Sun Jul 05 2026

Logo

વૈભવે એક રનથી ખાતું ખોલ્યું...જોફ્રાના પહેલા જ બૉલમાં ફટકાર્યો છગ્ગો, પણ 14 રન બનાવીને આઉટ!

Manchester   2026-07-04 19:48:09
Author: Ajay Motiwala
Article Image

BCCI


મૅન્ચેસ્ટરઃ વૈભવ સૂર્યવંશીએ અહીં ઇંગ્લૅન્ડ સામે ટી-20 સિરીઝની બીજી મૅચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી અને બધાની નવાઈ વચ્ચે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાના ત્રીજી બૉલમાં એક રન દોડીને ખાતું ખોલાવ્યું હતું. આઇપીએલમાં સામાન્ય રીતે સિક્સરથી પોતાની સ્કોર-બુકનો આરંભ કરનાર વૈભવે બ્રિટિશરો સામેની આ મૅચમાં જૉશ ટન્ગની અસરદાર બોલિંગને કારણે છગ્ગા કે ચોગ્ગાને બદલે સિંગલથી ખાતું ખોલવાનું પસંદ કર્યું હતું.

જોકે 15 વર્ષીય વૈભવ (Vaibhav) સામે બીજો પેસ બોલર 31 વર્ષીય જોફ્રા આર્ચર આવ્યો કે વૈભવે તેના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવનો આ પ્રથમ છગ્ગો હતો. તેણે તાજેતરની જ આઇપીએલમાં સૌથી વધુ 72 છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવ ઉપરાંત સાથી લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્માએ બ્રિટિશ બોલર્સની ખબર લઈ નાખી હતી. પાંચમી ઓવરમાં બન્નેએ મળીને 50 રન બનાવ્યા હતા જેમાં અભિષેકના 30 અને વૈભવના 14 રન હતા. જોકે વૈભવ પોતાના 14 રનના સ્કોર પર જ (કુલ 50મા રને) વિકેટ ગુમાવી બેઠો હતો. ઑફ-સ્પિનર વિલ જૅક્સના બૉલમાં સ્ક્વેર તરફ સ્લૅશ કરવાના પ્રયાસમાં સમતોલપણું ગુમાવી બેઠો હતો, નીચે બેસી પડ્યો હતો અને તે ક્રીઝમાં પાછો આવે એ પહેલાં વિકેટકીપર જૉસ બટલર (Buttler)એ તેને સ્ટમ્પ-આઉટ કરવામાં કોઈ ભૂલ નહોતી કરી.

વૈભવે 10 બૉલમાં બે છગ્ગાની મદદથી 14 રન કર્યા હતા. તેણે અભિષેક સાથે 50 રનની ભાગીદારી કરી હતી, પણ તેનું ડેબ્યૂ યાદગાર નહોતું રહ્યું.