Thu Sep 03 2026

Logo

ઉદ્ધવ ઠાકરે એક્શનમાં: વિધાનસભ્યોને ‘માતોશ્રી’ તેડાવ્યા, શું બળવાની આગ ઠરશે?

2026-07-05 21:37:25
Author: Mumbai Samachar Team
ઉદ્ધવ ઠાકરે એક્શનમાં: વિધાનસભ્યોને ‘માતોશ્રી’ તેડાવ્યા, શું બળવાની આગ ઠરશે?

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથના છ સાંસદોના બળવા અને આદિત્ય ઠાકરેના નજીકના વિશ્વાસુ અને ઠાકરે જૂથના નેતા સચિન આહિરે પક્ષ બદલીને શિવસેનાના શિંદે જૂથમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના છ સાંસદોએ બળવો કર્યો તે પહેલાં જ, ઉદ્ધવ ઠાકરેએ સાંસદોની બેઠક બોલાવી હતી ત્યાર બાદ, ઉદ્ધવ ઠાકરેએ તેમના મતવિસ્તારની મુલાકાત લઈને તેમની આકરી ટીકા કરી. ત્યાર બાદ, મુંબઈ પાછા ફર્યા પછી તરત જ, સચિન આહિરે બળવો કર્યો. જોકે, ઉદ્ધવ ઠાકરેએ પક્ષમાં વધુ કોઈ બળવો ન થાય તે માટે આગામી મંગળવારે સાંજે ૭ વાગ્યે 'માતોશ્રી' ખાતે તમામ વિધાનસભ્યોની તાકીદની બેઠક બોલાવી છે

શિંદે જૂથમાં જોડાતાની સાથે જ આહિરની વિધાન પરિષદના ઉપસભાપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સચિન આહિરના ઠાકરે જૂથ છોડવાથી ઉદ્ધવ ઠાકરેને વધુ મોટો ફટકો પડ્યો હતો. 

આ દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે શિવસેના (ઠાકરે જૂથ)ના કેટલાક ધારાસભ્યો એકનાથ શિંદેના સંપર્કમાં છે અને ગમે ત્યારે બળવો થઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ પક્ષના ધારાસભ્યોના અપેક્ષિત બળવાને રોકવા માટે 'માતોશ્રી' ખાતે એક તાકીદની બેઠક બોલાવી છે. તેમના નિર્દેશ અનુસાર, પક્ષના તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને આગામી મંગળવારે સાંજે ૭ વાગ્યે બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે કે ધારાસભ્યો કોઈ પણ સંજોગોમાં પક્ષ છોડીને ન જાય.