Sat May 02 2026

Logo

ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ ધડાકો કર્યો, `વૈભવ ભવિષ્યમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં આવી જશે'

2026-04-08 18:16:58
Author: Ajay Motiwala
Article Image

BCCI


ગુવાહાટીઃ બિહારના 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં બૅટિંગની જે રીતે ધમાકેદાર શરૂઆત કરી અને રાજસ્થાન રૉયલ્સને 39 રનનું ઉપયોગી યોગદાન આપ્યું તેમ જ 2025ની આઇપીએલમાં તેણે યંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બનવાની જે સિદ્ધિ મેળવી હતી એ બધું ધ્યાનમાં લઈને ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ભૂતપૂર્વ સિલેક્ટર જતીન પરાંજપે (Jatin Paranjpe)એ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે વૈભવ (Vaibhav) મોડા વહેલો મુંબઈ ઇન્ડિયન્સમાં આવી જશે.

જતીન પરાંજપેએ શું કહ્યું?

પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ સામેની મંગળવારની મૅચ પહેલાં જ પરાંજપેએ `એક્સ' પરના ટ્વીટમાં જણાવ્યું હતું કે `વૈભવ આજે (મંગળવારે) તેની ભાવિ ટીમ વિરુદ્ધ રમવાનો છે.' વૈભવે મુંબઈના મુખ્ય ફાસ્ટ બોલર અને ટેસ્ટના વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહના પહેલા જ બૉલમાં છગ્ગો માર્યો હતો. ચોથા બૉલમાં પણ વૈભવે સિક્સર ફટકારી હતી અને બુમરાહની એ ઓવર (14 રન)ને ખર્ચાળ બનાવી નાખી હતી.

1.10 કરોડમાંથી 30 કરોડ સુધી પહોંચી શકે

વૈભવને રાજસ્થાન રૉયલ્સનું ફ્રૅન્ચાઇઝી એક સીઝન રમવાના 1.10 કરોડ રૂપિયા આપે છે. જો તે ભવિષ્યમાં હરાજી મારફત કે અન્ય ટ્રેડ-ડીલ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં આવી જશે તો તેના નામે બહુ ઊંચો ભાવ જોવા મળી શકે. જોકે રાજસ્થાન તેને જાળવી રાખવા માગતું હશે જ અને બીજી કોઈ ટીમને પણ વૈભવને મેળવવામાં રસ હશે જ. ક્રિકેટજગતમાં એવી પણ ચર્ચા છે કે વૈભવ યંગ ટૅલન્ટ છે અને તે નજીકના ભવિષ્યમાં રિષભ પંત કરતાં પણ વધુ મોંઘો સાબિત થઈ શકે. પંતને લખનઊનું ફ્રૅન્ચાઇઝી એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા આપે છે. વૈભવને પંત કરતાં વધુ એટલે કે 30 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે એમ છે એવી પણ ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.

રાજસ્થાન રૉયલ્સનું ફ્રૅન્ચાઇઝી વૈભવને જાળવી રાખવા માગતું જ હશે, પણ 2027ના મેગા ઑક્શનમાં વૈભવને મુંબઈ કે બીજું કોઈ ફ્રૅન્ચાઇઝી હરીફાઈ વચ્ચે ખૂબ ઊંચા ભાવે મેળવશે તો નવાઈ નહીં લાગે.