Thu Mar 12 2026

Logo

તૃપ્તિ ડિમરી બહુ ઓછાં સમયમાં ત્રણ-ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મમાં અભિનય

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

મનોરંજનનું મેઘધનુષ -ઉમેશ ત્રિવેદી

ઉત્તરાખંડના ચમૌલીમાં વસનારા પણ પછી દિલ્હી શિફટ થઈ ગયેલા મિનાશ્રી અને દિનેશ ડિમરીને ત્યાં 23 ફેબ્રુઆરી 1994ના જન્મેલી તૃપ્તિ ડિમરીએ બહુ ઓછા સમયમાં બોલીવૂડમાં નામના મેળવી લીધી છે અને તે એક પછી એક બ્લોક બસ્ટર ફિલ્મોમાં અભિનય કરી રહી છે.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધાં પછી તૃપ્તિ અરબિંદો કોલેજમાંથી સાયકોલોજી સાથે સ્નાતક થઈ છે અને તેણે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માંથી અભિનયની તાલીમ મેળવી છે.

2017માં તેને પહેલી ફિલ્મ મળી અને હજી ફિલ્મ દુનિયામાં તેને 10 વર્ષ પણ થયાં નથી ત્યાં ‘એનિમલ’, ‘ભૂલભૂલૈયા-થ્રી’ અને ‘ઓ’રોમિયો’ જેવી ત્રણ - ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મમાં અભિનય કર્યો છે. અભિનય કારકિર્દીની પ્રથમ ફિલ્મમમાં તૃપ્તિને શ્રીદેવી જેવી પ્રતિષ્ઠિત અભિનેત્રી સાથે કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકા સહાયક અભિનેત્રી જેવી હતી.

‘મોમ’ નામની આ ફિલ્મ 2017માં આવી હતી અને શ્રીદેવીની સાથે જ તૃપ્તિ ડિમરીના અભિનયના વખાણ થયા હતા. એ જ વર્ષે એટલે કે 2017માં તેની બીજી ફિલ્મ આવી ‘પોસ્ટર બોયઝ.’ તેમાં તેની સાથે સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તળપદે હતા. જોકે, આ ફિલ્મને બોકસ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળી નહોતી. આ ફિલ્મમાં તે શ્રેયસ તળપદેની હીરોઈન બની હતી.

‘પોસ્ટર બોયઝ’માં તૃપ્તિના અભિનયના વખાણ પણ થયા હતા. 2018માં અવિનાશ તિવારી સાથેની તેની ફિલ્મ ‘લૈલા મજનૂ’ રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ તૃપ્તિના અભિનયના વખાણ થયા હતા, પણ તૃપ્તિને બોકસ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળતી નહોતી.

જોકે, તૃપ્તિને આશા હતી કે એક દિવસ હિન્દી ફિલ્મોમાં તેને સફળતા જરૂર મળશે. 2020માં અન્વિતા દત્તની ફિલ્મ ‘બુલબુલ’ રજૂ થઈ, જે ફિલ્મમાં ડિમરીનો અભિનય ખૂબ વખણાયો હતો. અનુષ્કા શર્માના આ ભાઈ કાર્નેશ  શર્મા નિર્મિત આ એક સુપર નેચરલ ફિલ્મ હતી એ વખતે કાર્નેશ સાથે એના રોમેન્ટિક સંબંધોની વાત બહુ ચગી  હતી... 

2022માં તૃપ્તિ ડિમરીએ ફરી અન્વિતા દત્ત સાથે ફિલ્મ કરી. આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં તૃપ્તિએ પાર્શ્ર્વગાયિકાની ભૂમિકા કરી હતી. આ ફિલ્મ ‘કલા’માં પણ એ છવાઈ ગઈ.  આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2023માં તેની વધુ એક ફિલ્મ રિલીઝ થઈ અને એ ફિલ્મ હતી રણબીર કપૂર સાથેની ‘એનિમલ’. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ચાલી તેનું મુખ્ય કારણ ફિલ્મના તેના ‘બિન્ધાસ્ત’ દૃશ્યો. આ ફિલ્મથી તેની ‘ગ્લેમર ગર્લ’ તરીકેની છાપ પણ ઊભી થઈ. ‘ગ્લેમર ગર્લ’ કરતાં પણ તેની છાપ બિન્ધાસ્ત હિરોઈન તરીકેની ઊભી થઈ અને આ ‘હોટ’ અભિનેત્રીને ત્યાર પછી પાછળ ફરીને જોવાનો સમય જ નથી મળ્યો. તૃપ્તિ ડિમરી એક ‘હોટ’ અભિનેત્રી તરીકે ‘ફેમસ’ થવા લાગી. 2023માં જ તેની ‘બેડ ન્યૂઝ ટુ’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ નામની ફિલ્મ આવી.

 

અહીં સુધી બધું ઠીક હતું પણ 2024માં આવી ‘ભૂલભૂલૈયા-થ્રી’ જેમાં માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની મુખ્ય ભૂમિકા હતી. કાર્તિક આર્યન સાથે તૃપ્તિના દૃશ્યોએ બોકસ ઓફિસ છલકાવી દીધી હતી.

 

આ ફિલ્મે તૃપ્તિને ટોચની અભિનેત્રીની લાઈનમાં જગ્યા આપી દીધી. ત્યારબાદ તૃપ્તિની ‘ધડક-ટુ’ આવી. ફિલ્મમાં હીરો સિદ્ધાંત ચતુર્વેદી હતો. આ ફિલ્મ પણ બોકસ ઓફિસ પર પટકાઈ ગઈ. તૃપ્તિની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાની વાતો ચાલતી હતી, ત્યાં જ આવી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ’ રોમિયો.’

 

આ ફિલ્મથી તૃપ્તિ ફરી ટોચના લેવલમાં પહોંચી ગઈ. હવે તેની આગામી ફિલ્મ પ્રભાસ સાથેની ‘સ્પીરીટ’ છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, પણ તૃપ્તિ તેમાંથી બધા કરતાં અલગ પડી જાય છે. આ ફિલ્મે પણ ખૂબ જ ઓછા સમયમાં સારી એવી કમાણી કરી લીધી છે.

‘સ્પીરીટ’ પછી માધુરી દીક્ષિત સાથેની તેની કોમેડી ફિલ્મ ‘મા બહેન’ રિલીઝ થવાની છે. જે કદાચ ઓટીટી પર જ સીધી રિલીઝ થશે.

 

બહુ જ ઓછા સમયમાં એટલે કે માત્ર નવ-દશ વર્ષની કારકિર્દીમાં ત્રણ-ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મમાં અભિનય કરનારી તૃપ્તિની કારકિર્દીની ગાડી હવે બરાબર જામી ગઈ છે એમ કહી શકાય. આમ પણ આ અભિનેત્રી ફિલ્મોની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરે છે એટલે તેને સફળતા મળતાં કોઈ અટકાવી શકે એમ નથી.

તૃપ્તિ ડિમરી અત્યારે ગોવાના એક બિઝનેસમેન સેમ મર્ચન્ટને ‘ડેટ’ કરી રહી હોવાની વાતો ખૂબ જ ચગી છે. હાલમાં જ તૃપ્તિએ પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે સેમ મર્ચન્ટ પણ ત્યાં હાજર હતો.                  

OTTનું હોટસ્પોટ

27/02/26 થી 6/03/26 સુધી...  ટી-20 વિશ્ર્વ કપની સુપર એઈટ મેચો, સેમિ-ફાઈનલ ને ફાઈનલ

ટી-20 વિશ્ર્વકપનું ફાઈનલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત સેમિફાઈનલ સુધી પહોંચશે? કઈ રીતે? એની અટકળો ચાલી રહી છે. સાથે જ સેમિ-ફાઈનલ અને ફાઈનલ મેચનો રોમાંચ તો હજી બાકી જ છે. તો એની સાથે જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ પર ક્યાં કઈ સિરીઝ કે ફિલ્મો રજૂ થવાની છે તેનાં પર એક નજર નાખીએ.

 

* જિયો હોટસ્ટાર: 

 

અહીં 26 ફેબ્રુઆરીથી સૂરજ બડજાત્યા નિર્મિત સીરીઝ ‘સંગમરમર’ રજૂ થવાની છે, જે એક અનોખા પ્રકારની લવસ્ટોરી છે. આ સિવાય 28 ફેબ્રુઆરીએ હોલિવૂડની સુપરનેચરલ હોરર ફિલ્મ ‘બ્લેક ફોન-પાર્ટ-ટુ’ તમને ડરાવવા આવી રહી છે.

* એમેઝોન પ્રાઈમ: 

 

ચોથી માર્ચે ‘યંગ શેરલોક’ નામની સીરીઝ શરૂ થઈ રહી છે અને પાંચમી માર્ચથી ‘સુબેદાર’ નામની હિન્દી સીરીઝ ચાલુ થઈ રહી છે.

 

* નેટફ્લિક્સ: 

 

આ પ્લેટફોર્મ પર અત્યારે રણવીર સિંહની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ધૂરંધર’ છવાઈ ગઈ છે. અહીં 27 માર્ચે કોંકણા સેન-શર્મા અભિનીત સિરીઝ ‘એકયુઝ્ડ’ શરૂ થઈ રહી છે. છ માર્ચે અહીં ‘હેલો બચ્ચો’ નામની સિરીઝ શરૂ 

થવાની છે.

 

* ઝી ફાઈવ:

 

અહીં  28 ફેબ્રુઆરીએ ‘અંધા પ્યાર’ નામની સિરીઝ શરૂ થવાની છે અને છ માર્ચે ‘જબ ખુલી કિતાબ’ નામની સિરીઝ ચાલુ થઈ રહી છે.

 

* એમેઝોન - એમએક્સ પ્લેયર: 

 

અહીં અત્યારે ‘બિંદિયા કે બાહુબલી’ ખૂબ ધૂમ મચાવી રહી છે. 25 ફેબ્રુઆરીના રવિ કિશન અને તેજસ્વી પ્રકાશ અભિનીત ‘સાઈકો સૈયાં’ રજૂ થશે.