(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારની મુંબઈ મહાનગરપાલિકાએ કાયાપલટ કરી નાખી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે સુશોભન અને લાઇટિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પરિસરના પાંચ રસ્તા ભારે વાહનો માટે બંધ રહેશે. તથા દર રવિવારે ફકત રાહદારી માટે રસ્તા ખુલ્લા રહેશે.

પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કાલાઘોડા આર્ટ એવન્યુ બ્યુટીફિકેશન અને લાઇટિંગ પ્રોજેક્ટને કારણે મુંબઈને એક નવો કલાત્મક વિભાગ મળ્યો છે. મુંબઈનું ગૌરવ ગણાતા કાલાઘોડા વિસ્તારના રસ્તાઓનું ખૂબ જ સારી રીતે સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે. સૌંદર્યીકરણ કાર્યમાં કલાત્મક અને સમકાલીન સ્થાપત્ય સાથે સુમેળ જળવાઈ રહ્યો છે. કલા, વારસો અને આધુનિક સુવિધાઓના સંગમ દ્વારા નાગરિકો આ વિસ્તારના નવા દેખાવનો અનુભવ કરી શકશે એવો વિશ્ર્વાસ પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ મુંબઈમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો કાલાઘોડા વિસ્તાર મુંબઈના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાત્મક વારસાનું પ્રતીક માનવામાં આવે છે. દેશ-વિદેશના નાગરિકો અને પ્રવાસીઓને સુરક્ષિત અને વિશ્ર્વ કક્ષાનો ચાલવાનો અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી અને ‘હેરિટેજ વોક’ને એક નવું પરિમાણ આપવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાએ આ વિસ્તારના વિવિધ રસ્તાઓનું વ્યાપક સૌંદર્યીકરણ કર્યું છે.
યુરોપનો અનુભવ થશે
મુંબઈવાસીઓ અને પ્રવાસીઓને સમૃદ્ધ ‘હેરિટેજ વોક’ અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી સાંઈબાબા માર્ગ, રોપ વોક લેન, ડો. વી. બી. ગાંધી માર્ગ (ફોર્બ્સ સ્ટ્રીટ), રૂધરફોર્ડ સ્ટ્રીટ અને બી. ભરૂચા માર્ગ નામના પાંચ રસ્તાઓનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં લગભગ ૩,૪૪૩ ચોરસ મીટર એટલે કે લગભગ ૫૦૦ મીટર લાંબા વિસ્તારની કાયાપલટ કરવામાં આવી છે. ખુલ્લી જગ્યામાં ટેબલ અને ખુરશીઓની આકર્ષક બેઠક વ્યવસ્થા, પ્રખ્યાત ખાવા-પીવાની દુકાનો, કૅફે, રેસ્ટોરાં, જ્વેલરી સ્ટોર્સ, આકર્ષક કપડાંના શોરૂમ, આર્ટ ગેલેરીઓ અને વારસાગત સ્થળોથી છવાયેલ આ વિસ્તાર હવે યુરોપના ખુલ્લાા સાંસ્કૃતિક રસ્તાઓની યાદ અપાવે તેવો અનુભવ આપશે. કાલાઘોડા વિસ્તાર ફક્ત ફરવા માટે જ નહીં પરંતુ આરામ કરવા અને અનુભવ કરવા માટે પણ એક અનોખું પર્યટન સ્થળ બનશે.
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
આ પ્રોજેક્ટ હેઠળ ભારે વાહનોને આ વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ચારે બાજુ આધુનિક બેરિકેડ બનાવવામાં આવશે. ઇ. ભરૂચા રોડ પરના ચોકમાં એક આકર્ષક ‘કાલાઘોડા પ્લાઝા’ વિકસાવવામાં આવ્યો છે. પ્લાઝા માટે ગ્રે અને બ્લેક ગ્રેનાઈટ તેમજ બેસાલ્ટ ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં સુંદર, ગોળ અને રાહદારીઓ માટે અનુકૂળ વોકવે બનાવવામાં આવ્યા છે. આનાથી પ્રવાસીઓ એક જ જગ્યાએ આરામથી ફરવા, ખરીદી અને ખાદ્ય સંસ્કૃતિનો આનંદ માણી શકશે.
દર રવિવારે આ રસ્તા બંધ રહેશે
કાલા ઘોડા વિસ્તારના પાંચ રસ્તા, સાંઈબાબા માર્ગ, રોપ વોક લેન, ડો. વી. બી. ગાંધી માર્ગ (ફોર્બ્સ સ્ટ્રીટ), રૂધરફોર્ડ સ્ટ્રીટ અને બી. ભરૂચા માર્ગ, દર શનિવાર અને રવિવારે સાંજે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી વાહનો માટે બંધ રહેશે અને ફક્ત રાહદારીઓ માટે જ ખુલ્લા રહેશે.