Tue Oct 06 2026

Logo

આઠ છગ્ગા અને બે ચોગ્ગાઃ ઉર્વિલ પટેલે 13 બૉલના વિક્રમી ફિફ્ટી સાથે રચ્યો નવો ઇતિહાસ

2026-05-10 21:20:01
Author: Ajay Motiwala
આઠ છગ્ગા અને બે ચોગ્ગાઃ ઉર્વિલ પટેલે 13 બૉલના વિક્રમી ફિફ્ટી સાથે રચ્યો નવો ઇતિહાસ

ચેન્નઈઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના 27 વર્ષીય વિકેટકીપર-બૅટ્સમૅન ઉર્વિલ પટેલે માત્ર 13 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને રાજસ્થાનની ટીમના યશસ્વી જયસ્વાલના 13 બૉલની હાફ સેન્ચુરીના આઇપીએલ-રેકૉર્ડની બરાબરી કરી હતી. ઉર્વિલ (Urvil) હવે આઇપીએલના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપે ફિફ્ટી બનાવનારો ખેલાડી છે.

ઉર્વિલે ફક્ત 23 બૉલમાં આઠ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 65 રન કર્યા હતા અને ચેન્નઈની જીત આસાન બનાવી હતી. તેણે 13મા બૉલ પર હાફ સેન્ચુરી પૂરી કરીને યશસ્વીની બરાબરી કરી હતી. યશસ્વીએ 2023ની 11મી મેએ કોલકાતા સામે 13 બૉલમાં 50 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલે 2018માં કિંગ્સ ઇલેવન પંજાબ વતી 14 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. પૅટ કમિન્સે 2022માં કોલકાતા વતી મુંબઈ વિરુદ્ધ 14 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે રોમારિયો શેફર્ડે 2025માં બેંગ્લૂરૂ વતી 14 બૉલમાં અડધી સદી પૂરી કરી હતી.

લખનઊએ જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ચેન્નઈની ટીમ વિજયની દિશામાં સારી રીતે આગળ વધી રહી હતી અને એમાં ડોમેસ્ટિક ક્રિકેટ વતી ગુજરાત તથા બરોડા વતી રમી ચૂકેલા 27 વર્ષીય ઉર્વિલ મુકેશ પટેલનું મહત્ત્વનું યોગદાન હતું. તેણે લખનઊના શાહબાઝ અહમદના બૉલમાં આવેશ ખાનના હાથમાં કૅચઆઉટ થતાં પહેલાં 65 રન બનાવ્યા હતા. તેણે પાછલી ત્રણ મૅચમાં ફક્ત ચાર રન, 24 રન અને 17 રન કર્યા હતા, પણ રવિવારે લખનઊ સામે તેણે આ વખતની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારીને ચેન્નઈની સંભવિત જીત આસાન બનાવી હતી. તેણે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે 81 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી.