જયપુર: 15 વર્ષનો બિહારી છોકરો વૈભવ સૂર્યવંશી ફરી એક વખત ‘ટોક ઑફ ધ ટાઉન' છે અને મંગળવારે તો તેણે અહીં ધમાકેદાર બૅટિંગ કરીને એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કરી લીધો, જ્યારે હવે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલનો એક મોટો રેકૉર્ડ તે પોતાના નામ પણ કરી શકે છે.
મંગળવારે વૈભવે (Vaibhav) છગ્ગા-ચોગ્ગાની રમઝટ બોલાવી હતી. તે 93 રનના પોતાના સ્કોર પર મોહસિન ખાનના બૉલમાં કૅચઆઉટ થયો હતો, પરંતુ એ પહેલાં તેણે જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે જે 93 રન બનાવ્યા હતા એમાંથી 88 રન દસ છગ્ગા અને સાત ચોગ્ગામાં બન્યા હતા અને 14મી ઓવરમાં આઉટ થતાં પહેલાં તેણે રાજસ્થાનને જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો.
ટી-20 વિશ્વમાં નવો કીર્તિમાન
વૈભવ સમગ્ર ટી-20 ક્રિકેટની એક ટૂર્નામેન્ટમાં સૌથી નાની ઉંમરે કુલ 500 રન બનાવનાર ખેલાડી બન્યો છે.
વૈભવ 579 રન સાથે મોખરે
મંગળવારની 93 રનની ઈનિંગ્સ પહેલાં વૈભવના આઈપીએલમાં 500થી ઓછા રન હતા, પણ 93 રન કર્યા પછી હવે તે કુલ 579 રન સાથે તમામ ખેલાડીઓમાં મોખરે છે અને ઑરેન્જ કેપ તેની પાસે છે. ટી-20 ક્રિકેટની એક ટૂર્નામેન્ટમાં 20 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરે 500 બનાવનારા ખેલાડીઓમાં તેણે દેવદત્ત પડિક્કલનો વિશ્વવિક્રમ તોડ્યો છે.
વૈભવે પડિક્કલનો રેકૉર્ડ તોડી નાખ્યો
2019માં પડિક્કલે ટી-20 ફોર્મેટની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 580 રન કર્યા હતા ત્યારે પડિક્કલ 19 વર્ષનો હતો. ટી-20 ફોર્મેટમાં પડિક્કલનો એ વર્લ્ડ રેકૉર્ડ (World Record) સાત વર્ષથી અકબંધ હતો જે વૈભવે મંગળવારે 15 વર્ષની ઉંમરે તોડ્યો.
What a shot! 🔥#VaibhavSooryavanshi joins the party as #RR turn up the heat in this must-win clash!#TATAIPL Race to Playoffs 2026 👉 #RRvLSG | LIVE NOW ➡️https://t.co/xzGfDZk1n6 pic.twitter.com/9nRVa9FBk3
— Star Sports (@StarSportsIndia) May 19, 2026
ગેઇલનો કયો વિક્રમ વૈભવના રડારમાં?
વૈભવ સૂર્યવંશીએ વર્તમાન આઈપીએલ ટૂર્નામેન્ટમાં કુલ 53 સિકસર ફટકારી છે. આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે.
રાજસ્થાનની અંતિમ મૅચ રવિવારે વાનખેડેમાં
રાજસ્થાનની અંતિમ લીગ મૅચ રવિવારે વાનખેડેમાં મુંબઈ સામે રમાશે અને એમાં જો વૈભવ સાત સિક્સર ફટકારશે તો ગેઈલનો આઇપીએલ-વિક્રમ તેના નામે થઈ જશે.