Sun Aug 23 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટ્રોન્ડહાઇમ-કથિડ્રાલ-રંગીન આર્કિટેક્ચર ને હાઇક ટ્રેલ છતાંય, સ્ટોપઓવર ટાઉન...

2026-08-08 08:32:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

હાલમાં જર્મનીના હીટ-વેવમાં નોર્વેનો 25 ડિગ્રીનો ઉનાળો ખાસ યાદ આવે છે. જોકે જે દિવસે અમે ટ્રોન્ડહાઇમમાં હતાં તે દિવસે જરાય વાદળ વિના સતત 25 ડિગ્રી હતી અને નોર્વેમાં પરસેવો કોને કહેવાય તે પણ ખબર પડવા લાગી હતી. ખરેખર દુનિયાના અલગ અલગ ખૂણામાં કેટલી ડિગ્રી ટૂ-મચ કહેવાય તેની વ્યાખ્યા અલગ હોય છે. 

અહીં બુવિકામાં સવારમાં 20 ડિગ્રીમાં પણ અમદાવાદની 40 ડિગ્રી યાદ આવતી હતી. એવામાં ટ્રોન્ડહાઇમ માટે અમે અત્યંત ભારે મને ઘરેથી નીકળેલાં. કોઈને તે ફ્યોર્ડ કિનારે મજાથી ગોઠવાયેલા રો-હાઉસમાંથી તૈયાર થઈને બહાર નીકળવાની ઇચ્છા હતી જ નહીં. ત્યાં સોસાયટીનાં લોકો ફ્યોર્ડનો પ્રાઇવેટ પૂલની જેમ ઉપયોગ કરી રહૃાાં હતાં. અમે પણ સવારમાં ત્યાં ડૂબકી મારવાનો ચાન્સ છોડ્યો નહીં. જોકે તેમાં ટ્રોન્ડહાઇમની સિટી ટ્રિપમાં મોડું થઈ ગયું.

ટ્રોન્ડહાઇમમાં કાર અન્ડરગ્રાઉન્ડમાં પાર્ક કરીને અમે પગે શહેર ખેડવાનો પ્લાન તો બનાવી લીધો હતો, પણ પછી બધે છાંયામાં ચાલવા માટે રસ્તા બદલવા પર વાત આવી ગઈ હતી. થોડી વાર માટે અમે એક મોલ અને વ્હેલ મ્યુઝિયમમાં પણ ઘૂસ્યાં. જોકે તેમાં ઘણી નવી જાણકારી પણ મળી જ. ત્યાં પહોંચતાની સાથે જ ઘણો સમય તો સાઇકલ કે સ્લાઇડર સ્કૂટર ભાડે કઈ રીતે લેવું તે તપાસ અને ચર્ચામાં વીતી ગયો. 

પ્લાનથી બહાર આવું કંઇક કરવાનું જો તાત્કાલિક મળી જાય તો મેળ પડી જાય, પણ તે દિવસે સન-ડે પણ હતો, એટલે ઘણી આવી ફેસિલિટીની ઓફિસો બંધ હતી. બધું સેલ્ફ સર્વિસ માટે ખુલ્લું હતું અને અમારા જર્મની અને અમેરિકાનાં ક્રેડિટકાર્ડ પર રજિસ્ટર કરીને આગળ વધવાનું શક્ય બન્યું નહીં. અંતે અમે સ્વીકારી લીધું કે ટ્રોન્ડહાઇમમાં અમારે ચાલવું જ પડશે અને અહીંની ગરમીનો પણ કોઈ ઉપાય નથી, અમારો આગળનો રસ્તો જરા સરળ બની ગયો. થોડી જ વારમાં આ શહેર અમારી સામે એવી રીતે ખૂલી ગયું કે અમને પ્રશ્ન થવા લાગ્યો કે આવું અનોખું શહેર નોર્વેના મેઇનસ્ટ્રીમ ડેસ્ટિનેશનના લિસ્ટમાં કેમ નથી? 

મોટાભાગનાં લોકો ટ્રોન્ડહાઇમમાં `રસ્તામાં આવે છે તો જોઈ લઈએ', એ મૂડથી આવતાં હોય છે. અમાં પણ કંઇક એવું જ હતું. અમારે હવે ન હાઇક કરવું હતું, ન કોઈ મોટા પ્લાન હતા, એવામાં શહેરનું કથિડ્રાલ જોવા માટે અડધો કલાક તડકામાં ચાલવું પડ્યું તે બધાને ખટક્યું તો હતું જ. રસ્તામાં એક બ્રિજ આવ્યો. નિડેલ્વા નદી છેક કથિડ્રાલ સુધી સાથે આવી. બધે જિરેનિયમનાં લાલ ફૂલો વચ્ચે લોકો મજા કરવા નીકળેલાં. કાફે અને બાર ભરેલાં હતાં. રસ્તામાં જિલાટો ટ્રકનો અમે પણ ઉપયોગ કર્યો. જિલાટો ખાઈને જે ઠંડક મળી હતી તે માંડ વીસ મિનિટ ચાલી. 

કથિડ્રાલ, ચોક, માણસો, કાફે, આમ્બિયાન્સ, આ બધું તો યુરોપના દરેક શહેરમાં છે. એટલે જ કદાચ લોકો ટ્રોન્ડહાઇમને સ્ટોપઓવર શહેરની જેમ ટ્રીટ કરીને અહીંથી આગળ ચાલતાં થાય છે. ઓસ્લો અને બર્ગન પછી આમ પણ આ ત્રીજા નંબરનું મોટું શહેર છે. અહીં ઘણી નોકરીઓ તો છે જ, એ તો અહીં રસ્તે દેખાતાં લોકલ બની ચૂકેલાં ભારતીયો જોઈને જ સમજી શકાતું હતું, પણ અહીં ટૂરિસ્ટને જકડી રાખે તેવું ખાસ કંઈ નથી. હા, શિયાળામાં અહીં કથિડ્રાલ પર પણ ક્યારેક નોર્ધર્ન લાઇટ્સ જોવા મળી જાય છે. એ જરૂર અનોખું લાગતું હશે.

થોડા કલાકોમાં અહીં બીજી એક વાત સ્પષ્ટ થઈ ગઈ. રસ્તામાં ઘણાં યુવાનો દેખાતાં હતાં. આ વૃદ્ધ યુરોપિયન શહેર ન હતું. અહીં જોબ્સ અને કંપનીઓ સાથે યુનિવર્સિટી પણ છે. ટ્રોન્ડહાઇમના એક પછી એક પ્લસ પોઇન્ટ્સ અમારી સામે આવ્યે જતા હતા. જોકે તે બધાં ગરમી અને અકળામણ સામે ટકીને લડી શકે એટલા સક્ષમ લાગતા ન હતા. અહીં મિટ્બ્યેન તરીકે ઓળખાતા સિટી સેન્ટરની છ કિલોમીટરની સર્કિટ હતી, તેને પતાવવામાં હાંફી રહૃાાં, પણ ટ્રોન્ડહાઇમ અમાં નોર્વેનું મનપસંદ શહેર બની શક્યું નહીં. 

અહીં ખરેખર થોડો એક્ટિવિટી સાથે સમય વિતાવો તો જ કદાચ આ શહેર વધુ યાદગાર લાગે. બાકી હવે અમે ઓસ્લો પહોંચીને કયો ઓપરા શો જોઈશું અને કયા મ્યુઝિયમમાં કેટલો સમય વિતાવીશું એ ચર્ચા પર આવી ગયાં હતાં. અહીં એક કાફેમાં બેઠાં એ પણ નોવેલ્ટીવાળું તો હતું જ, પણ આજકાલ દુનિયાભરનાં કાફે જાણે એકસરખાં બની ગયાં છે. બધે એક જ વાઇબ હોય તેવુંં લાગતું હતું. એવામાં એ કાફે અમને ટ્રોન્ડહાઇમ સાથે કનેક્ટ કરવાને બદલે અમારા આવનારા સ્ટે્રચનું પ્લાનિંગ કરવા માટે પ્રેરતું હતું. 

ઇલાબેક્કેન પાસે અમે લેક તરફની એક નાનકડી ટે્રક પણ લઈ જોઈ. ત્યાં પણ અંતે તો બધાં જઈને પાણીમાં જ પડતાં હતાં. નિડારોસ કથિડ્રાલની આસપાસ વૃક્ષો અને ઐતિહાસિક ઇમારતની છાંવમાં લોકો પિકનિક મેટ પાથરીને ફેલાયેલાં હતાં. શહેરનું આર્કિટેક્ચર, એસોટેરિક આર્ટ અને ઇમારતોના રંગો તો ખાસ યાદ રહી ગયાં છે. જો ટ્રોન્ડહાઇમમાં જ રોકાયાં હોત અને મોસમ જરા હળવી હોત તો કદાચ શહેર વધુ રિલેક્સ થઈને માણી શકાયું હોત.  

એક સમયે ફિશિંગ મ્યુઝિયમમાં અમે અહીં કઈ રીતે માછીમારી થાય છે, કયા પ્રકારની માછલીઓ દુનિયાભરમાં એક્સપોર્ટ થાય છે અને નોર્વેનો ફિશિંગનો ઉદ્યોગ પણ પેટ્રોલિયમ જેટલો જ મહત્ત્વનો છે, તે વાત પણ એક ડોક્યુમેન્ટ્રી જોતાં જોતાં ઝોંકા પણ ખાઈ આવ્યાં. ત્યાં એસીમાં જરા હળવાશ અનુભવાતી હતી. તેમાં બધાનો માછલીઓ વિષે વધુ જાણવાનો ઉત્સાહ જાણે બમણો થઈ ગયો હતો. પહેલાં તો પ્લાન હતો કે અહીં હાર્બર પર સનસેટ જોવા રોકાઈશું, પછી યાદ આવ્યું કે અહીં તો મોડી રાત પહેલાં સનસેટ ક્યાં થાય છે. વધુ સમય વેડયા વિના બધાં એકદમ મજાથી ફરી અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કાર પાસે આવ્યાં. આગળની પાર્ટી તો બુવિકામાં ઘરે જ થવાની હતી.