Sun Sep 06 2026

Logo

એક નાનકડી ભૂલ અને તમારો પાસપોર્ટ થઈ જશે ઈનવેલિડ, તમે પણ તો નથી કરતાં ને આ ભૂલ?

2026-02-24 17:35:05
Author: Darshana Visaria
એક નાનકડી ભૂલ અને તમારો પાસપોર્ટ થઈ જશે ઈનવેલિડ, તમે પણ તો નથી કરતાં ને આ ભૂલ?

AI Generated Images


ઘણા પ્રવાસીઓને આદત હોય છે કે તેઓ જ્યારે કોઈ પ્રખ્યાત પર્યટન સ્થળ અથવા ઐતિહાસિક સ્મારકની મુલાકાત લે છે, ત્યારે યાદગિરી તરીકે જે-તે દેશના 'ટૂરિસ્ટ સ્ટેમ્પ' (Souvenir Stamps) પોતાના પાસપોર્ટ પર લગાવડાવે છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન, આ એક નાનકડો શોખ તમારા પાસપોર્ટને ઈનવેલિડ બનાવી શકે છે અને એરપોર્ટ પરથી જ તમને પાછા મોકલી શકાય છે. પરંતુ ઘણી વખત કેટલીક એવી નાનકડી ભૂલ થઈ જાય છે જેને કારણે તમારા વિદેશયાત્રા પર રોક લાગી શકે છે. 

પાસપોર્ટ એ એક સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, પાસપોર્ટના પેજ માત્ર અધિકૃત સરકારી એજન્સીઓ (જેમ કે ઈમિગ્રેશન વિભાગ અથવા કોન્સ્યુલેટ) દ્વારા લગાવવામાં આવતા વિઝા અને એન્ટ્રી-એક્ઝિટ સિક્કાઓ માટે જ હોય છે. 

જો તમે કોઈ થીમ પાર્ક, ચેકપોઈન્ટ કે પ્રવાસન સ્થળના બિનસત્તાવાર સિક્કા પાસપોર્ટ પર લગાવડાવો છો, તો તેને 'ડોક્યુમેન્ટ ટેમ્પરિંગ' અથવા દસ્તાવેજ સાથે છેડછાડ માનવામાં આવે છે. ઘણા દેશોના ઈમિગ્રેશન અધિકારીઓ આવા પાસપોર્ટને સ્વીકારતા નથી અને તમને ફ્લાઈટમાં બોર્ડિંગ કરતાં રોકી શકે છે. 

તાજેતરમાં જ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પ્રવાસીઓએ મચુ પિચ્ચુ (પેરુ), ચેકપોઈન્ટ ચાર્લી (બર્લિન) અથવા ફુજી માઉન્ટેન (જાપાન) જેવા સ્થળોના સિક્કા પાસપોર્ટમાં લગાવડાવ્યા હતા અને ત્યારબાદ તેમને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવ્યા હતા. એરલાઈન્સ અને ઈમિગ્રેશન વિભાગનું કહેવું છે કે આવા સિક્કા પાસપોર્ટની સુરક્ષા વિશેષતાઓને નુકસાન પહોંચાડી શકે છે. 

શું ધ્યાન રાખવું?
⦁    માત્ર સત્તાવાર સિક્કા: પાસપોર્ટમાં માત્ર ઈમિગ્રેશન ઓફિસર દ્વારા જ સિક્કા લાગવા જોઈએ.
⦁    યાદ માટે ડાયરી રાખો: જો તમને સિક્કા એકત્રિત કરવાનો શોખ હોય, તો એક અલગ 'ટ્રાવેલ ડાયરી' રાખો, જેમાં તમે આ ટૂરિસ્ટ સ્ટેમ્પ લગાવી શકો.
⦁    પાસપોર્ટની સ્થિતિ: પાસપોર્ટ પર કંઈ પણ લખવું, ચિતરવું કે સ્ટીકર ચોંટાડવું જોખમી સાબિત થઈ શકે છે. 

જો તમારા પાસપોર્ટ પર પહેલેથી જ આવો કોઈ સિક્કો લાગી ગયો હોય, તો મુસાફરી કરતાં પહેલાં પાસપોર્ટ ઓફિસની સલાહ લેવી અથવા નવો પાસપોર્ટ કઢાવી લેવો હિતાવહ છે. છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...