Mon May 25 2026

Logo

કમોસમી વરસાદથી 2.49 લાખ હેક્ટર અસરગ્રસ્ત, વધુ નુકસાન ઘઉંનેઃ કૃષિ પ્રધાન

2026-04-10 20:53:01
Author: Ramesh Gohil
Article Image

ભોપાલઃ તાજેતરમાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે અંદાજે 2.49 લાખ હેક્ટર વિસ્તારનો ઊભો પાક અસરગ્રસ્ત થયો હતો, જેમાં સૌથી વધુ નુકસાન ઘઉંના પાકને થયું હોવાનું કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે. મધ્ય પ્રદેશના રાયસન જિલ્લામાં આયોજિત `ઉન્નત કૃષિ મેળા'ના આરંભ પૂર્વે તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે ત્રણ વિભાગો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હજુ નુકસાનની આકારણી થઈ રહી છે. ગત આઠમી એપ્રિલ સુધીના અહેવાલ અનુસાર કમોસમી વરસાદ અને કરાને કારણે ઘઉંનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. ત્યાર બાદ અનુક્રમે કેરી અને લિચી જેવા બાગાયતી પાકને અસર થઈ છે. જોકે, કટોકટીના સમયગાળામાં મોદી સરકાર મક્કમપણે ખેડૂતોની સાથે જ હોવાની તેમણે બાંયધરી આપી હતી. 

નોંધનીય બાબત એ છે કે ગત પાંચમી એપ્રિલના રોજ ચૌહાણે અધિકારીઓને અસરગ્રસ્ત રાજ્યોની સરકાર સાથે સહકાર સાધીને નુકસાનની આકારણી કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે અસરગ્રસ્ત રાજ્યોના કૃષિ પ્રધાન સાથે પણ વાતચીત કરી હતી. ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ  2થી 8 એપ્રિલ દરમિયાન ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, દક્ષિણ અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અરૂણાચલ પ્રદેશ, હિમાલિયન વિસ્તાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થયા છે. 

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, તેલંગણા, જમ્મુ અને કાશ્મીર, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામ-મેઘાલયમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વધુમાં હવામાન ખાતાએ આગામી 9થી 15 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે જમ્મુ અને કાશ્મીર પર ચક્રવાતી ભ્રમણને કારણે ઉત્તર પ્રદેશ, બાંગ્લાદેશ, આસામ અને ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવની સ્થિતિ છે અને ખાતરના ભાવમાં વધારો થયો છે. જોકે, હવે આગામી જૂન મહિનાથી ખેડૂતો ખરીફ વાવેતરનો આરંભ કરશે તે સમયે ખાતર અથવા તો પોષકતત્ત્વોનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર બાંયધરી આપે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આયાત માટેના સ્રોત વિકેન્દ્રિત કરવા ખરીફ મોસમ 2026 માટે ફોસ્ફેટિક અને પોટાશિક ફર્ટિલાઈઝર સબસિડી વધારીને રૂ. 41,534 કરોડ કરવામાં આવી છે. 

આ સિવાય ઔદ્યોગિક ઉપયોગ માટે થતાં વિકેન્દ્રિકરણને રોકવા માટે હરિયાણા અને મધ્ય પ્રદેશમાં એક પાઈલોટ એગ્રીસ્ટક લિન્ક્ડ આઈડેન્ટિટી કાર્ડ-ઓળખપત્ર જારી કરવામાં આવ્યા છે. આ સ્કીમ રાષ્ટ્રીય સ્તરની છે. જોકે, 13 કરોડનાં લક્ષ્યાંક સામે 9.29 કરોડ ખેડૂતોએ ઓળખપત્ર બનાવ્યા છે.  અમલી બનશે. વધુમાં કૃષિ આબોહવા ઝોન પર આધારિત રાજ્ય વિશિષ્ટ કૃષિ રોડમેપ પર કામ ચાલી રહ્યું છે, જેમાં પાંચ ઝોનલ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. નવી ટેક્નિકો વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે ઉન્નત કૃષિ મેળાનું અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.