નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાની નજીક છે. બંને દેશો હવે એક ડીલ (સમજૂતી) ફાઈનલ કરવા જઈ રહ્યા છે. આ નિર્ણયથી જ્યાં સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે, તો બીજી તરફ મુસ્લિમ દેશો માટે એક નવી મુસીબત આવવાની છે. ટ્રમ્પ મુસ્લિમ અને આરબ દેશો પર ઈઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય કરવા માટે દબાણ કરી રહ્યા છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાતચીતનો હેતુ ઈરાન સાથે આકાર લઈ રહેલી ડીલ પર ચર્ચા કરવાનો હતો. આ દરમિયાન યુએઈ (UAE)ના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદ જેવા નેતાઓએ આ ડીલનું સમર્થન કર્યું હતું. અમેરિકી અધિકારીઓ મુજબ, ટ્રમ્પે નેતાઓને કહ્યું કે તેઓ હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કરવા જઈ રહ્યા છે અને આશા રાખે છે કે ટૂંક સમયમાં જ ઈઝરાયેલના નેતા પણ આ પ્રકારની વાતચીતમાં જોડાશે.
ટ્રમ્પની નવી માંગ મુસ્લિમ દેશો માટે મોટી મુશ્કેલી બની
આ પછી ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઈરાન યુદ્ધ સમાપ્ત થયા પછી જે દેશો હજી સુધી 'અબ્રાહમ કરાર' (Abraham Accords)નો ભાગ નથી બન્યા અથવા જેમના ઈઝરાયેલ સાથે શાંતિ કરાર નથી, તેમણે આગળ આવીને ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા જોઈએ. આ વાતને લઇને ફોન કોલ દરમિયાન માહોલ બદલાઈ ગયો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન જેવા દેશોના નેતાઓ, જેમના ઈઝરાયેલ સાથે કોઈ સત્તાવાર રાજદ્વારી સંબંધો નથી, તેઓ ટ્રમ્પની આ માંગથી આશ્ચર્યચકિત થઈ ગયા.
ટ્રમ્પની વાત શું સાઉદી અરબ માનશે?
રિપબ્લિકન સિનેટર લિન્ડસે ગ્રાહમે પણ ટ્રમ્પની આ પહેલનું સમર્થન કર્યું છે. ગ્રાહમે એક્સ (X) પર લખ્યું, 'જો ઈરાન સંઘર્ષ ખતમ કરવા માટેની વાતચીતના પરિણામ રૂપે આપણા આરબ અને મુસ્લિમ સહયોગી દેશો અબ્રાહમ કરારમાં સામેલ થાય છે, તો આ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)ના ઈતિહાસના સૌથી મોટા કરારોમાંનો એક હશે.'
ગયા નવેમ્બરમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પે મોહમ્મદ બિન સલમાનને અબ્રાહમ કરારમાં સામેલ થવા માટે કહ્યું હતું, પરંતુ સાઉદી પ્રિન્સે તેનો વિરોધ કર્યો હતો અને વાતચીત તણાવપૂર્ણ બની ગઈ હતી.