Mon Sep 07 2026

Logo

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ પાછળ કોનો હાથ હતો? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કર્યો મોટો ખુલાસો

2026-08-13 13:13:00
Author: Vimal Prajapati
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ પાછળ કોનો હાથ હતો? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ એક વર્ષ પહેલા દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તેમાં હજી પણ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની મોનિટરિંગ ટીમે પોતાના તાજેતરના અહેવાલમાં એક અત્યંત સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ મુજબ, નવેમ્બર 2025માં દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ પાછળ ‘અલ-કાયદા’ (AQIS - Al-Qaeda in the Indian Subcontinent) નો હાથનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

સંયુક્ત રાષ્ટ્રે પહેલી વખત આ હુમલાને AQIS સાથે જોડ્યો

મહત્વની વાત એ છે કે, આ પ્રથમ વખત છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રના કોઈ સત્તાવાર દસ્તાવેજમાં આ હુમલાને સીધી રીતે AQIS સાથે જોડવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ જાણકારી યુએનની 38મી મોનિટરિંગ રિપોર્ટમાં સામે આવી છે, જે 16 ડિસેમ્બર 2025થી 9 જૂન 2026 વચ્ચેની વૈશ્વિક આતંકી ગતિવિધિઓ પર આધારિત છે અને ઓગસ્ટ 2026માં સુરક્ષા પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 

નાના-નાના જૂથોમાં સક્રિય થઈ રહ્યું છે AQIS  

UNSCના રિપોર્ટ પ્રમાણે એક સમયે નબળું પડેલું AQIS હવે પ્રાદેશિક સ્તરે એક સંગઠિત આતંકવાદી નેટવર્ક તરીકે ઉભરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચવા માટે આ સંગઠન હવે મોટા જૂથોમાં કામ કરવાને બદલે નાની-નાની, વિખરાયેલી ટુકડીઓ દ્વારા ઓપરેટ થઈ રહ્યું છે. સંગઠને પોતાનું અલગ લોજિસ્ટિક્સ અને ફંડિંગ નેટવર્ક પણ ઊભું કરી લીધું હોવાનો પણ UNSC દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. 

પાકિસ્તાન-અફઘાનિસ્તાનને લઈને પણ મહત્વપૂર્ણ ખુલાસો

આ રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, AQIS હવે બાંગ્લાદેશમાં પોતાના સ્લીપર સેલ્સ અને નવા ઠેકાણા ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી દક્ષિણ એશિયામાં તેનો ભય વધી શકે છે.  યુએનના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પારથી થતા હુમલામાં તીવ્ર વધારો થયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો પાકિસ્તાન વિરોધી આતંકી જૂથ 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) ને સમર્થન આપી રહ્યા છે, જેના કારણે પાકિસ્તાની સુરક્ષા દળો પરના હુમલા વધ્યા છે અને બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણો થઈ રહી છે.  

 

આતંકીઓના હાથમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 

આ રિપોર્ટમાં સૌથી ચિંતાજનક દાવો કરવામાં આવ્યો છે કે, આ આતંકી સંગઠનો હવે બોમ્બ બનાવવાની રીતો શોધવા અને લક્ષ્યાંક નક્કી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સની મદદ લઈ રહ્યા છે. જ્યારે ISIL-K જેવા જૂથો પોતાની ઉશ્કેરણીજનક પ્રચાર સામગ્રીનું વિવિધ ભાષાઓમાં ઝડપથી ભાષાંતર કરવા માટે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.