Mon Sep 07 2026

Logo

‘સનાતનનો નાશ થવો જોઈએ’ ઉદયનિધિ સ્ટાલિને ફરી આપ્યું નિવેદન, શું CM વિજય લેશે એક્શન?

2026-05-12 15:23:00
Author: Savan Zalariya
‘સનાતનનો નાશ થવો જોઈએ’ ઉદયનિધિ સ્ટાલિને ફરી આપ્યું નિવેદન, શું CM વિજય લેશે એક્શન?

ચેન્નઈ: વર્ષ 2023માં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને એક જાહેર સભામાં ‘સનાતનના સંપૂર્ણ નાશ’ અંગે વાત કરી હતી, આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો, ભાજપ અને હિન્દુત્વવાદી સંગઠનોએ તેમની સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે વિધાનસભા ચૂંટણીમાં DMKની હાર થઇ છે, હાર બાદ પણ ઉદયનિધિ સ્ટાલિને પોતાની વલણ જાળવી રાખ્યું છે, તેમણે વિધાનસભાના ગૃહમાં ફરી આ વાત કહી છે.

પોતાના વિવાદાસ્પદ નિવેદનનું પુનરાવર્તન કરતા વિધાનસભા ગૃહમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે સનાતનનો સંપૂર્ણ નાશ થવો જોઈએ. તેમણે આ નિવેદન આપ્યું ત્યારે મુખ્ય પ્રધાન વિજય તેમની સામે જ બેઠા હતાં.  

ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વાર આવું નિવેદન આપતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. અગાઉ જ્યારે તેમણે આવું નિવેદન આપ્યું હતું, ત્યારે તેમના પિતા એમ કે સ્ટાલિન મુખ્ય પ્રધાન હતાં. હવે રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ મુખ્ય પ્રધાન બનેલા વિજય શું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે કે સનાતન ધર્મમાં માનવવા વાળા કરોડો લોકોની  લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ વિજય ઉદયનિધિ સ્ટાલિન અને DMKની ટીકા કરશે કે નહીં?

નોંધનીય છે કે ઉદયનિધિએ અગાઉ સપ્ટેમ્બર 2023 માં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઇટર્સના કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેને નાબૂદ કરવો જોઈએ. 

તમિલનાડુના તત્કાલીન રમતગમત અને યુવા બાબતોના પ્રધાન ઉદયનિધિએ સનાતન ધર્મને  ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છર સાથે સરખાવ્યું હતું અને તેને નાબુદ કરવા હાકલ કરી હતી.

તેમણે કહ્યું હતું, “સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેનો નાશ જ કરવો જોઈએ.”