Thu May 28 2026

Logo

‘યુનિવર્સ બૉસ' ક્રિસ ગેઇલે નવા સિક્સર કિંગ વૈભવ સૂર્યવંશીને આપી દીધું આ નામ...

2026-05-28 09:50:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit : BCCI


ન્યૂ ચંડીગઢ/કિંગસ્ટન: 15 વર્ષ અને 62 દિવસની ઉંમરના બિહારી ટેણિયા વૈભવ સૂર્યવંશીએ બુધવારે અહીં મુલ્લાંપુરના સ્ટેડિયમમાં (97 રન, 29 બૉલ, બાર સિક્સર, પાંચ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સમાં બૅટિંગ-લેજન્ડ ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડ્યો એનાથી વૈભવે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી જ લીધા, ખુદ ગેઇલ (Gayle) પણ તેની પ્રશંસા કરવાનું ચૂક્યો નથી.

રાજસ્થાને હૈદરાબાદને આઈપીએલ-2026ના એલિમિનેટરમાં 47 રનથી હરાવી દીધું ત્યાર બાદ તરત જ ક્રિસ ગેઇલે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા હેન્ડલ પર વૈભવ (Vaibhav)ને અભિનંદન આપ્યા હતા અને પોસ્ટમાં શાનદાર ગ્રાફિકવાળી તસવીર શૅર કરી હતી જેમાં ‘યુનિવર્સલ બૅબી બૉસ 97 (29)' લખ્યું હતું.

વૈભવે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગાનો ગેઇલનો વિક્રમ તોડ્યો છે. વૈભવના ખાતે હવે 65 સિક્સર છે અને આ ટૂર્નામેન્ટમાં તેણે હજી રમવાનું બાકી છે.

 

ગેઇલ ‘યુનિવર્સ બૉસ' તરીકે ઓળખાય છે

ટી-20 ફોર્મેટનો સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન ગણાતો વેસ્ટ ઇન્ડિઝનો મહાન ખેલાડી ક્રિસ ગેઇલ વર્ષોથી ‘યુનિવર્સ બૉસ' તરીકે ઓળખાય છે. તેણે ટી-20 ફોર્મેટમાં કુલ 1,056 છગ્ગા ફટકાર્યા છે જે વિશ્વભરના બૅટ્સમેનોમાં હાઈએસ્ટ છે.

ખુદ ગેઇલે મીડિયામાં વૈભવના ભરપેટ વખાણ કરતા લખ્યું, ‘વૈભવ કેટલો અસાધારણ અને અદ્ભૂત પ્લેયર છે. યુવા ખેલાડી, તેં મજા કરાવી દીધી. ન્યૂ સિક્સ મશીન.'

કોઈ યુવા ખેલાડીને ખુદ ગેઇલ ‘સિક્સ મશીન' નામ આપે એ સાબિત કરે છે કે વૈભવે કેવા પ્રકારના પાવર-હિટિંગનું પ્રદર્શન કર્યું છે.

વૈભવ પાસે ઑરેન્જ કૅપ

વૈભવે આઇપીએલની આ સીઝનમાં 680 રન બનાવ્યા છે અને ઑરેન્જ કૅપ તેના માથે છે. તેણે ગુજરાતના સાઇ સુદર્શન (652)ને પાછળ મૂકી દીધો છે.