Mon Sep 14 2026

Logo

વિઝા માટે લૂંટનું નાટક રચવા બદલ અમેરિકામાં 10 પાટીદારો સામે નોંધાયો ગુનો, ડિપોર્ટ થવાની તૈયારી

Boston   2026-04-11 10:26:00
Author: Mayur Patel
વિઝા માટે લૂંટનું નાટક રચવા બદલ અમેરિકામાં 10 પાટીદારો સામે નોંધાયો ગુનો, ડિપોર્ટ થવાની તૈયારી

બોસ્ટનઃ અમેરિકામાં ગુજરાતી મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા બાદ ત્યાં રહેવા માટે અવનવાં ગતકડાં કરતા હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ખૂબ જ ચાલાકીપૂર્વક કાવતરું ઘડ્યું હતું. આ તમામ આરોપીઓ મૂળ ગુજરાતના છે અને હવે તેઓ જેલવાસથી લઈને દેશનિકાલ સુધીનો સામનો કરી રહ્યા છે.

તપાસ દરમિયાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા જે 10 લોકોના નામ સામે આવ્યા છે, તેમના નામ જિતેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.39), મહેશકુમાર પટેલ (ઉ.વ.36), સંજયકુમાર પટેલ (ઉ.વ.45), દીપિકા પટેલ (ઉ.વ.40), રમેશ પટેલ (ઉ.વ.52), અમિતા પટેલ (ઉ.વ.43), રોનકકુમાર પટેલ (ઉ.વ.28), સંગીતા પટેલ (ઉ.વ.36), મિન્કેશ પટેલ (ઉ.વ.42) અને સોનલ પટેલ (ઉ.વ.42) છે.

શું હતું આખું કૌભાંડ?

યુએસ ફેડરલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ કેસ એક વિચિત્ર પણ પૂર્વ આયોજિત કાવતરા પર આધારિત છે. આ લોકોએ મેસેચ્યુસેટ્સ અને અન્ય રાજ્યોમાં આવેલા કન્વીનિયન્સ સ્ટોર્સ, દારૂના દુકાનો અને ફાસ્ટ-ફૂડ સેન્ટરો પર નકલી સશસ્ત્ર લૂંટના નાટક કર્યા હતા.  જેની પાછળનો મુખ્ય હેતુ એ પુરાવા ઊભા કરવાનો હતો કે તેઓ હિંસક ગુનાનો ભોગ બન્યા છે. આમ કરવાથી તેઓ 'નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ' એટલે કે U વિઝા મેળવવા માટે હકદાર બની શકતા હતા.

U વિઝા જેઓ માનસિક અથવા શારીરિક આઘાતમાંથી પસાર થયા હોય અને ગુનાની તપાસમાં સરકારી એજન્સીઓને મદદ કરતા હોય તેમને આપવામાં આવે છે. હાલમાં આ તમામ ગુજરાતીઓ કાયદાના સકંજામાં છે અને અમેરિકી એજન્સીઓ આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ કરી રહી છે.