વોશિંગ્ટન ડીસી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક એજન્ડાને મોટો ફટકો પડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ઈમરજન્સી ટેરિફને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધા છે. આ નિર્ણયથી ટ્રમ્પની વિદેશ અને આર્થિક નીતિઓ પર ગંભીર અસર પડી શકે છે. જોકે, આ ચુકાદાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે અત્યાર સુધી આયાત વેરા પેટે વસૂલવામાં આવેલા આશરે 133 અબજ ડોલરનું શું થશે? આ રકમ હવે ગેરકાયદે જાહેર થઈ હોવાથી પરત મેળવવા માટે રાજ્યો અને કંપનીઓ મેદાને આવી છે.
કોર્ટના ચુકાદા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ઈલિનોઈસના ડેમોક્રેટ ગવર્નર જેબી પ્રિત્ઝકરે ટ્રમ્પને સીધું ઇન્વોઇસ મોકલીને પોતાના રાજ્યના પરિવારો માટે 9 અબજ ડોલરના રિફંડની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે આ વેરાએ ખેડૂતોને પાયમાલ કર્યા અને સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. ગવર્નરે દરેક પરિવાર દીઠ 1,700 ડોલરના વળતરની માંગ કરી છે. પ્રિત્ઝકર ઉપરાંત અનેક મોટી કંપનીઓ પણ હવે આ ગેરકાયદે ટેરિફના નાણાં પાછા મેળવવા માટે કતારમાં ઉભી છે.
Treasury Secretary Scott Bessent
જોકે, સામાન્ય જનતાને આ નાણાં સીધા મળશે કે કેમ તે અંગે શંકા છે. પેન-વ્હાર્ટન બજેટ મોડલ મુજબ રિફંડની રકમ 175 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, પરંતુ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે સામાન્ય અમેરિકનોને સીધું વળતર મળવું મુશ્કેલ છે. ખુદ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે આ રિફંડની પ્રક્રિયા લાંબી કાયદાકીય લડાઈમાં ફસાઈ શકે છે. તેમણે અંદાજો લગાવ્યો છે કે આ બાબત આગામી પાંચ વર્ષ સુધી કોર્ટમાં ચાલી શકે છે, જે લોકો માટે નિરાશાજનક સમાચાર છે.
નિષ્ણાતો આ આખી પ્રક્રિયાને એક 'મોટો મેસ' (ગૂંચવાડો) ગણાવી રહ્યા છે. યુએસ કસ્ટમ્સ એજન્સી પાસે ભૂલથી લેવાયેલા વેરા પરત કરવાની સિસ્ટમ તો છે, પણ આટલી વિશાળ રકમ અને હજારો આયાતકારોને એકસાથે રિફંડ આપવાનો કોઈ પૂર્વ અનુભવ નથી. કોસ્ટકો અને રેવલોન જેવી કંપનીઓએ પહેલેથી જ દાવો માંડી દીધો છે. હવે આગામી સમયમાં મેન્યુફેક્ચરર્સ અને સપ્લાયર્સ વચ્ચે રિફંડના હિસ્સા માટે નવી કાયદાકીય લડાઈઓ શરૂ થાય તેવી પૂરી શક્યતા છે.