રાજેશ યાજ્ઞિક
ભારતના સામાજિક માળખામાં એક સમય એવો હતો કે, જ્યારે મહિલાની ભૂમિકા માત્ર ગૃહિણી તરીકે માર્યાદિત હતી. ઘરની બહાર નીકળીને કોઈ કામ કરવાની વાત જ્યાં દૂરની હોય ત્યાં આકાશમાં ઊડવાનું તો સ્વપ્ન પણ દીકરીઓને ક્યાંથી આવે? તેની સામે એવા સમયની એક લાડકી ઉષા સુંદરમને યાદ કરવા બહુ જરૂરી છે, જેમણે માત્ર આકાશ જીત્યું જ નહીં, પરંતુ પોતાની ઉડાન કુશળતાથી દેશના રાષ્ટ્રપતિથી લઈને અનેક મહાનુભાવોના આશીર્વાદ અને વાહવાહી મેળવી. ભાગલા પછી ઉષા સુંદરમે અનેક બચાવ મિશનમાં કાર્યરત બનીને હિંસક ખતરનાક પ્રદેશોમાં ઉડાન ભરી.
ઉષાનો જન્મ 1923 (ક્યાંક 1924 પણ કહેવાયું છે)માં ઉષા કૃષ્ણમૂર્તિ તરીકે થયો હતો. જુલાઈ 1941માં માત્ર 17 કે 18 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન વી. સુંદરમ સાથે થયાં, જે ખુદ એક કૉમર્શિયલ પાઈલટ હતા. આ દંપતી 1946માં બૅન્ગલોરમાં રહેવા ગયું. તેમના પતિ જયચમરાજેન્દ્ર વાડિયારના નેતૃત્વમાં મૈસુર સરકારમાં નાગરિક ઉડ્ડયન નિયામક બન્યા. બાદમાં તે જક્કુરમાં સરકારી ઉડાન તાલીમ શાળાના પ્રિન્સિપાલ હતા, જેની સ્થાપના વાડિયારે કરી હતી. ઉષાને પતિની પાઈલટ તરીકેની કારકિર્દી જોઈને એક બાળક જેવી ઉત્સુકતાથી આસમાનમાં ઊડવાનું મન થતું- માત્ર પ્રવાસી તરીકે નહીં, વિમાનની કમાન પોતાની હાથમાં રાખીને સ્વયં પોતાની ઉડાન ભરવાનું.
પતિએ તેમના આ ઉત્સાહને ન માત્ર સ્વીકાર્યો પણ તેમને પ્રોત્સાહન પણ આપ્યું. જે એવિએશન સ્કૂલમાં પતિ પ્રિન્સિપાલ હતા, તેમાં જ ઉષા વિદ્યાર્થી તરીકે દાખલ થયાં. 1 મે, 1949ના રોજ ઉષા જક્કુરમાં સરકારી ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ (GFTS)માંથી પાસ થનાર પ્રથમ વિદ્યાર્થી બન્યા, જેનાથી તે સ્વતંત્ર ભારતમાં પાઈલટ લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
પતિની સાથે તેમને પણ મૈસુરના મહારાજાના વિમાન, ડાકોટા ડીસી-3ના અંગત પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. સ્વતંત્રતા પછીનો એ સમય ભારે પડકારજનક હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા, તે બધાની વચ્ચે પાંગરેલી ભયાનક હિંસા, લાખો લોકોનું નવી બનેલી સરહદોની બંને બાજુ પલાયન....
ખાસ કરીને, ઉષા તો સરદાર પટેલના ભારતના રજવાડાઓના એકીકરણના ઐતિહાસિક મિશનનો એક અભિન્ન ભાગ હતાં. ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રદેશો પર વાટાઘાટો દરમિયાન ઉષા અને તેમના પતિ નાયબ વડા પ્રધાનની ફ્લાઇટ્સના પાઇલટ અને સહ-પાઇલટ હતા. નેહરુ અને પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને મૈસુરના મહારાજાના ખાનગી જેટમાં પ્રવાસ કરવાનું ગમતું હતું, કારણ કે વિમાનના બધા કર્મચારીઓ ભારતીય હતા.
તે સમયે ભારતીય ઉપખંડમાં તણાવપૂર્ણ વાતાવરણ હોવા છતાં, ઉષાએ ભાગલા પછી તેમનો ઉડ્ડયન અનુભવ પણ ઘણો માર્યાદિત હતો, છતાં પાકિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની એમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભાગલાની અભૂતપૂર્વ તંગ પરિસ્થિતિમાં ઉડ્ડયન કરવું ઘણું મુશ્કેલ હોવા છતાં તેમણે આવી ઘણી ઉડાન ભરીને ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવ્યા.
1950ના દાયકામાં ઉડ્ડયન ક્ષેત્રમાં એટલી ટેક્નોલોજિકલ પ્રગતિ નહોતી. તેથી પાઇલટની કેબિનમાં હવાનું દબાણ બદલાતું રહેતું, જેના કારણે ઉડાન જોખમી બની જતું. આવી પરિસ્થિતિઓમાં પણ ઉષા સુંદરમ ઓછી ઊંચાઈ અને ભારે હવામાન પરિસ્થિતિઓમાં ઉડાન ભરવાથી અચકાતી નહોતી. તેમને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના પાઇલટ બનવાની તક પણ મળી. રાજેન્દ્ર પ્રસાદ આટલી યુવાન મહિલાની કુશળતાથી ખૂબ પ્રભાવિત થયા અને અનેક મહાનુભાવોની હાજરીમાં તેમને બિરદાવ્યાં હતાં. આ દરમિયાન તે ત્રણ બાળકનાં માતા પણ બન્યાં.
1950માં મદ્રાસ સરકારે રાજ્ય માટે ઇંગ્લેન્ડથી ડી હેવિલેન્ડ ડવ નામનું વિમાન ખરીદવાનું નક્કી કર્યું. તે વિમાન ભારત લાવવાની જવાબદારી તેમણે ઉષા સુંદરમ અને તેમના પતિ વી. સુંદરમને સોંપી. સરકારનું નિમંત્રણ સ્વીકારીને દંપતી વહાણમાં ઇંગ્લેન્ડ ગયું.
સહ-પાઈલટ તરીકે લંડનથી બોમ્બે સુધીની યાત્રા વાયા પેરિસ, કરાચી અને બગદાદ થઈને માત્ર 27 કલાકમાં પૂર્ણ કરી. આમ, 22 વર્ષીય ઉષા સુંદરમે પિસ્ટન-એન્જિનવાળા ડવ પર ઇંગ્લેન્ડથી ભારતની ફ્લાઇટમાં સૌથી ઝડપી ઉડાનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી અતૂટ છે. 20 વર્ષની ઉંમરે ઊડવાનું શીખનારી ઉષાએ બે વર્ષમાં મેળવેલી આ સિદ્ધિ તેના કૌશલ્ય અને મહેનત વિશે ઘણું બધું કહી જાય છે.
1952માં ઉષાએ પોતાનાં ત્રણ સંતાનની સંભાળ રાખવા માટે વ્યાવસાયિક ઉડાનમાંથી નિવૃત્તિ લીધી. તે અને તેના પતિએ તેમના જીવનના અંત સુધી શોખ તરીકે ઉડાન ચાલુ રાખ્યું. તેમના જીવનકાળ દરમિયાન તેમણે 1959માં ચેન્નાઈમાં મુખ્ય મથક ધરાવતી પ્રાણી કલ્યાણ સંસ્થા, બ્લુ ક્રોસ ઈન્ડિયાની સ્થાપના કરી. તે ભારતમાં આવી સૌથી મોટી સંસ્થા છે.
પોતાના પરિવારની સંભાળ રાખવા માટે વહેલા નિવૃત્ત થવા છતાં ઉષા સુંદરમ ઉડ્ડયન ક્ષેત્ર વિશે ખૂબ જ સ્પષ્ટ વિચારધારા ધરાવતાં હતાં. 2001માં મીડિયાને સંબોધતી વખતે તેમણે ટિપ્પણી કરી હતી કે ઉડ્ડયન ક્ષેત્રમાં કોઈ લિંગ ભેદભાવ ન હોવો જોઈએ. વિમાનમાં મહિલાની ક્ષમતા પુરુષ જેટલી જ છે. તેમણે 6 એપ્રિલ, 2010ના રોજ 86 વર્ષની વયે અવસાન સુધી બ્લુ ક્રોસ માટે સ્વયંસેવક તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું.
આઝાદીના સાત દાયકા પછી પણ મહિલા પાઇલટ્સના સંદર્ભમાં ભારતીય પ્રતિનિધિત્વ માત્ર 15 ટકા જેટલું ઓછું છે અને દુ:ખની વાત છે કે, વિશ્વમાં મહિલા પાઇલટ્સની આ સૌથી વધુ ટકાવારી છે! આવી સ્થિતિમાં, ઇતિહાસના પાને ભુલાઈ ગયેલાં ઉષા સુંદરમને યાદ કરીને લોકોને મહિલા સશક્તીકરણની વાત યાદ કરાવીએ.