Mon Sep 14 2026

Logo

વડોદરામાં બેફામ કારચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા; એકનું સારવાર દરમિયાન મોત

2026-07-16 20:55:00
Author: Devayat Khatana
વડોદરામાં બેફામ કારચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા; એકનું સારવાર દરમિયાન મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા:
વડોદરાના વીઆઈપી રોડ પર એક ગંભીર હિટ-એન્ડ-રન અકસ્માત સર્જાયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ—સુજલ મનોજકુમાર ચૌહાણ, મિહિર શૈલેષભાઈ પટેલ અને ઋતુરાજસિંહ રાત્રિભોજન પતાવીને પરત યુનિવર્સિટી હોસ્ટેલ જઈ રહ્યા હતા, ત્યારે અમિતનગર બ્રિજ અને એલ એન્ડ ટી સર્કલ વચ્ચે એસબીઆઈ બેંક નજીક આ દુર્ઘટના ઘટી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું છે કે એક પૂરપાટ ઝડપે આવતી કારે પાછળથી તેમની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ત્રણેય વિદ્યાર્થીઓ દૂર ફંગોળાયા હતા અને કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ રાહદારીઓની મદદથી ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી અને ત્રણેય ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઋતુરાજસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કેસારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા હતા. જ્યારે મિહિર પટેલને માથા, પાંસળી અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને સુજલ ચૌહાણને ચહેરા તથા શરીરના વિવિધ ભાગોએ ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુજલ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે હિટ-એન્ડ-રનનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી અકસ્માત સર્જનાર અજાણ્યા કારચાલકને ઓળખવા અને તેને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી હતી.