Fri May 22 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ટીનએજ સંબંધોમાં કેમ સર્જાય છે આવી ગેરસમજ...

2026-05-21 07:59:00
Author: Shweta Joshi Antani
Article Image

શ્વેતા જોષી અંતાણી 

ધૈર્યના ધીર-ગંભીર અને ધ્યેય લક્ષિત જીવન પર કાવ્યા હાવી થવા લાગેલી. ભણવાના સમયે વચ્ચે વાતો કરવી, ટ્યુશન પછી સાથે એકાદ કલાક કાફેમાં બેસવું, કાવ્યાની અનુકૂળતા મુજબ એને લેવાં-મૂકવા જવી. સવારે મમ્મીની હાજરીમાં વાત ના થાય માટે રાતના સમયે વધુ વાંચવું અને અંતે ઉજાગરાના કારણે બીજા દિવસે સવારે બેડમિન્ટનમાં પ્રેક્ટિસ બગડવી.

ધૈર્યને ખુદને એવું લાગતું કે પોતે બદલાય રહ્યો છે. કાવ્યાને બહાર જવું હોય અને એ જો પ્રેક્ટિસમાં વ્યસ્ત રહે તો કાવ્યા ખોટું માની જતી. એનું ધાર્યું ના થાય એટલે રોવાં-રસડવાનું ચાલુ થઈ જતું. ધૈર્ય ગિલ્ટનો માર્યો એને વધુ મનાવવાનો પ્રયત્ન કરતો. એટલા માટે નહીં કે એણે કંઈક ખોટું કર્યું છે, પણ એટલા માટે કે કાવ્યાના વર્તનથી એ જાતને બેજવાબદાર માનવા લાગતો.

એક બપોરે ધૈર્યએ સ્કૂલમાં બે છોકરાને પોતાની વાત કરતા સાંભળ્યા. બાસ્કેટબોલ કોર્ટ તરફથી નીકળતા એ બન્ને છોકરા મશ્કરી કરતાં બોલી રહેલા, ‘કાવ્યા છ મહિનાની અંદર એને ફ્રેન્ડઝોનમાં નાખી દેશે. અરે, યાર એક છોકરી માટે ધૈર્ય પોતાની આખી કેરિયર બગાડી રહ્યો છે...!’ 

ધૈર્યને પહેલાં તો ખૂબ ગુસ્સો આવ્યો. એને થયું બેયની બોચી પકડી થપ્પડ મારી દે, પણ એ અટક્યો. થોડો વિચારમાં પડી ગયો કે કાવ્યાએ અન્ય કોઈ સાથે પહેલાં આવું કર્યું હશે તે એ છોકરાઓ આમ બોલી રહેલાં! એ રાત્રે એક તરફ ટેકસબુક હતી અને બીજી તરફ કાવ્યાના ધોધમાર મેસેજીસ. વાંચવાનું પડતું મૂકી કાવ્યાને જવાબ આપતાં ધૈર્યની નજર સમક્ષ પેલા છોકરાઓએ બોલેલા શબ્દો તરવાં લાગ્યા :

‘શું એ પોતાની કારકિર્દી બગાડી રહ્યો છે? બોર્ડ એક્ઝામ્સ નજીક છે. નેશનલ ચેમ્પિયનશિપના ભણકારા વાગી રહ્યાં છે. હમણાં એની તારીખો આવીને ઊભી રહેશે. હું શું કરીશ?’ પહેલી વાર એને બીક લાગી. ખેર, પરીક્ષાઓ પતી, ચેમ્પિયનશિપ રમાય ગઈ.ધેર્યએ મહામહેનતે કાવ્યાનેસાચવતાં- રખોપાં કરતાં એકાદ મેડલ મેળવ્યો ને પરીક્ષામાં ઠીકઠાક મહેનત કરી લીધી. હા, એણે નુકસાન ચોક્કસ વેઠ્યું. 

ત્રણને બદલે એક મેડલ અને પંચાણુને બદલે એકાણુ ટકાથી બોર્ડમાં સંતોષ માની ધૈર્ય આગળ વધ્યો. એને હવે ક્લેટની એન્ટ્રાન્સ એક્ઝામ આપી દેશની ટોપ લો યુનિવર્સિટીમાં એડમિશન લેવું હતું. આ તરફ કાવ્યાના નખરા ઘટતાં નહોતાં.

ધૈર્યને થયું હવે બસ. એણે કાવ્યાને સમજાવતાં કહ્યું, ‘જો મારે ત્રણ-ચાર મહિના સ્ટડીમાં એકદમ ધ્યાન આપવું પડશે. મને કોઈપણ પ્રકારે ધ્યાનભંગ થાય, ડિસ્ટ્રેક્શન થાય એ નહીં પોસાય...’ 

‘તો હું તારું હવે ડિસ્ટ્રેક્શન છું?’ કહી કાવ્યાએ પોક મૂકી.
‘ના, મારો એવો મતલબ નથી.’ હજુ ધૈર્ય આગળ કંઈ બોલે એ પહેલા કાવ્યા વરસી પડી : 

‘તું રહેવા દે, તને મારી કંઈ પડી નથી. તું મારી કેર નથી કરતો. તને બસ ભારાથી દૂર રહેવામાં રસ છે.’ ધૈર્ય એને વચ્ચેથી કાપતાં બોલ્યો, ‘હા, કારણ કે હવે હું તને પહેલા જેટલો સમય નહીં આપી શકું...’ 

કાવ્યાને આ શબ્દો હળાહળ લાગી આવ્યાં. ધૈર્યનો સમય જ તો હતો જે એના માટે જરૂરી હતો. કોઈ એની સાથે હરે-ફરે, વાતો કરે, મજાક-મસ્તી કરે, એની આડી-અવળી વાતો ને ફરિયાદો સાંભળે, એને પેમ્પર કરે, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે બસ. આનાથી વધુ ધૈર્ય વિશે એ બહુ વિચારતી નહીં. એને એવું કોઈ જોઈતું હતું જે હંમેશાં ‘ઈમોશનલી અવેલેબલ’ રહે.

કાવ્યા એ સમજી નહોતી શકી કે ધૈર્ય પણ એની જેમ માત્ર સતર વર્ષનો તરુણ છે. એ કોઈ થેરાપિસ્ટ નથી. એ કોઈનો ‘સેવિયર’ કે તારણહાર બનવા નથી માગતો. બસ, એક ટીનએજર છે જે પોતાનાં સપનાઓ પૂરા કરવા મથી રહ્યો છે. એ બંને વચ્ચે કોઈ બ્રેકઅપ ના થયું. કોઈએ ચીટિંગ નહોતી કરી ને કોઈ વિલન નહોતું બન્યું. 

બસ બે ટીનએજર પોતપોતાની જાત અને જરૂરિયાતને સમજી ચૂક્યાં હતા. કદાચ બન્નેમાં થોડીક મેચ્યોરિટીએ પ્રવેશ કરી લીધેલો, જેમાં કોઈ એકબીજાને પ્રેમ કરવા માટે મજબૂર ના કરે, પરંતુ લાગણીઓના દાયરાની બહાર રહીને સંબંધને વિકસાવી શકે એ દિવસ પછી બન્ને ધીમે-ધીમે પોતાના ઈમોશન્સને કાબૂમાં રાખી એક એવા સ્ટેજ પર પહોંચતા શીખ્યા કે જ્યાં માત્ર દોસ્તીને સ્થાન હતું.

કાવ્યા સમજતી થઈ કે જાતને હંમેશાં કોઈના સહારે રાખવા કરતાં થોડું એકલા જીવતા શીખીએ. ધૈર્યએ ફરી નિયમિતતા કેળવી. રોજ સવારે પ્રેક્ટિસ પર જવા લાગ્યો. લાઈબ્રેરીમાં બેસી એકધારું વાંચતો થયો. પહેલાની જેમ મમ્મી સાથે વાતો કરતો ને દાદીને વ્હાલ કરતો થયો. કાવ્યા ધૈર્ય બંન્ને હજુ પણ ક્યારેક વાતો કરતાં. એકબીજા સાથે અડધી રાત્રે ઈન્સ્ટાગ્રામ રીલ્સ શેર કરતાં. ક્યારેક એકબીજા પર રોષ ઠાલવતાં ને રીસ પણ કરી લેતાં. જોકે આ દુનિયામાં યુવાન બન્યા પહેલા એક સબક સાચો શીખી ગયેલા કે સંબંધ, પ્રેમ અને લાગણીઓ તમારા જીવનને સહારો આપવા માટે હોય છે નહીં કે એને બરબાદ કરવાં.