જેલમાં જ બંધ છે સાસુ ગિરિબાલાના ૨૯ દુશ્મનો, પુરાવા સાથે ચેડાંની આશંકા!
નવી દિલ્હીઃ ટ્વિશા શર્મા ડેથ કેસમાં આરોપી સાસુ ગિરિબાલા અને પતિ સમર્થને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળવાના મામલે ભારે હોબાળો મચ્યા બાદ જેલ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વિવાદ વકરતા જેલ વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લઈને બંને આરોપીઓને જેલની હોસ્પિટલના વોર્ડમાંથી સામાન્ય બેરેકમાં શિફ્ટ કરી દીધા છે. આ ઘટનાને પગલે જેલની કાર્યપ્રણાલી પર પણ લોકો અને મીડિયાની નજર મંડરાયેલી છે.
બીજી તરફ, કોર્ટના આદેશ બાદ જેલ તંત્ર ગિરિબાલાની સુરક્ષાને લઈને અત્યંત સતર્ક થઈ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાના ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને CCTV કેમેરાની સંખ્યામાં પણ વધારો કરાયો છે. ગિરિબાલાને આ સુરક્ષા આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેઓ 15 જુલાઈ 2021થી 28 ફેબ્રુઆરી 2023 સુધી ભોપાલ જિલ્લા કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જે ગુનેગારોને સજા સંભળાવી હતી, તેમાંથી 29 જેટલા કેદીઓ હાલ આ જ જેલમાં સજા કાપી રહ્યા છે.
આ સમગ્ર મામલામાં પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્વિષાના મૃત્યુ માટે જે ફાંસાનો ઉપયોગ થયો હતો, તે ફાંસા (લિગેચર)ની જપ્તી કોઈ પણ પ્રકારની નિશાનદેહી (ઓળખ અથવા ખરાઈ) વિના જ કરવામાં આવી હતી. આના કારણે હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે પોલીસે જે ફાંસો જપ્ત કર્યો છે તે ખરેખર અસલી છે કે કેમ? આ ઘટનાથી પોલીસની તપાસ પ્રક્રિયા અને કાર્યપ્રણાલી પર ગંભીર શંકાઓ ઊભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, 12 મેના ટ્વિશાના મૃત્યુ બાદ 13 મેના કટારા હિલ્સ પોલીસ સ્ટેશનના SI ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃતકનું લેપટોપ અને ફોન જપ્ત કર્યા હતા અને તે જ સમયે ફાંસો પણ જપ્ત કર્યો હતો.
જો કે તે સમયે બે મુખ્ય સાક્ષીઓ એટલે કે સાસુ ગિરિબાલા અને પતિ સમર્થ ત્યાં હાજર હોવા છતાં, પોલીસ દ્વારા કોઈ પંચનામું કરવામાં આવ્યું નહોતું. નિયમો મુજબ, જ્યારે પણ ફાંસા જેવો મહત્વનો પુરાવો જપ્ત કરવાનો હોય ત્યારે હાજર લોકોનું પણ પંચનામું ચોક્કસપણે કરવામાં આવે છે, આ નિયમ અહી નેવે મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો છે.