બેંગ્લૂરુઃ આગામી 23મી ઑગસ્ટે ઝોનલ ટીમો વચ્ચેની દુલીપ ટ્રોફી (Duleep Trophy) શરૂ થાય એ પહેલાં આ ટૂર્નામેન્ટના સંબંધમાં લેવામાં આવેલો એક નિર્ણય ગુજરાતના ભૂતપૂર્વ કૅપ્ટન પ્રિયાંક પંચાલ (Priyank Panchal)ના નિવેદનોને લીધે વધુ ચર્ચાસ્પદ થયો છે. 15 વર્ષના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીને આ ટૂર્નામેન્ટ માટેની ઈસ્ટ ઝોન ટીમનો ઉપ-સુકાની બનાવવામાં આવ્યો એ નિર્ણય સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
પ્રિયાંક પંચાલે કહ્યું છે કે સિલેક્ટરોએ વૈભવ (Vaibhav) વિશે નિર્ણય લેવામાં ઉતાવળ કરી છે. પંચાલનું એવું પણ માનવું છે કે `આટલી નાની ઉંમરમાં ટીમના નેતૃત્વની જવાબદારી નાખવાથી આ યુવાન ખેલાડી પર અનાવશ્યક દબાણ આવી શકે. તેને હજી રેડ બૉલના ફૉર્મેટની પૂરતી મૅચો તો રમવા દો.'
ઇશાન કિશન ઈસ્ટ ઝોનનો કૅપ્ટન છે અને વૈભવને તેનો ડેબ્યૂટી બનાવવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે બિહારનો આ ટીનેજ બૅટ્સમૅન હજી માંડ આઠ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે. નવાઈની વાત એ છે કે 113 ફર્સ્ટ-ક્લાસ મૅચનો અનુભવ બૅટ્સમૅન અભિમન્યુ ઈશ્વરન એ જ ટીમમાં છે, પણ ઉપ-સુકાની વૈભવને બનાવવામાં આવ્યો છે.
પંચાલની આ ટિપ્પણી બાદ સોશ્યલ મીડિયામાં વૈભવના મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓનું માનવું છે કે વૈભવને પહેલાં ડોમેસ્ટિક રેડ બૉલ ક્રિકેટ રમવા દઈને પોતાને પૂરતો સાબિત કરવાનો મોકો આપવો જોઈએ.
સિલેક્ટરોએ બચાવમાં શું કહ્યું?
જોકે ઈસ્ટ ઝોન સિલેક્શન કમિટીએ વૈભવને લગતા નિર્ણયનો મજબૂત બચાવ કર્યો છે. આ સમિતિમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતા ભૂતપૂર્વ ક્રિકેટર મનીષ બર્ધનને એક જાણીતી વેબસાઇટને કહ્યું છે કે `આ નિર્ણય માત્ર હાલની ટૂર્નામેન્ટને લક્ષમાં રાખીને નથી લેવામાં આવ્યો. અમે ક્યારેય વર્તમાન વિશે નથી વિચારતા. ઉપ-સુકાનીને સુકાની સાથે નજીકથી કામ કરવાનો તેમ જ ટીમને નજીકથી સમજવાનો મોકો મળે એવું અમારું માનવું છે. અમે ઇચ્છીએ છીએ કે વૈભવ ટીમ સાથે વધુ નજીકથી જોડાયેલો રહે, કારણકે એવું કરવાથી ક્રિકેટમાં તેના વિકાસમાં મદદ મળશે. તે ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે અને સતતપણે પરિપકવ થઈ રહ્યો છે. આ જવાબદારી તેની વિકાસની પ્રક્રિયાનો જ એક ભાગ છે.'
દુલીપ ટ્રોફી 10મી સપ્ટેમ્બર સુધી ચાલશે
બેંગ્લૂરુમાં આગામી 23મી ઑગસ્ટે શરૂ થનારી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ 10મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ઈસ્ટ ઝોનની ચાર-દિવસીય પ્રથમ મૅચ નોર્થ-ઈસ્ટ ઝોન વિરુદ્ધ રમાશે. બીજી તરફ, વેસ્ટ ઝોનનો મુકાબલો નૉર્થ ઝોન સામે થશે. ક્વૉર્ટર ફાઇનલની આ બન્ને મૅચમાં વિજયી થનારી ટીમ 30મી ઑગસ્ટે અનુક્રમે સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન સામે સેમિ ફાઇનલ રમશે. પાંચમી સપ્ટેમ્બરે પાંચ દિવસની ફાઇનલ રમાશે.