિર્માણ કાર્યને આગળ વધારવા માટે ભારતીય રેલવેએ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં નવી ટેક્નિકનો ઉપયોગ શરૂ કર્યો છે. જ્યાં યોગ્ય રસ્તો ઉપલબ્ધ નથી અને દલદલી જમીન તથા નદી વિસ્તારને કારણે સામાન્ય વાહનો દ્વારા બાંધકામ સામગ્રી પહોંચાડવી મુશ્કેલ છે, ત્યાં પહેલીવાર રૉ-રૉ  (રોલ -ઓન રોલ -ઓફ) ટ્રોલી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેના માધ્યમથી એક વખતમાં આશરે 50 ટન સુધીની બાંધકામ સામગ્રી પુલ નિર્માણ સ્થળ સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ સિસ્ટમના કારણે દલદલી જમીન પર અલગથી એપ્રોચ રોડ બનાવવાની જરૂરિયાત ટળી છે. સાથે જ નદીના કિનારા સુધી પહોંચવા માટે રસ્તો બનાવવાની જરૂરિયાત પણ રહી નથી.

રૉ-રૉ ટ્રોલી સિસ્ટમનો ઉપયોગ બ્રિજ નંબર 92ની ઉત્તર બાજુ આવેલા વઢીવ આઇલેન્ડ વિસ્તાર અને બ્રિજ નંબર 93ના દક્ષિણ ભાગમાં કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં જમીન દલદલી હોવાથી સામાન્ય રસ્તો બનાવીને ભારે બાંધકામ સામગ્રી પહોંચાડવી મુશ્કેલ હતી. નદીના કિનારા સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કરવો પર્યાવરણ અને સલામતીની દૃષ્ટિએ પણ પડકારજનક હતો.

રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપયોગમાં લેવાતી રૉ-રૉ ટ્રોલીની થિયોરેટિકલ ક્ષમતા 70 મેટ્રિક ટન છે, જ્યારે તેની કાર્યક્ષમ ક્ષમતા આશરે 50 મેટ્રિક ટન છે. ટ્રોલીની લંબાઈ આશરે 8 મીટર અને પહોળાઈ 3 મીટર છે. 
આ ટ્રોલીની મદદથી જરૂરી કૉન્ક્રિટ, માટી અને અન્ય બાંધકામ સામગ્રી હાલના ડી  પુલ પરથી સીધી નિર્માણ સ્થળ સુધી પહોંચાડવામાં આવી રહી છે. આથી મુશ્કેલ વિસ્તારમાં પણ બાંધકામ સામગ્રીની સપ્લાય સતત જાળવી શકાય છે.

આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે દલદલી જમીન પર ભારે વાહનોની અવરજવર માટે અલગથી એપ્રોચ રોડ બનાવવાની જરૂર પડી નથી. સામાન્ય રીતે આવા વિસ્તારોમાં બાંધકામ સામગ્રી પહોંચાડવા માટે રસ્તો તૈયાર કરવો પડે છે, પરંતુ રેલવે આધારિત રૉ-રૉ સિસ્ટમના કારણે આ પ્રક્રિયા વિના પણ સામગ્રી પહોંચાડવામાં મદદ મળી છે અને આસપાસના પર્યાવરણ પર થતી સંભવિત અસર ઘટાડવામાં મદદ મળી છે. સાથે જ નદી વિસ્તારમાં કામ દરમિયાન સલામતી જાળવવામાં પણ આ વ્યવસ્થા ઉપયોગી બની રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલ આધારિત આ લોજિસ્ટિક્સ વ્યવસ્થાના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ બાંધકામ સામગ્રીની સપ્લાય સતત ચાલુ રાખી શકાય છે. રસ્તાની અછત અથવા દલદલવાળી જમીનને કારણે કામ અટકી ન જાય તે માટે આ પદ્ધતિ મહત્વપૂર્ણ બની છે.


વિરાર-દહાણુ રોડ ચાર લેનનું કામ પૂર્ણ કરવા પુલના નિર્માણ માટે ભારે સામગ્રી સમયસર સ્થળ સુધી પહોંચાડવી જરૂરી છે. રૉ-રૉ સિસ્ટમથી આ પ્રક્રિયા વધુ સરળ અને વ્યવસ્થિત બની છે.આ વ્યવસ્થામાં સામગ્રીને ટ્રોલી પર લોડ કરવામાં આવે છે અને ત્યારબાદ રેલ માર્ગનો ઉપયોગ કરીને તેને જરૂરી સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે.
 
ભારતીય રેલવે દ્વારા મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં આ પ્રકારની લોજિસ્ટિક્સ વ્યવસ્થાનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં નવી ટેક્નોલોજીના ઉપયોગનું ઉદાહરણ બની રહ્યો છે. વિરાર-દહાણુ રોડ આ પહેલથી બાંધકામ સામગ્રીની સપ્લાય જળવાઈ રહેવાની સાથે પર્યાવરણ અને સલામતી સંબંધિત પડકારોને ઘટાડવામાં પણ મદદ મળી રહી હોવાની માહિતી રેલવેના અધિકારીઓએ આપી હતી.