Sun Sep 06 2026

Logo

પીડિતાને ખેતરના ઘરમાં ગોંધી રાખીને બળાત્કાર ગુજારાયો હતો

2026-03-18 17:19:00
Author: Yogesh D. Patel
પીડિતાને ખેતરના ઘરમાં ગોંધી રાખીને બળાત્કાર ગુજારાયો હતો

આદિવાસી સગીરાનું અપહરણ કરી લગ્ન માટે તેને વેચી દીધી: ‘પતિ’ સહિત ચારની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાંથી પંદર વર્ષની આદિવાસી સગીરાનું અપહરણ કરવા, ગેરકાયદે લગ્ન માટે તેના પર દબાણ કરવા અને જાતીય શોષણ કરવાના આરોપસર સગીરાના ‘પતિ’ સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.

ભિવંડીથી 26 ફેબ્રુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું અને બીડ જિલ્લામાં લગ્નને નામે તેને આધેડ પુરુષને વેચી દેવામાં આવી હતી. અત્યંત ગરીબી અને માતા-પિતાની ગેરહાજરીને કારણે પીડિતાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. 

એજન્ટ અને તેના સાથીદારોએ પીડિતાનું અપહરણ કર્યું હતું, જેમણે લગ્ન દ્વારા સુખી જીવનનું તેને આશ્ર્વાસન આપ્યું હતું. જોકે તેમણે પીડિતાને બીડના પટોડાના રહેનારા આધેડ પુરુષને વેચી દીધી હતી, એમ થાણે ગ્રામીણ પોલીસના અધિકારીએ કહ્યું હતું.

દરમિયાન પીડિતાને ધમકાવવામાં આવી હતી અને 27 ફેબ્રુઆરીએ ગેરકાયદે લગ્ન માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન તેના ‘પતિ’ ભાઉસાહેબ તાંબેએ તેને ખેતરમાં પતરાના ઘરમાં ગોંધી રાખીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતા પાસે મોબાઇલ ન હોવાથી તે કોઇને સંપર્ક સાધી શકતી નહોતી. આખરે પીડિતા ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને તે શ્રમજીવી સંગટનાના કાર્યકરો પાસે પહોંચી હતી, જેમણે તેને પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. 

તપાસ દરમિયાન પોલીસે ભાઉસાહેબ તાંબે અને અન્ય ત્રણ જણને ઝડપી પાડ્યા હતા, જેઓ બીડ અને ભિવંડીના રહેવાસી છે. 

પડઘા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ, શિડયુલ્ડ કાસ્ટસ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) અને પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)