બગદાદ: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાકની રાજધાની બગદાદ ફરી એકવાર ધડાકાઓના અવાજથી ગુંજ્યા હતા. દુનિયાના સૌથી સુરક્ષિત વિસ્તારોમાં ગણાતા ગ્રીન ઝોનમાં સ્થિત અમેરિકી દૂતાવાસને નિશાન બનાવીને મોટો હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
સ્થાનિક અહેવાલો અને ઈરાકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકાના દૂતાવાસ પરિસરમાં આવેલા હેલીપેડને નિશાન બનાવીને મિસાઈલ દાગી હતી. આટલું જ નહીં, અમેરિકી દૂતાવાસની સુરક્ષા માટે તૈનાત અત્યાધુનિક રડાર સિસ્ટમને પણ એક આત્મઘાતી ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દૂતાવાસના પરિસરમાંથી કાળા ધુમાડાના ગોટા ઉડતા સ્પષ્ટ જોઈ શકાય છે, જે હુમલાની તીવ્રતા દર્શાવે છે.
બગદાદનો ગ્રીન ઝોન અભેદ્ય કિલ્લા સમાન માનવામાં આવે છે, તેમ છતાં મિસાઈલ અને ડ્રોન હેલીપેડ સુધી પહોંચી જવું એ અમેરિકી સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. જોકે, આ હુમલામાં કેટલું નુકસાન થયું છે કે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગે હજુ સુધી અમેરિકી દૂતાવાસ કે વોશિંગ્ટન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે 'ઈરાકી ઈસ્લામિક રેઝિસ્ટન્સ' દ્વારા અમેરિકી સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓ પર મોટા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ તેમણે એક અમેરિકી વિમાનને તોડી પાડવાનો દાવો પણ કર્યો હતો. નિષ્ણાતો માની રહ્યા છે કે આ મિસાઈલ હુમલો એ જ કડીનો ભાગ હોઈ શકે છે. આ હુમલાને સીધી રીતે વોશિંગ્ટનને આપવામાં આવેલી ખુલ્લી પડકાર તરીકે જોવામાં આવી રહ્યો છે, જેનાથી આગામી દિવસોમાં સંઘર્ષ વધવાની શક્યતા છે.