Sun Sep 13 2026

Logo

બિચારા 15 વર્ષના સૂર્યવંશી સામે બૉડીલાઇન બોલિંગ કેમ કરી? આ ઠીક ન કહેવાયઃ ગુજરાતની ટીમને ઇરફાનની ચીમકી

2026-05-31 16:59:00
Author: Ajay Motiwala
બિચારા 15 વર્ષના સૂર્યવંશી સામે બૉડીલાઇન બોલિંગ કેમ કરી? આ ઠીક ન કહેવાયઃ ગુજરાતની ટીમને ઇરફાનની ચીમકી

શુક્રવારે ગુજરાત સામે 96 રન પર આઉટ થયા પછી વૈભવ રડી પડ્યો હતો

અમદાવાદઃ રવિવારની ગુજરાત-બેંગ્લૂરુ વચ્ચેની ફાઇનલ પહેલાં આઇપીએલ-2026ના તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ 776 રન બનાવનાર રાજસ્થાન રૉયલ્સના 15 વર્ષીય ટીનેજ ખેલાડી વૈભવ સૂર્યવંશીએ આ વખતે આઇપીએલના ભલભલા મોટા બૅટ્સમેનોની ખબર લઈ નાખી છે એ જોતાં શુક્રવારે ગુજરાતની ટીમ એલિમિનેટરમાં તેની વિરુદ્ધ ખાસ યોજના સાથે આવવાની જ હતી, પરંતુ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને કૉમેન્ટેટર ઇરફાન પઠાણને ખાસ ચિંતા એ વાતની છે કે ગુજરાતના કેટલાક બોલર્સે સૂર્યવંશી સામે આક્રમક મિજાજમાં બૉડીલાઇન બોલિંગ શા માટે કરી?

દાયકાઓ પહેલાં ટેસ્ટ મૅચોમાં વેસ્ટ ઇન્ડિઝ સહિત કેટલીક ટીમોના ફાસ્ટ બોલર્સ બૉડીલાઇન (Bodyline) બોલિંગનો વિકલ્પ અજમાવતાં હતા. ફાસ્ટ બોલર બૉડીલાઇન બોલિંગમાં બૅટ્સમૅનના સ્ટમ્પ્સને લક્ષ્યાંક બનાવવાને બદલે અને તેને સ્ટમ્પ્સની બહારના બૉલ ફેંકીને કૅચની લાલચ આપવાને બદલે તેના શરીરને ટાર્ગેટ બનાવે છે જેમાં બૅટ્સમૅનને પગથી માથા સુધી ક્યાંય પણ ગંભીર અથવા જીવલેણ ઈજા થઈ શકે.

BCCI

શુક્રવારે ગુજરાત સામે રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીએ 47 બૉલમાં સાત સિક્સર અને આઠ ફોરની મદદથી 96 રન બનાવ્યા હતા અને બિગ શૉટમાં કૅચ આપી બેઠો હતો. રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા (અણનમ 45) અને ડૉનોવાન ફરેરા (અણનમ 38)ને બાદ કરતા બીજા બૅટ્સમેનો સારું નહોતા રમી શક્યા. ગુજરાતે 215 રનનો લક્ષ્યાંક આઠ બૉલ અને સાત વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. વૈભવ (Vaibhav) 96 રન પર વિકેટ ગુમાવી બેઠો ત્યાર બાદ ડગઆઉટમાં જઈને રડી પડ્યો હતો.

રાજસ્થાનની સાત વિકેટે હાર થયા બાદ ઇરફાન પઠાણે `એક્સ' પર લખ્યું, `15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આગળ વધતો રોકવા માટે બૉડીલાઇન બોલિંગનો સહારો લેવામાં આવ્યો એ મને ન ગમ્યું. હું જાણું છું કે તે મોટા મોટા બોલર્સની ખબર લઈ નાખતો હોય છે, પરંતુ હું પણ એક પિતા છું અને બાળકને ટાર્ગેટ બનાવવામાં આવે એ વાત સાથે હું સંમત થાઉં જ નહીં.'

આ વખતની આઇપીએલમાં કુલ 72 છગ્ગા અને 63 ચોગ્ગા ફટકારનાર વૈભવ સૂર્યવંશીને વહેલાસર ભારતીય ટીમમાં સમાવી લેવો જોઈએ, કારણકે તેણે ક્રિકેટજગતના મહારથીઓ સામે પોતાને સફળ બૅટ્સમૅન તરીકે પુરવાર કરી દીધો છે.