Wed Jun 10 2026

Logo

વૈભવ સૂર્યવંશી IPLની એક સીઝનમાં આ પરાક્રમ કરનારો પહેલો ભારતીય બન્યો, હવે ગેલના રેકોર્ડ પર નજર

2026-05-20 11:48:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ IPL 2026માં રાજસ્થાન રૉયલ્સનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તેની બેટિંગથી ધમાલ મચાવી રહ્યો છે. જયપુરમાં તે માત્ર સાત રનથી સદી ચૂક્યો હતો. તેણે 38 બોલમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ગગનચૂંબી છગ્ગા મારવા માટે જાણીતા 15 વર્ષીય સૂર્યવંશીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. તે આઈપીએલની એક સીઝનમાં 50 છગ્ગા મારનારો પ્રથમ ભારતીય બન્યો છે. તે અત્યાર સુધીમાં 13 મેચમાં 53 છગ્ગા મારી ચુક્યો છે અને હવે તેની નજર ક્રિસ ગેલના રેકોર્ડ પર છે.

વૈભવ સૂર્યવંથી આઈપીએલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝનો ઘાતક ઑલરાઉન્ડર રસેલ ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. રેસેલે 2019માં 52 સિક્સ મારી હતી. રસેલ હાલ કોલકાતા નાઈટ રાઈડર્સનો પાવર કોચ છે. 

આઈપીએલ સીઝનમાં સૌથી વધુ સિક્સ મારવામાં ક્રિસ ગેલ મોખરે છે. તેણે 2012માં 59 સિક્સ મારી હતી. આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. સૂર્યવંશીએ ગેલનો રેકોર્ડ તોડવા સાત સિક્સની જરૂર છે અને રાજસ્થાન રોયલ્સની એક લીગ મેચ બાકી છે.

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ

59 - ક્રિસ ગેલ (2012)
53 - વૈભવ સૂર્યવંશી (2026)
52 - આન્દ્રે રસેલ (2019)
51 - ક્રિસ ગેલ (2013)
45 - જોસ બટલર (2022)
44 - ક્રિસ ગેલ (2011)
42 - અભિષેક શર્મા (2024)

મેચમાં શું થયું

લખનઊ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા. માર્શે 96 રનની ઈનિંગ રમી હતી. જૉશ ઇંગ્લિસે 60 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન રૉયલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 225 રન બનાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો. જયસ્વાલે 43 રન, વૈભવ સૂર્યવંશીએ 93 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 53 રન બનાવી અણનમ રહ્યો હતો.