Thu Jun 25 2026

Logo

બ્રાન્ડની પણ પોતાની વેલ્યૂઝ હોય છે

2026-04-05 09:09:20
Author: સમીર જોશી
Article Image

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી

ગયા અઠવાડિયે આપણે વેલ્યૂએશનની વાત કરી. આને લાગતો વળગતો એક શબ્દ છે વેલ્યૂ. પણ તેમાં અને વેલ્યૂએશનમાં જમીન - આસમાનનો ફરક છે. વેલ્યૂએશન કરતી વખતે વિવિધ પાસાઓની સાથે તમારી કંપનીના વેલ્યૂઝનો અભ્યાસ પણ કરવામાં આવે છે. આનો અભ્યાસ એટલા માટે જરૂરી છે, કારણ કે જો કોઈ કંપનીને બીજી કંપની ખરીદવી છે તો તે બંનેના વેલ્યૂઝ અર્થાત્ મૂલ્યો સમાન છે કે નહિં તે જાણવું જરૂરી છે.

અંગ્રેજીમાં બે શબ્દો છે, પ્રાઈઝ અને વેલ્યૂ. આમ જોવા જઇયે તો બન્ને એક જ છે તેમ લાગે, પણ જો વધુ ઊંડાણમાં ંજઇયે તો ખબર પડે કે બંનેના અર્થ અલગ છે. કિંમત તમે કોઈ પણ વસ્તુની લગાડી શકો પણ મૂલ્ય કે વેલ્યૂ માટે આ તર્ક ન ચાલે. આનાથી આગળ જ્યારે મૂલ્ય અને વેલ્યૂ ને બહુવચન માં જોવા જઇયે તો તે મૂલ્યો અને વેલ્યૂઝ થઈ જાય, અને આમ થતા તેનો આખો અર્થ બદલાઈ જાય. આપણે ઘણીવાર સાંભળતા હોઈયે છીયે કે અમુક વ્યક્તિના જીવનમાં ભારોભાર મૂલ્યો જોવા મળે. ઉદાહરણ તરીકે ગાંધીજીના જીવનમાં તેમણે આ મૂલ્યો ને ડેમોક્રેટાઇસ કર્યા લોકશાહીનું રૂપ આપ્યું, જેમકે સત્ય, અહિંસા, સાદાઈ, પરોપકાર. આ મૂલ્યો ગાંધીજીને યાદ કરતા આપણી સામે આવી જાય. બસ, આજ રીતે બ્રાન્ડ માટે પણ મૂલ્યો જરૂરી છે. બ્રાન્ડ પણ પોતાના મૂલ્યોના સહારે પોતાની છાપ માર્કેટમાં ઊભી કરે છે. 
વેલ્યૂઝ એટલે મૂલ્યો. સરળતાથી સમજવા માટે આપણે બ્રાન્ડ વેલ્યૂઝ શબ્દનો પ્રયોગ કરીશું. બ્રાન્ડ પોતાની વેલ્યૂઝને મધ્યમાં રાખી તેના આધારે પોતાની આઇડેંટિટી, મેસેજ, કમ્યુનિકેશન, કસ્ટમર રિલેશનશિપને આકાર આપશે. તો પ્રશ્ન થાય કે બ્રાન્ડની વેલ્યૂઝ કઈ હોઈ શકે?

બ્રાન્ડ વેલ્યૂનો મતલબ ફક્ત તે નથી કે બ્રાન્ડ છે તો વધારે કિંમત મળી શકે. લોકો જો તમારી બ્રાન્ડને વારંવાર ખરીદવા પ્રેરાય ત્યારે કહી શકાય કે અમુક બ્રાન્ડની બ્રાન્ડ વેલ્યૂ વધી છે. ક્ધઝ્યુમર કોક કે પેપ્સી નથી ખરીદતો. તેના ટેસ્ટ માટે પણ નથી ખરીદતો. પણ તમારા મગજમાં તે બ્રાન્ડની વેલ્યૂ જે ક્રિયેટ થઈ છે તેને ખરીદે છે. તમે કદાચ કોકની હૅપીનેસ ખરીદશો અથવા પેપ્સીની યૂથફુલનેસ ખરીદશો. તમે તમારા  જીવનમાં કયા મૂલ્યને પ્રાધાન્યતા આપો છો, હૅપીનેસ કે યૂથફુલનેસને તેના પર તમારી પસંદગીનો મદાર છે. અમુક બ્રાન્ડ વેલ્યૂઝ આપણે લગભગ બધીજ બ્રાન્ડસમાં જોઈયે છીયે; જેમ કે, ટ્રસ્ટેડ, કસ્ટમર ફ્રેંડ્લી, ટ્રાન્સ્પરેંટ, યૂથફુલ, પેશન, કેરિંગ વગેરે આનો અર્થ તે નથી કે બધી બ્રાન્ડે આવાજ કાંતો આજ મૂલ્યો વાપરવા જોઈયે. બ્રાન્ડને પોતાની કેટેગરી, પોતાના વિઝન, તમારા માટે 
તમારા જીવનમાં શું મહત્ત્વનું છે.

આવી વાતોના આધારે વેલ્યૂઝને બનાવવાના છે. વેલ્યૂઝ મને મારા પ્રતિસ્પર્ધીથી અલગ પાડશે, તેનો વિચાર પણ કરવો જરૂરી છે. આમ જ્યારે થાય ત્યારે તમારા મૂલ્યો લોકોની નજર સમક્ષ ક્લિયરલી આવે, અને ક્ધઝ્યુમર કહે કે, ટાટા બ્રાન્ડ એટલે ટ્રસ્ટ, એપલ એટલે ઇનોવેશન, પેપ્સી એટલે યૂથફુલ, રિલાયન્સ એટલે ડિસ્રપ્ષન વગેરે.

બ્રાન્ડની વેલ્યૂઝ રાતોરાત નથી બની જતી. તેના માટે ક્લિયર વિઝન જોઈયે. તમારી ટીમ સાથે મળી બ્રેનસ્ટોર્મ કરી તમે વેલ્યૂઝને ડિફાઇન કરી શકો છો. પોતાની જાતને પ્રશ્નો પૂછો : તમે શેના દ્વારા ઓળખાવ છો? તમે શેને વધુ મહત્ત્વ આપો છો? એક કંપની તરીકે તમે શેમાં માનો છો? આવા પ્રશ્નોના જવાબોને ગોતતા જશો તો તમારી બ્રાન્ડ માટે વેલ્યૂ તૈયાર થઈ જશે. બ્રાન્ડ વેલ્યૂઝ માટે જ્યારે વિચારીયે ત્યારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખતા કામ ઘણું આસાન થાય છે : 

સૌથી પહેલા, બ્રાન્ડ વેલ્યૂઝ યાદ રહી જાય તેવા હોવા જોઈયે.

નાના શબ્દોમાં તેને બનાવો. જેમકે, ટ્રસ્ટ, પેશન, હૅપીનેસ, વગેરે. તમારી ટીમ તેને યાદ રાખી શકે તે મહત્ત્વનું છે જેથી તેઓ ક્ધઝ્યુમર સુધી મેસેજ આસાનીથી લઈ જશે. 

બીજુ, વેલ્યૂઝ અર્થસભર હોવી જોઈયે. ફક્ત રૂક્ષ શબ્દો કે સારા લાગતા શબ્દો કામ નહીં લાગે. 

ત્રીજુ, વેલ્યૂઝ તમને કર્મ કરવા પ્રેરે, દોડતા કરે તેવી હોવી જોઈયે. 

ચોથી, બ્રાન્ડ વેલ્યૂઝ યૂનિક હોવી જોઈયે. તે વેલ્યૂઝને લોકો તમારી સાથે સાંકળી લે તેવી હોવી જોઈયે. વેલ્યૂ એવી ક્રિયેટ કરો જે તમારા સિવાય બીજુ કોઈ તેનો દાવો ન કરી શકે. આનાથી તમારી બ્રાન્ડને અલગતા પ્રદાન થશે. 

સૌથી મહત્ત્વનું તમારી વેલ્યૂઝ શાશ્વત હોવી જોઈયે, તમારી બ્રાન્ડ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલા પ્રોબ્લેમ આવે પણ તમારી વેલ્યૂઝ વર્ષોના વર્ષો સુધી તેજ રહેવી જોઈયે. લાંબા ગાળા સુધી ટકેલા મૂલ્યો પોતાના મૂળને મજબૂત કરે છે. 

ફક્ત બ્રાન્ડની કિંમત વધારવાથી કશું નહીં થાય, કદાચ તાત્પૂરતો ફાયદો થશે, પણ જો બ્રાન્ડ વેલ્યૂ વધશે તો ક્ધઝ્યુમર બ્રાન્ડને વારંવાર ખરીદશે, અને આ પ્રોસેસ બ્રાન્ડની વેલ્યૂ અર્થાત્ કિંમત વધારશે. તેનાથી આગળ જેમ આપણે કહીયે છીયે કે અમુક વ્યક્તિ મૂલ્યવાન છે તેજ રીતે બ્રાન્ડની વેલ્યૂએશન પણ વધશે અને બ્રાન્ડ પણ મૂલ્યવાન થશે માટે નવા નાણાકીય વર્ષમાં મૂલ્ય આધારિત અર્થાત્ વેલ્યૂ બેઝડ જીવન અને બ્રાન્ડ બનાવવાનો નિશ્ર્ચય કરવો જોઈએ ...