Mon Aug 31 2026

Logo

વડોદરાની બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ ધોરણ 5નો વિદ્યાર્થી નીકળ્યો માસ્ટરમાઇન્ડ...

2026-02-17 22:06:00
Author: Tejas
વડોદરાની બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ ધોરણ 5નો વિદ્યાર્થી નીકળ્યો માસ્ટરમાઇન્ડ...

વડોદરા: શહેરની પ્રતિષ્ઠિત શાળાઓમાં ગણાતી બ્રાઇટ સ્કૂલને મળેલી બોમ્બની ધમકીએ સમગ્ર શહેરના વાલીઓ અને તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો હતો. 16 ફેબ્રુઆરીની સાંજે એક અજ્ઞાત ઈ-મેઈલ દ્વારા મળેલી આ ચેતવણી બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, આ ગંભીર ગુનાની તપાસમાં જે સત્ય બહાર આવ્યું છે તે જાણીને પોલીસ અને શાળા પ્રશાસન બંને સ્તબ્ધ થઈ ગયા છે. આ ભયાનક ગતકડું કોઈ આતંકી સંગઠનનું નહીં, પણ શાળાના જ એક નાનકડા વિદ્યાર્થીનું હતું.

વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી આ શાળાના સંચાલકોને 'સ્વાતિ પટેલ' નામના આઈડી પરથી મેઈલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, "શાળામાં બોમ્બ છે, જે સવારે 8 વાગ્યે ફાટશે, એટલે આવતીકાલે રજા રાખજો." સાયબર ક્રાઈમે જ્યારે આ મેઈલનું ટેકનિકલ એનાલિસિસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે, આ ઈ-મેઈલ ધોરણ 5 માં ભણતા માત્ર 11 વર્ષના બાળકે કર્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, પરીક્ષા રદ કરાવવાના હેતુથી અને શાળામાં રજા પડી જાય તે માટે તેણે આ જોખમી પ્લાન બનાવ્યો હતો.

ધમકીભર્યો મેઈલ મળતા જ શાળામાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ, ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખી રાત શાળાના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. પોલીસને શરૂઆતથી જ આ કોઈની મજાક હોવાની શંકા હતી, જે અંતે સાયબર તપાસમાં સાચી ઠરી હતી.

હાલમાં સાયબર ક્રાઈમ પોલીસે આ 11 વર્ષીય વિદ્યાર્થી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ હાથ ધરી છે. આ કિસ્સો આજના સમયમાં બાળકોના ટેકનોલોજી પ્રત્યેના વધુ પડતા એક્સપોઝર અને તેના દુરુપયોગ સામે લાલબત્તી ધરે છે. પરીક્ષાના ડરને કારણે એક માસૂમ બાળકે આટલું ગંભીર પગલું ભર્યું તે બાબત અત્યારે શિક્ષણવિદો અને મનોવૈજ્ઞાનિકોમાં પણ ચર્ચાનો વિષય બની છે.