જયપુરઃ 15 વર્ષનો બિહારી વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી ફટકાબાજી કરીને મેદાન પરથી તો પોતાની ટીમ (રાજસ્થાન રૉયલ્સ) અને એના કોચિંગ સ્ટાફના મન પરથી બોજ હળવો કરતો જ હોય છે, તેણે તાજેતરમાં બૅટિંગ માટે મેદાન પર જતાં પહેલાં હેડ-કોચ કુમાર સંગકારા (Sangakkara)ની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મંગળવાર, 19મી મેએ જયપુરમાં રાજસ્થાન અને લખનઊ વચ્ચે મૅચ રમાઈ હતી. લખનઊની ટીમ ઘણા દિવસ પહેલાં જ પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકી છે, પરંતુ રાજસ્થાન માટે આ મૅચ જીતવી અત્યંત જરૂરી હતી અને વૈભવે ટીમને એ મૅચ જિતાડી આપી હતી. લખનઊએ પાંચ વિકેટે 220 રન કર્યા એના જવાબમાં રાજસ્થાને 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 225 રન બનાવ્યા હતા જેમાં વૈભવ સૂર્યવંશી (93 રન, 38 બૉલ, દસ સિક્સર, સાત ફોર)નો સૌથી મોટો ફાળો હતો. તેણે યશસ્વી જયસ્વાલ (43 રન) સાથે 75 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને ધ્રુવ જુરેલ (53 અણનમ) સાથે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.
તાજેતરમાં ભારતને અન્ડર-19 વર્લ્ડ કપનું ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને હવે આઇપીએલમાં ભલભલા બોલરની બોલિંગમાં આસાનીથી ફટકાબાજી કરનાર વૈભવ સૂર્યવંશીએ મંગળવારે (રાજસ્થાનને જીતવા 221 રનનો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ) ઓપનિંગમાં રમવા માટે મેદાન પર જતા પહેલાં ચિંતિત સંગકારાને કહ્યું, `હો જાયેગા...ટેન્શન નહીં લેને કા.'

વૈભવ (Vaibhav)એ રાજસ્થાનને વિજય અપાવ્યા બાદ ટીમના મૅનેજર રૉમી ભિંડરને 48 વર્ષીય સંગકારા વિશેની ચર્ચામાં કહ્યું, `વો ઍક્ચ્યૂલી દો-તીન મૅચ સે હમારા (ટાઇમ) અચ્છા નહીં જા રહા થા. હમ હાર રહે થે મૅચીઝ. ઉનકો મૈં દેખ રહા થા, કાફી પ્રેશર મેં રહેતે થે. આજ ભી જબ મૈં 220 કા સ્કોર કે લિયે પૅડ અપ કર રહા થા તબ ઉનકે ફેસ પર કાફી ટેન્શન ઔર સ્ટ્રેસ થા. પર મુઝે આજ કૉન્ફિડન્સ થા કિ આજ મૈં વાપસ અપને ગેમ કો બૅક કરુંગા ઔર અચ્છા કરુંગા. તો મૈં ઉનકો બોલા કિ `હો જાયેગા'. ઝ્યાદા બડા સ્કોર નહીં હૈ ઇસ વિકેટ કે ઍકોર્ડિંગ. ટેન્શન નહીં લેને કા.'
Vaibhav revealed he noticed Kumar Sangakkara under a lot of pressure after the last few games, and even more stressed when LSG posted 220.
— Cricketopia (@CricketopiaCom) May 21, 2026
That’s when he told Sanga not to worry, because he would chase it down. pic.twitter.com/FdHbndKDoV
વૈભવે આ વખતની આઇપીએલમાં કુલ 53 સિક્સર ફટકારી છે અને રવિવારે વાનખેડેમાં મુંબઈ સામેની મૅચમાં જો સાત છગ્ગા ફટકારશે તો એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગા મારવાનો ક્રિસ ગેઇલનો વિક્રમ તોડી નાખશે. વૈભવ એક આઇપીએલમાં 50 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. એટલું જ નહીં, સૌથી નાની ઉંમરે એક ટી-20 ટૂર્નામેન્ટમાં 500 રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે.