Wed Jun 17 2026

Logo

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો મોકલવા અંગે ટ્રમ્પની અપીલ ફગાવતા અનેક દેશો, અમેરિકા એકલું પડ્યું...

tehran   2026-03-16 22:18:43
Author: Tejas Soni
Article Image

AI Generated Images


તહેરાન: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ભીષણ જંગને આજે 16 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધની સૌથી મોટી અસર વૈશ્વિક વેપારના મહત્વના માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની ખાડી) પર પડી રહી છે. આ દરિયાઈ માર્ગે થતી જહાજોની અવરજવર ખોરવાતા વિશ્વભરમાં ઉર્જા સંકટ તોળાઈ રહ્યું છે. આ માર્ગને સુરક્ષિત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશોને યુદ્ધજહાજો મોકલવા હાકલ કરી હતી, પરંતુ ટ્રમ્પની આ આશા પર પાણી ફરી વળતું દેખાય છે.

હોર્મુઝની ખાડીમાં સુરક્ષા અભિયાન શરૂ કરવાની ટ્રમ્પની યોજનાને યુરોપિયન દેશો તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનના પ્રધાન મંત્રી કીરે સ્ટારમરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખાડી માર્ગ ખોલવા માટે સહયોગીઓ સાથે યોજના બનાવી રહ્યા છે, પરંતુ તે કોઈપણ સંજોગોમાં 'નાટો' (NATO) મિશન નહીં હોય. બીજી તરફ, જર્મનીએ અત્યંત આકરા શબ્દોમાં આ માંગ ફગાવી દીધી છે. જર્મનીના રક્ષા મંત્રી બોરિસ પિસ્ટોરિયસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આ અમારું યુદ્ધ નથી અને અમે તેને શરૂ પણ કર્યું નથી," તેથી તેઓ વોરશિપ મોકલવાના પક્ષમાં નથી.

માત્ર યુરોપ જ નહીં, પરંતુ એશિયાના શક્તિશાળી દેશો પણ આ સંઘર્ષમાં સીધા ઉતરવા તૈયાર નથી. જાપાનના રક્ષા મંત્રી શિન્જીરો કોઈઝુમીએ સંસદમાં સ્પષ્ટ કર્યું કે ઈરાનની વર્તમાન સ્થિતિ જોતા તેઓ કોઈ દરિયાઈ સુરક્ષા અભિયાન શરૂ કરવા વિચારતા નથી. દક્ષિણ કોરિયાએ પણ અત્યારે કોઈ ચોક્કસ નિર્ણય લેવાનું ટાળ્યું છે અને જણાવ્યું છે કે તેઓ અમેરિકા સાથે સંવાદ કરશે પરંતુ નિર્ણય સાવચેતીપૂર્વક લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ પણ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે તેઓ હોર્મુઝની ખાડીમાં કોઈ નૌકાદળ મોકલશે નહીં.

જ્યારે પશ્ચિમી દેશો ઈનકાર કરી રહ્યા છે, ત્યારે ચીનનું વલણ હજુ પણ અસ્પષ્ટ છે. વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસે ટ્રમ્પની અપીલ સ્વીકારવા અંગે મૌન સેવ્યું છે, જોકે તેમણે એટલું ચોક્કસ કહ્યું કે ઉર્જા પૂરવઠો સ્થિર રહે તે જોવાની જવાબદારી તમામ પક્ષોની છે. હોર્મુઝની ખાડી એ વિશ્વના તેલ વેપાર માટેની લાઈફલાઈન છે, અને જો મોટા દેશો સહયોગ નહીં આપે તો અમેરિકા માટે આ માર્ગ સુરક્ષિત રાખવો અત્યંત પડકારજનક બની રહેશે. આગામી દિવસોમાં આ વૈશ્વિક ખેંચતાણ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.