થાણે: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચ આપી અનેક લોકો પાસેથી એક કરોડથી વધુ રૂપિયા પડાવનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી નવી મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શિવમ વિનોદકુમાર દુબે (29) અને સુજિત માસીચરણ વારિમિકી (30) તરીકે થઈ હતી. બન્ને આરોપી થાણે જિલ્લાના રહેવાસી છે. જોકે બન્ને જણ કૉલ સેન્ટર સાથે કઈ રીતે જોડાયેલા છે તે અંગે પોલીસે કોઈ ચોખવટ કરી નહોતી.
મળેલી માહિતીને આધારે પોલીસની ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર યુનિટના અધિકારીઓએ ગુરુવારે કાર્યવાહી કરી હતી. રબાળે એમઆઈડીસી પોલીસની હદમાં આવેલા મ્હાપેના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાંથી ઑપરેટ થતા કૉલ સેન્ટર પર રેઇડ કરવામાં આવી હતી.
પોલીસે રેઇડ કરી ત્યારે કૉલ સેન્ટરમાં બાવીસ યુવક-યુવતી કામ કરતાં હતાં, જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને વૉટ્સઍપ ચૅટ્સ અને ફોન કૉલ્સથી ગ્રાહકો સાથે સંપર્કમાં હતાં.
શૅર માર્કેટ રિસર્ટ કંપનીના નામ હેઠળ આ કૉલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. કંપનીના કર્મચારીઓ ઈન્ટ્રાડે અને ઈક્વિટી સ્ટૉક ટ્રેડિંગમાં રોકાણની ઉત્તમ તકનો દાવો કરીને રોકાણકારોનો સંપર્ક સાધતા હતા.
કમ્પુટર્સમાંથી રિકવર કરાયેલી ચૅટ્સ દર્શાવે છે કે આ કંપની મારફત શૅરબજારમાં રોકાણ કરવામાં આવે તો ઊંચું વળતર મળવાની ખાતરી રોકાણકારોને આપવામાં આવતી હતી. ઑપરેટર્સ દ્વારા આપવામાં બૅન્ક ખાતાઓમાં રોકાણકારોને નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતું હતું.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે લિંક મોકલાવીને રોકાણકારો સાથે એક કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી આચરાઈ હતી. કૉલ સેન્ટર દ્વારા રોકાણકારોને આપવામાં આવેલી લિંકની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એ બૅન્ક ખાતાંનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવા બદલ દેશમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ સાયબર ફ્રોડના કેસ નોંધાયેલા છે. (પીટીઆઈ)