કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 2)
નામ: અરુંધતિ રોય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
હું એવું માનું છું કે દરેક વ્યક્તિની પાછળ એનો ઉછેર અને એના માતા-પિતાના ડીએનએ કામ કરતા હોય છે. અરુંધતિ રોય આજે જે કંઈ છે એમાં મેરી રોયનો ફાળો ઓછો નથી. જોકે, મારી મા સાથે એ જીવંત હતી ત્યાં સુધી મારે કોઈ દિવસ પ્રેમના સંબંધો રહ્યા નહીં. હું ઘર છોડીને નીકળી ગઈ. મેં ઘરે જવાનું છોડી દીધું. આર્કિટેક્ચરના ત્રીજા વર્ષમાં, દિલ્હી ભણતી હતી ત્યારે મેં મારી મા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. એ વખતે હાઈ સ્કૂલ પૂરી થાય ત્યારે મોટાભાગના લોકોની ઉંમર સોળ વર્ષ વટાવી જતી.
હું કેરાલામાં મોટી થઈ, એટલે મને દિલ્હીની ગરમી અસહ્ય લાગતી. હરિયાળો પ્રદેશ, બેકવોટર્સ, દરિયાને કિનારે કિનારે વસેલા છાપરાવાળા ઘરો, લૂંગી પહેરેલા કાળા લોકો, દરેક ગામનું ચર્ચ અને એ ચર્ચમાં દર રવિવારે ભેગા થતા દોઢસો લોકો, જે સહુ એકબીજાને ઓળખતા હતા... મારે માટે એ જ મારી દુનિયા હતી. અયૈમેનેમ-મારું ગામ. દિલ્હીથી ત્રણ દિવસ અને બે રાત દૂર હતું. મારી મા ઈચ્છતી હતી કે હું ભણું... એને માટે શિક્ષણથી આગળ કશું નહોતું. એ વારે વારે કહ્યા કરતી, હું ભણેલી હતી, માટે મારા પગ પર ઊભી રહી શકી. ભણીશ નહીં તો આ દુનિયામાં તારું કંઈ નહીં થાય.
મારી મા કેરાલાથી ચેન્નઈ જઈને ભણી. અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. થઈને એણે કલકત્તામાં નોકરી લીધી. માતા-પિતાના વિરોધ છતાં એ કલકત્તા ગઈ, કારણ કે એણે મારા પિતાને મળવાનું હતું... હું કુંડળી કે ભાગ્યમાં નથી માનતી, તેમ છતાં કર્મ અને લોકોના એકબીજા સાથેના કનેક્શનમાં ચોક્કસ માનું છું. ઘણી વાર મને લાગે છે કે માણસો એકમેકને એકબીજાના ઋણ અદા કરવા માટે મળતા હોય છે. મારી મા મેરી રોય ભારતના દક્ષિણ પ્રદેશમાંથી આવેલી એક ક્રિશ્ર્ચિયન સ્ત્રી ને મારા પિતા ભારતની પૂર્વમાં વસતા એક બંગાળી... બંને જણા મળ્યાં, પ્રેમ થયો અને છ મહિનાની ઓળખાણમાં એણે રાજીબ (મિકી) રોય સાથે લગ્ન કરી લીધા.
કેરાલિયન ક્રિશ્ર્ચિયન છોકરી એક બંગાળી છોકરા સાથે લગ્ન કરે એનો વિરોધ માત્ર કેરાલાના પરિવારમાં જ નહીં, બંગાળી પરિવારમાં પણ થયો જ. એ વખતે આંતરજ્ઞાતિય લગ્ન સામાન્ય નહોતા, પણ મારી માને તો કશું ય સામાન્ય કરવામાં રસ જ નહોતો. એને માટે જીવનમાં એના પોતાના કાયદા અને નિયમો હતા. એને જે યોગ્ય લાગે, તે એનું સત્ય!
મારા પિતા સાથે લગ્ન કર્યા પછી એમનાં પરિવારે પણ બહિષ્કાર કર્યો, એટલે મારા પિતા શિલોંગમાં એક ચાના બગીચામાં મેનેજરની નોકરી લઈને આસામ શિફ્ટ થઈ ગયા. મારી મા ત્યાં એક નાનકડી સ્કૂલમાં ભણાવતી. હું માનું છું ત્યાં સુધી શરૂઆતમાં એમના લગ્નમાં બહુ પ્રોબ્લેમ નહોતો. ચાના બગીચાની એકલતા અને વિકાસની કોઈ તક ન હોય એવા વિસ્તારમાં લાંબા સમય સુધી રહેવાથી કદાચ કોઈને પણ હાતાશા અને ફ્રસ્ટ્રેશનની લાગણી થાય.
એક બુદ્ધિશાળી, સંગીત પ્રેમી અને સારું પેઈન્ટિંગ જાણતી વ્યક્તિ ચાના બગીચામાં કેટલો વખત કામ કરી શકે? મજૂરોને મેનેજ કરવાના, દર અઠવાડિયે પગાર કરવાનો, ચાની ફેક્ટરીઓ ઉપર વિઝિટ કરવાની, ખોખા પેક કરાવવાના, માલ ચઢ્યો કે નહીં એનો હિસાબ રાખવાનો અને વહેલી પડી જતી સાંજ સાથે કોઈ સોશ્યલ લાઈફ વગર જીવવાનો ધીરે ધીરે એમને કંટાળો આવવા લાગ્યો હતો. એમણે સાંજે શરાબ પીવાનું શરૂ કર્યું.
બે નાનાં બાળકો સાથે આર્થિક અને માનસિક સંઘર્ષ કરતી મારી મા એમને પ્રેમથી સમજાવી શકી હોત, કદાચ! પરંતુ, એની ઉંમર પણ એવી સમજદાર નહીં હોય-એટલે પહેલાં ગુસ્સો, દલીલો અને પછી મારપીટ શરૂ થઈ ગઈ. મારી મા માર ખાઈને કંટાળી હશે એટલે એક દિવસ એણે બંને બાળકોને લઈને ઘર છોડી દીધું. હું ત્રણ વર્ષની હોઈશ... અમે કેરાલા પાછા ફર્યા ત્યારે હું પહેલીવાર મારી માના પિયરના ઘરમાં દાખલ થઈ. અત્યાર સુધી રાજીબ રોય સાથે લગ્ન કરવા માટે એને માફ નહીં કરનારી મારી નાની અમને જોઈને પિગળી ગયાં.
ત્રણ વર્ષની દીકરી અને પાંચ વર્ષના દીકરા સાથે મારી મા મારા મોસાળમાં દાખલ થઈ ત્યારે ભારત-ચીનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. મારી નાનીએ તો અમને સ્વીકાર્યા, પણ મારા મામાઓ અને ગામના લોકોએ મારી માના પાછા આવવા વિશે એટલા બધા ટોણાં માર્યા કે મારી માના સ્વમાની સ્વભાવથી એ સહી શકાયું નહીં. બે-ચાર દિવસ અમારા ગામમાં રહીને મારી માએ ઉટી જવાનો નિર્ણય કર્યો.
અમે ઉટી પહોંચ્યાં. એક તૂટેલું, સતત ભેજવાળું ઘર અમને સસ્તા ભાડે મળી ગયું. એ ચોમાસાના દિવસો હતા. બહાર સતત ધુમ્મસ રહેતું. દિવસનો અડધો ભાગ વરસાદમાં વિતી જતો. ભયાનક ઠંડીને કારણે ભેજવાળા ઘરમાં રહેવું અશક્ય થઈ પડતું, તેમ છતાં બીજો કોઈ રસ્તો નહોતો. મારી માને અસ્થમા હતો. ઠંડી અને ભેજને કારણે એ સતત ખાંસતી રહેતી. હું અને લલિત સતત ડરતા કે મારી મા મરી જશે તો અમે શું કરીશું?
મારું બાળપણ ભય અને અસુરક્ષાથી ભરેલું હતું. મેરી રોય ખૂબ બીમાર રહેતી, પણ એણે અમારા ભોજન અને એની દવા વચ્ચે પસંદગી કરવી પડતી. સ્વાભાવિક રીતે જ અમારે માટે ભોજન ખરીદવું એની પ્રાયોરિટી હતી. એ ઊભી થઈને રાંધી શકતી નહીં. ક્યારેક અમને જોઈને પડોશીઓને દયા આવતી એટલે કોઈ અમને બ્રેડ કે લોફ આપી જતા. અમે ભૂખ્યા ડાંસ થઈને તૂટી પડતા. હું બહુ નાની હતી એટલે મારે માટે કદાચ આ સ્થિતિ સમજવી અઘરી હતી એટલે દુ:ખ પણ ઓછું જ હતું, પરંતુ લલિત સમજણો હતો. વળી એને આસામના સારા દિવસો યાદ હતા...
પિતા અને એમની સાથે વિતાવેલા વ્હાલસોયા, સુખના દિવસોને યાદ કરીને લલિત વધુ દુ:ખી થતો. હું હવે વિચારું છું તો મને સમજાય છે કે જેણે સુખ જોયું જ ન હોય એને માટે દુ:ખ બહુ અઘરું નથી હોતું, કારણ કે એને માટે પોતે જે સ્થિતિમાં છે એ જ સ્વાભાવિક અને સહજ સ્થિતિ છે... વિતી ગયેલું સુખ વધુ દુ:ખ આપે છે, એ વાત મને આજે સમજાય છે. મારે માટે તો ત્યારે ગરીબી કે ભૂખ એટલું સામાન્ય હતું કે મને એમાં કંઈ અજુગતું લાગતું નહીં.
મારી મા પોતાના ભાઈ-બહેન અને માતાથી ખૂબ નારાજ હતી. ઉટીથી એણે બે-ચાર પત્રો લખીને અમારી સ્થિતિ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ એના સ્વમાન સાથેનું સમાધાન હતું, તેમ છતાં કદાચ એને અમારી દયા આવતી હતી! એના એ પત્રોનો જવાબ ન આવ્યો એ પછી એણે આશા છોડીને પોતાનું જીવન પોતાની રીતે ગોઠવવાનું નક્કી કર્યું. ઉટીના દિવસોએ મને અસુરક્ષાની સમજ આપી. સાચું પૂછો તો અસુરક્ષા સમજાઈ જાય પછી જીવનમાં ભય રહેતો નથી. અમે જે રીતે જીવતા હતા એને કારણે અમને જે અન્યાય થતો હતો એ પણ મને બાળપણમાં જ સમજાઈ ગયો. બીજાં બાળકો કરતાં અમે અભાવ અને અસ્થિરતામાં જીવી રહ્યાં હતાં એ સમયે મને જીવનભરની હિંમત આપી છે.
એક ત્રણ વર્ષની બાળકીની મા મરી જાય... એની પાસે ખાવાનું ન હોય, રહેવાની જગ્યા ન હોય, અન્ય કોઈ સગું ન હોય અને પાંચ વર્ષનો ભાઈ એને માટે કશું ન કરી શકે એની અસહાયતામાં ભાઈ રડ્યા કરે... એ મારા જીવનનો સૌથી કપરો, અઘરો અને અસહ્ય સમય હતો. એનાથી ખરાબ મારી સાથે કંઈ નહીં થાય એ વિચારે મને હંમેશાં ટકી રહેવાનો આત્મવિશ્વાસ અને બહેતર સમય આવશે એવી આશા આપી છે.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રોય) (ક્રમશ:)