Fri May 22 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ મહેમાનોની કૅટેગરી... તે કેવી કેવી?!

2026-05-21 07:57:00
Author: Pragya Vashi
Article Image

પ્રજ્ઞા વશી


જી હા, આ લેખનું શીર્ષક બરાબર વિચારીને જ આપેલું છે.    
તમને કદાચ થશે : મહેમાનની વળી કૅટેગરી હોય?

હા, હોય...  દરેક વ્યક્તિની આંખે મહેમાન ભિન્ન ભિન્ન રીતે મૂલવાતો હોય છે. હવે તમે કહેશો એ વળી કઈ રીતે? તો લ્યો, મહેમાન યજમાનની નજરે... 
પચાસેક વરસ પહેલાં અમારાં ગામમાં ત્રણ ફળિયાં હતાં. સામસામે બે ફળિયાં અને એક ત્રીજું ફળિયું પાછળ. ગામમાં એક સવારે છુક... છુક... (કોલસાની) ગાડી આવે અને એક સાંજે.

સવાર-સાંજ ટ્રેન આવવાના સમયે બધા લગભગ ઓટલે ડોકિયાં કરે, કારણ કે કોને ત્યાં મહેમાન આવ્યા છે, કયા પ્રકારના છે, હાથમાં કેટલો સામાન છે, કુલ સંખ્યા કેટલી છે, જાણીતા છે કે અજાણ્યા લાગે છે એ જાણવામાં આડોશી-પાડોશીને રસ હોય.જોકે બપોરે ગામના નવરાઓ, વૃદ્ધો અને ખુફિયા એજન્સીના કારભારીઓ ટપાલીની પણ આતુરતાથી રાહ જોતાં હોય. ટપાલ કોને ત્યાં આવી, પોસ્ટકાર્ડ હતો કે પછી મોટા બંધ કવરમાં ઘણી બધી ટિકિટ અને ઘણા સિક્કા મારેલો કાગળ હતો... એ વાત એક કલાકમાં ત્રણેય ફળિયામાં ઇન્ટરનેટ નહોતું, છતાં લાઇવ પંચાતિયાઓ મુખ્ય મુખ્ય કારભારીઓને મુખામુખ કહી આવતા.

હાથમાં મોટી બૅગ ના હોય તો આ મહેમાન રહેવાનો નથી. મોટી બૅગો હોય તો મહિના એકનો ધામો જરૂર નાખશે. ઉનાળાના વેકેશનમાં પધારે તો કેરી ગાળો ઊજવીને જ જશે. બાળકો સાથે આવ્યાં હોય અને સામાન ઘણો હોય તો એ પણ એકાદ મહિનાની કૅટેગરીમાં આવે. હાથમાં એકાદ થેલી જ હોય અને એકલદોકલ હોય તો એક-બે દિવસના મહેમાનની કૅટેગરીમાં આવે.

બીજે દિવસે તો મહેમાન શું શું લાવ્યા અને કેવું લાવ્યા એ વાત પણ આખા ગામમાં પહોંચી જાય. આવેલી ભેટ સોગાદ ઉપરથી પણ મહેમાનની કૅટેગરી નક્કી કરાતી. અરે! અમેરિકા, લંડન, કૅનેડા કે આફ્રિકા જેવા દેશમાંથી આવતા મહેમાનો તો સ્વર્ગલોકમાંથી ઊતરી આવેલા દેવતાઓની કૅટેગરીમાં આવતા.

જેને ત્યાં વિમાન માર્ગે મહેમાન આવે તો એ ઘરના લોકોનો પણ ભાવ વધી જતો. બે મહિના પહેલાં આવેલા કાગળમાં જો ખબર આવે કે ‘અમે ઉનાળા વેકેશનમાં ગામ આવીએ છીએ’ તો એ ખબર એક કલાકની અંદર અંદર ગામ આખામાં પ્રસરી જાય અને સાથે શૅરબજારની માફક એ ઘરના ભાવ વધી જાય. કારભારીઓ તરત જ શુભેચ્છા પાઠવવા આવવાના શરૂ થઈ જાય. કેટલાક કારભારી આવનાર મહેમાન સાથે પોતાનો કેટલો ગાઢ ઘરોબો છે એ કહીને આવનારને ત્યાં કોઈ પરણવા લાયક દીકરા દીકરી છે કે નહીં તે જાણીને કોનાં ચોકઠાં કોની સાથે ગોઠવી શકાશે એ પળોજણમાં લાગી જાય છે. 

રામલો કહીને સંબોધન કરનારા ‘કેમ છો રામભાઈ? તમારા તો મોટાભાઈ, ભાભી અને એમનાં છોકરાં પરદેશથી આવવાનાં. તે કંઈ કામકાજ હોય તો અમને તરત બોલાવજો. પાપડ, પાપડી, અથાણાં કરવાનાં હોય તો અમારી ઘરવાળી છે જ અને મહેમાનને ચા-પાણી તેમ જ જમવાનું પણ ગોઠવી દેજો...’ આમ એ વખતે પરદેશી મહેમાનો નંબર વન કૅટેગરીમાં મુકાતા. હવે તો યુગ બદલાયો એની સાથે મહેમાનોને પારખવાની શક્તિ પણ લોકોમાં આવી. એક પર્ફ્યુમ અને એક શર્ટ કે સાડીમાં પ્રભાવિત થતા લોકો ભોળા હતા અને દિવાસ્વપ્નો જોતા હતા કે અમને પણ પરદેશ બોલાવીને સેટ કરશે, પણ પછી સમજાયું કે આજે કોઈ કોઈનું નથી. 

હવે તો ફોન આવે કે પત્ર આવે, તરત જ યજમાન પોતે જ ફરવા જવાનું બહાનું કાઢીને મહેમાનના મનોરથ પર ટાઢું પાણી છાંટી દે છે. ક્યાં તો પછી જે મહેમાન આવે એવી શક્યતા હોય તેવા મહેમાનોને ત્યાં જ  યજમાન પોતાનાં બાળગોપાળ સહિત ધામા નાખી દે! પેલા મહેમાન જેટલા દિવસ રહી ગયા હોય એનાથી પણ વધારે દિવસો રહીને બોધપાઠ શીખવી દે! 

રામજીભાઈ એકવાર મુંબઈમાં મહેમાન બનેલા અને રાત્રે પત્ની રસોડાના પ્લૅટફૉર્મ પર અને રામજીભાઈ ટૉઇલેટ અને ડાઇનિંગ ટેબલની વચ્ચેની ગલીમાં સૂતા, પણ રાત્રે ઉંદર શરીર ઉપર દોડ્યા અને નાનકો એમના ઉપરથી અંધારામાં ચાલીને વૉશરૂમમાં ગયો. એ પછી મળસકેની ટ્રેનમાં બેસીને રામજીભાઈએ મુંબઈને રામ રામ કરેલું અને એટલે જ તમે જુઓ, ગની દહીંવાલા લખે છે કે, ‘તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે.’ 

(જોકે હવે કોઈ આવું લખવાની ભૂલ ક્યાં કરે જ છે! કે પછી ‘મોઘેરા મહેમાનો... પુન: પધારજો અમ આંગણે...’ એવું લખવાની ભૂલ કોઈ સ્વપ્નમાં પણ કરતું નથી અને કોઈ એવું બોલતું કે ગાતું પણ નથી. અને હા, મહેમાનો ઉપર સ્વાગત શાયરી લખનારના ઘરે અવશ્ય મહેમાન બનીને માથે પડજો, જેથી બીજી વાર સ્વાગત શાયરી લખવાની ભૂલ ન કરે.