Thu Jun 11 2026

Logo

હાઇ અલર્ટ! વૈભવ સૂર્યવંશી ફરી એક વખત બાઉન્સરમાં આઉટઃ ઇન્ડિયા-એ હારી ગયું

Dambulla   2026-06-11 19:59:58
Author: Ajay Motiwala
Article Image

દામ્બુલાઃ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટ જગતનો નંબર-વન સેન્સેશનલ ખેલાડી છે અને તેને વહેલો આઉટ કરવા માટે હરીફ ટીમોના બોલર્સ કોઈ કસર બાકી નથી રાખતા અને એમાં ગુરુવારે દામ્બુલાના ત્રિપાંખિયા જંગમાં અફઘાનિસ્તાનના બાવીસ વર્ષીય પેસ બોલર અબદોલ્લા અહમદઝાઈએ સફળતા મેળવી હતી. વૈભવ પોતાના 44 રનના સ્કોર પર અહમદઝાઈના ઑફ સ્ટમ્પની બહારના બાઉન્સર (Bouncer)માં કૅચ આપી બેઠો હતો. ભારત આ મૅચમાં વરસાદના વિઘ્ન બાદ ડકવર્થ-લુઇસ મેથડ મુજબ ચાર રનથી પરાજિત થયું હતું.

વૈભવ (Vaibhav)એ તાજેતરમાં આઇપીએલમાં પણ બે વખત બાઉન્સરમાં વિકેટ ગુમાવી હતી અને હવે ગુરુવારે અફઘાનિસ્તાન સામે પણ એ રીતે વિકેટ ગુમાવી છે એ જોતાં તેણે બાઉન્સરનો સામનો કરવા વિશેની કચાશ દૂર કરવી પડશે. તેણે અહમદઝાઈના બૉલમાં (પોતાના બાવીસમાં બૉલ પર) આઉટ થતાં પહેલાં 21 બૉલમાં નવ ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. તેની અને સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (84 રન) વચ્ચે 74 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

પ્રિયાંશ આર્ય (આઠ રન) ફરી સસ્તામાં આઉટ થયા બાદ કૅપ્ટન તિલક વર્મા તથા વાઇસ-કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે 66-66 રન બનાવ્યા હતા. ઇન્ડિયા-એનો સ્કોર વરસાદને કારણે 49મી ઓવરમાં 9/349ના સ્કોર પર સમાપ્ત જાહેર કરાયો ત્યાર બાદ અફઘાનિસ્તાન-એ ટીમને જીતવા 25.5 ઓવરમાં 174 રન બનાવવા કહેવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાને કૅપ્ટન ઇમરાન (75 અણનમ) અને બાહિર શાહ (51 અણનમ)ની ઇનિંગ્સની મદદથી 25.5 ઓવરમાં 2/177ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. અર્શદ ખાન અને અનુકૂલ રૉયે એક-એક વિકેટ લીધી હતી. હવે સોમવારે ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે મૅચ રમાશે.