મોબાઈલ પર મોટા અવાજે ગીત વગાડવાને મુદ્દે મળસકે થયો ઝઘડો: મારપીટ પછી ચાકુના ઘા ઝીંક્યા: માતા-પુત્ર ગંભીર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિક્રોલીમાં છેલ્લા એક વર્ષથી ચાલતો પારિવારિક ખટરાગ ગુરુવારના મળસકે લોહિયાળ બન્યો હતો. મોબાઈલ ફોન પર મોટા અવાજે ગીત વગાડવાને મુદ્દે થયેલા ઝઘડા પછી પરિવારજનો બાખડી પડ્યા હતા. ભાઈઓએ જ મારપીટ પછી છરીના ઘા ઝીંકી ભાઈ અને ભત્રીજાની હત્યા કરી હતી, જ્યારે આ હુમલામાં ભાભી અને બીજો ભત્રીજો ગંભીર રીતે ઘવાયાં હતાં.
ઈસ્ટ ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર અભયસિંહ દેશમુખના જણાવ્યા મુજબ ઘટના વિક્રોલી પશ્ર્ચિમના રાહુલ નગરમાં ગુરુવારના મળસકે બની હતી. હુમલામાં મૃત્યુ પામેલાઓની ઓળખ સુનીલ વિશ્વકર્મા (40) અને તેના પુત્ર શ્લોક વિશ્વકર્મા (14) તરીકે થઈ હતી. આ પ્રકરણે પાર્કસાઈટ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર સુનીલના બન્ને ભાઈ સુરેન્દ્ર વિશ્વકર્મા અને સૂરજ વિશ્વકર્માને પોલીસે તરત જ તાબામાં લીધા હતા. આરોપી અને મૃતક સુનીલ વિક્રોલીમાં એક જ ઘરમાં પરિવાર સાથે રહેતા હતા અને છેલ્લા એક વર્ષથી ત્રણેયના પરિવારજનો વચ્ચે નાની નાની વાતને લઈ ઝઘડા થતા હતા. અમુક સમયે મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બુધવારની રાતે સુનીલ તેના મોબાઈલ ફોન પર મોટા અવાજે મ્યુઝિક સાંભળતો હતો. આ બાબતે એક ભાઈએ વાંધો ઉઠાવ્યો હતો.
કહેવાય છે કે અગાઉથી ત્રણેય પરિવાર વચ્ચે ખટરાગ હતો તેમાં મોબાઈલ પર મોટા અવાજે ગીત વગાડવાને મુદ્દે મળસકે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી પછી પરિવારજનો મારામારી પર ઊતરી આવ્યા હતા.
રોષે ભરાયેલા આરોપીઓએ ચાકુથી હુમલો કરતાં સુનીલનો પરિવાર ગંભીર રીતે ઘવાયો હતો. રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયેલા સુનીલ અને શ્લોકને મૃત જાહેર કરાયા હતા, જ્યારે સુનીલની પત્ની અંજુ અને નાના પુત્ર વિવાનને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
દરમિયાન બનાવની જાણ થતાં પાર્કસાઈટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતીને આધારે સુરેન્દ્ર અને સૂરજને તાબામાં લેવાયા હતા. હુમલામાં વપરાયેલી છરીઓ પણ પોલીસે હસ્તગત કરી હતી. મૃતક સુનીલ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવી આપવામાં મદદરૂપ થતો હતો, જ્યારે બન્ને આરોપી નોકરી કરતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડીસીપી દેશમુખે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક તપાસની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. મોબાઈલ પર મ્યુઝિક વગાડવાને મુદ્દે આ ઘટના બની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયું હતું. જોકે આ મામલે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.