Sat May 02 2026

Logo

ટ્રમ્પની ખતરનાક યોજના: ઈરાનમાંથી 450 કિલો યુરેનિયમ જપ્ત કરવા ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી!

Washington DC   2026-03-31 08:42:00
Author: Mumbaisamachar Team
Article Image

વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા હવે એક અત્યંત જટિલ અને જોખમી સૈન્ય મિશન પર વિચાર કરી રહ્યું હોય તેમ જણાય છે. મીડિયા અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ક્રિય કરવા માટે તેના સંવર્ધિત યુરેનિયમ ભંડારને જપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવાનો છે, જે આધુનિક યુગનું સૌથી ખતરનાક ગ્રાઉન્ડ ઓપરેશન સાબિત થઈ શકે છે.

અહેવાલ અનુસાર, ઈરાન પાસે હાલમાં આશરે 450 કિલોગ્રામ જેટલું અત્યંત સંવર્ધિત યુરેનિયમ (HEU) હોવાનો અંદાજ છે, જેમાંથી 10 થી 11 જેટલા શક્તિશાળી પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. અમેરિકી વિશેષ દળો (Special Forces) ઈરાની સરહદમાં ઘૂસીને આ જથ્થો બહાર કાઢવા માટે ગ્રાઉન્ડ ઓપરેશન કરી શકે છે. આ મિશન માત્ર કલાકોનું નહીં પણ કેટલાક દિવસો સુધી ચાલી શકે છે, જેમાં અમેરિકી સૈનિકોએ પ્રતિકૂળ ઈરાની પ્રદેશમાં રહીને યુરેનિયમ રિકવર કરવાનું રહેશે. જોકે, ટ્રમ્પે હજુ આ અંગે અંતિમ મહોર મારી નથી, પરંતુ તેઓ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

અમેરિકા આવું જોખમ લેવા પાછળનું કારણ ભૂતકાળની સફળતા છે. 1994માં સોવિયત સંઘના વિઘટન બાદ કઝાકિસ્તાનમાં લાવારિસ પડેલા ૬૦૦ કિલો યુરેનિયમને સુરક્ષિત બહાર કાઢવા 'પ્રોજેક્ટ સફાયર' હાથ ધરવામાં આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ગુપ્ત મિશન દ્વારા આ જથ્થો અમેરિકા પહોંચાડ્યો હતો જેથી તે આતંકીઓના હાથમાં ન જાય. તે સમયે ૩૧ સભ્યોની ટીમે ચાર અઠવાડિયા સુધી ગુપ્ત રીતે કામ કરીને ૨૦ પરમાણુ બોમ્બ બની શકે તેટલો યુરેનિયમનો જથ્થો ટેનેસીના સુરક્ષિત કોમ્પ્લેક્સમાં પહોંચાડ્યો હતો.

જોકે, કઝાકિસ્તાન અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત છે. કઝાકિસ્તાનમાં તે એક રાજદ્વારી અને સહયોગી મિશન હતું, જ્યાં સ્થાનિક સરકારની સંમતિ હતી. તેની સામે ઈરાન એક દુશ્મન દેશ તરીકે ઉભું છે, જે કોઈપણ હુમલાનો જવાબ મિસાઈલો અને ડ્રોનથી આપવા સક્ષમ છે. ઈસ્ફહાનની ભૂગર્ભ ટનલ અને બંકરોમાં રાખેલા 'યુરેનિયમ હેક્સ ફ્લોરાઈડ' (UF6) ગેસના સિલિન્ડરોને યુદ્ધના માહોલમાં બહાર કાઢવા એ જીવના જોખમ સમાન છે. આ કોઈ સામાન્ય મિશન નથી, પણ સીધા જંગને આમંત્રણ આપવા જેવી સ્થિતિ છે.